મીરા-ભાઈંદરમાં ચોમાસા પહેલાં નાળાંની સફાઈ કરવા માટેનું કામ બરાબર ન થયું હોવાનું જણાતાં કાર્યવાહી કરવામાં આવી
મીરા રોડમાં ગઈ કાલે શાંતિ વિહાર સોસાયટી પાસે નાળાની સફાઈ કરવામાં આવી હતી.
ચોમાસા પહેલાં દર વર્ષે નાળાંની સફાઈનું કામ હાથ ધરવામાં આવે છે. આ વર્ષે પણ મીરા-ભાઈંદર મહાનગરપાલિકા ક્ષેત્રમાં ૨૦ એપ્રિલથી નાળાંની સફાઈનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. આ કામ મેસર્સ આશાપુરા કન્સ્ટ્રક્શન નામની કંપનીને સોંપવામાં આવ્યું હતું. નાળાંની સફાઈ બરાબર કરવામાં આવી રહી છે કે કેમ એ જાણવા માટે મંગળવારે મીરા-ભાઈંદર મહાનગરપાલિકાના કમિશનર-કમ-ઍડ્મિનિસ્ટ્રેટર રાધાબિનોદ શર્માએ મહાજનવાડી, પેણકરપાડા, સૃષ્ટિ પરિસર અને અય્યપ્પા મંદિર વગેરે સ્થળોએ જઈને ચકાસણી કરી હતી. અમુક જગ્યાએ નાળાંની યોગ્ય રીતે સફાઈ કરવામાં ન આવી હોવાનું તેમ જ નાળાંમાંથી કાઢવામાં આવેલા ગાળનો યોગ્ય રીતે નિકાલ કરવામાં ન આવ્યો હોવાનું ધ્યાનમાં આવતાં કૉન્ટ્રૅક્ટરને સફાઈકામ માટે આપવામાં આવનારા પેમેન્ટમાંથી ૧૦ ટકા રકમ કાપી લેવાનો આદેશ કમિશનરે આપ્યો હતો. આ ઉપરાંત ભવિષ્યમાં આ કામમાં ગરબડ કે બેદરકારી કરવામાં આવી હોવાનું ધ્યાનમાં આવશે તો કઠોર કાર્યવાહી કરવાનું પણ કમિશનરે કહ્યું હતું. કમિશનરે સંબંધિત અધિકારીઓને પણ યોગ્ય રીતે કામ પૂરું કરવા પર ધ્યાન આપવાનું કહ્યું હતું.

