મહિલાને ટક્કર મારીને નાસી ગયેલા બાઇકચાલકને અમે શોધી રહ્યા છીએ. આ કેસમાં અમે એ વિસ્તારના CCTVનાં ફુટેજ ચેક કરી રહ્યા છીએ.
હૉસ્પિટલમાં ઍડ્મિટ લક્ષ્મી ગડા.
ઘાટકોપર-ઈસ્ટના પંતનગરમાં રહેતાં ૬૪ વર્ષનાં લક્ષ્મી ગડાને મંગળવાર બપોરે પાછળથી ટક્કર મારીને નાસી ગયેલા અજાણ્યા બાઇકર વિરુદ્ધ પંતનગર પોલીસે ગઈ કાલે ફરિયાદ નોંધી હતી. લક્ષ્મીબહેન ૧૪૦મી આયંબિલની ઓળી કરીને ઘરે આવી રહ્યાં હતાં ત્યારે દેરાસર લેન નજીક વિરુદ્ધ દિશામાં આવતા એક બાઇકરે તેમને ઉડાડી દીધાં હતાં જેમાં તેઓ સંતુલન ગુમાવીને જમીન પર પટકાયાં હતાં. ઘટના બાદ એક કલાક સુધી મદદ માટે કોઈ આગળ ન આવતાં તેમણે પતિ નરેન્દ્રભાઈ જેઓ બહારગામ હતા તેમને ફોન કરીને મદદ માગી હતી. આ મામલે નાસી ગયેલા બાઇકરને શોધવા પોલીસ ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ ચેક કરી રહી છે.
આ મામલે લક્ષ્મીબહેનના પુત્ર હરેનભાઈએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મમ્મી છેલ્લાં કેટલાંક વર્ષોથી દેરાસર લેનમાં આવેલા જીરાવલ્લા દેરાસરમાં પૂજા કરવા જાય છે. મંગળવારે સવારે રોજિંદા ક્રમ અનુસાર દેરાસર ગયાં હતાં અને ત્યાંથી આયંબિલની ઓળી કરીને બપોરે એક વાગ્યે ઘરે પાછાં આવી રહ્યાં હતાં ત્યારે દેરાસર લેનમાં રસ્તો ક્રૉસ કરતી વખતે વિરુદ્ધ દિશામાં આવી રહેલી એક બાઇકે મમ્મીને ટક્કર મારી હતી. બાઇકચાલક મદદ કરવાને બદલે ત્યાંથી નાસી ગયો હતો. ઘટના બાદ મમ્મી એક કલાક સુધી ત્યાં એમ જ પડી રહી હતી. અંતે અમને ઘટનાની જાણ થતાં મારા પરિવારના સભ્યો મદદ માટે પહોંચી ગયા હતા. તેમને તાત્કાલિક આશા પૉલિક્લિનિક હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવાં પડ્યાં હતાં. આ અકસ્માતમાં તેમન પગમાં ફ્રૅક્ચર હોવાનું જણાતાં ગઈ કાલે સવારે ઑપરેશન કરવામાં આવ્યું છે. ડૉક્ટરે બે-ત્રણ મહિના કમ્પ્લીટ આરામ કરવાની સલાહ આપી છે.’
ADVERTISEMENT
પંતનગરના એક સિનિયર પોલીસ અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મહિલાને ટક્કર મારીને નાસી ગયેલા બાઇકચાલકને અમે શોધી રહ્યા છીએ. આ કેસમાં અમે એ વિસ્તારના CCTVનાં ફુટેજ ચેક કરી રહ્યા છીએ.’

