૧૮૪ રનના ટાર્ગેટ સામે પાંચ વિકેટે ૧૫૮ રન બનાવીને પચીસ રનથી હાર્યું ચેન્નઈ : ૧૦૦મી મૅચમાં કે. એલ. રાહુલ ઝળક્યો
ચેપૉક સ્ટેડિયમમાં એકસાથે જોવા મળ્યાં ધોનીનાં મમ્મી-પપ્પા, પત્ની અને દીકરી.
IPL 2025ની ૧૭મી મૅચમાં ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ને પચીસ રને હરાવીને દિલ્હી કૅપિટલ્સ (DC)એ ચેપૉક સ્ટેડિયમમાં ઑલમોસ્ટ ૧૫ વર્ષ બાદ હોમ ટીમ સામે જીત મેળવી છે. ટૉસ જીતીને પહેલાં બૅટિંગ કરતાં દિલ્હીએ ૬ વિકેટના નુકસાન સાથે ૧૮૩ રનનો સ્કોર કર્યો હતો. જવાબમાં ચેન્નઈ ૨૦ ઓવરમાં પાંચ વિકેટ સાથે ૧૫૮ રન જ કરી શક્યું હતું. વર્તમાન સીઝનમાં આ ચેન્નઈની સળંગ ત્રીજી હાર હતી, જ્યારે દિલ્હીએ સીઝનની પહેલી ત્રણેય મૅચ જીતીને જીતની હૅટ-ટ્રિક કરી છે. ૨૦૦૯ બાદ પહેલી વાર દિલ્હીએ સીઝનની શરૂઆતની ત્રણેય મૅચ જીતી છે.
ઇન્જર્ડ ફાફા ડુ પ્લેસીને સ્થાને ઓપનિંગમાં આવી કે. એલ. રાહુલ IPLમાં ઓપનર તરીકે ૧૦૦મી મૅચ રમ્યો હતો. રાહુલે ૫૧ બૉલમાં ૭૭ રન કર્યા હતા.
ADVERTISEMENT
ઓપનર તરીકે ડેવોન કૉન્વે (૧૪ બૉલમાં ૧૩ રન)ની વાપસી છતાં ચેન્નઈએ ૫.૩ ઓવરમાં ૪૧ રનના સ્કોર પર ત્રણેય ટૉપ ઑર્ડર બૅટરની વિકેટ ગુમાવી હતી. અહીંથી ઑલરાઉન્ડર વિજય શંકરે (૫૪ બૉલમાં ૬૯ રન અણનમ) ટીમની ઇનિંગ્સ સંભાળી હતી. તેણે મહેન્દ્ર સિંહ ધોની (૨૬ બૉલમાં ૩૦ રન) સાથે ચેન્નઈની છઠ્ઠી વિકેટની સૌથી મોટી ૮૪ રનની પાર્ટનરશિપ કરી છતાં ધીમી બૅટિંગને કારણે તેઓ ટાર્ગેટથી દૂર રહ્યા હતા.
ચેપૉકમાં ધોનીનાં મમ્મી-પપ્પાની સ્પેશ્યલ હાજરી
ગઈ કાલે ચેપૉકમાં ધોનીનાં પપ્પા પાન સિંહ અને મમ્મી દેવિકા દેવીની હાજરીએ ક્રિકેટ-ફૅન્સને આશ્ચર્યચકિત કરી દીધા હતા. ૨૦૦૮માં IPLની પહેલી સીઝનથી રમતા ધોનીની IPL મૅચ જોવા બન્ને પહેલી વાર મેદાન પર જોવા મળ્યાં હતાં. ઇન્ટરનૅશનલ ક્રિકેટ મૅચમાં પણ ભાગ્યે જ તેઓ જોવા મળ્યાં છે. તેમની સાથે ધોનીની પત્ની સાક્ષી અને દીકરી ઝીવા સહિતના ફૅમિલીના સભ્યો હાજર રહ્યાં હતાં. કૅપ્ટન ઋતુરાજ ગાયકવાડની ઇન્જરીને કારણે ધોની આ મૅચમાં ચેન્નઈની કમાન સંભાળે એવી સંભાવના હતી, પણ ગાયકવાડે ફિટનેસ ટેસ્ટ પાસ કરીને મૅચમાં કૅપ્ટન્સી કરી હતી.
43
આટલા બૉલમાં વર્તમાન IPL સીઝનની સ્લોએસ્ટ ફિફ્ટી ફટકારી ચેન્નઈના ઑલરાઉન્ડર વિજય શંકરે.

