ટીનેજર ભાઈ-બહેને પાણીથી ભરવામાં આવેલા ગામના તળાવમાં ડૂબી જવાથી જીવ ગુમાવ્યા
ગામના તળાવમાં જીવ ગુમાવનારાં ભાઈ-બહેન સાહિલ અને દિવ્યા જોશી.
મહારાષ્ટ્રના અહિલ્યાનગર જિલ્લાના રાહાતા તાલુકામાં આવેલા કોર્હાળે ગામમાં વર્ષો બાદ નિળવંડે ડૅમનું પાણી પહોંચતાં ગામમાં ખુશીનો માહોલ હતો. જોકે આ ખુશી ગણતરીના કલાકમાં જ માતમમાં ફેરવાઈ ગઈ હતી. ગઈ કાલે સાંજે ૪ વાગ્યે ગામવાસીઓ પાણી આવ્યા બાદ તેમના કામમાં વ્યસ્ત હતા ત્યારે પાણીથી ભરવામાં આવેલા તળાવમાં ૧૨ વર્ષનો સાહિલ પ્રશાંત જોશી અને તેની ૧૫ વર્ષની બહેન દિવ્યા જોશી ગરમીથી રાહત મેળવવા માટે ગયાં હતાં. જળાશયની ઊંડાઈનો ભાઈ-બહેનને અંદાજ ન આવતાં તેઓ પાણીમાં ડૂબી ગયાં હતાં. આ ઘટનાની જાણ થતાં ગામમાં શોકની સાથે અરેરાટી વ્યાપી ગઈ હતી. રાહાતા પોલીસ અને શિર્ડી નગરપરિષદની ફાયર-બ્રિગેડની ટીમે ગામમાં પહોંચીને તળાવમાં ડૂબેલાં ભાઈ-બહેનના મૃતદેહ બહાર કાઢ્યા હતા અને પોસ્ટમૉર્ટમ કરવા માટે હૉસ્પિટલમાં મોકલી આપ્યા હતા. આ ઘટનાથી પહેલી વાર ગામમાં પાણી તો આવ્યું, પણ આ પાણીએ બે લોકોના જીવ લેતાં ગામવાસીઓ ગમગીન થઈ ગયા છે.

