Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ફોર્થ અમ્પાયર સામે અપશબ્દોનો ઉપયોગ કરવા બદલ બૅન્ગલોરના હેડ કોચ ઍન્ડી ફ્લાવરને મૅચ-ફીના ૧૫ ટકાનો થયો દંડ

ફોર્થ અમ્પાયર સામે અપશબ્દોનો ઉપયોગ કરવા બદલ બૅન્ગલોરના હેડ કોચ ઍન્ડી ફ્લાવરને મૅચ-ફીના ૧૫ ટકાનો થયો દંડ

Published : 12 May, 2026 02:50 PM | IST | Raipur
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હાર્દિક પંડ્યા બૅન્ગલોર સામેની મૅચ રમવા માટે છત્તીસગઢના રાયપુર પહોંચી ગયો હતો.

ફોર્થ અમ્પાયર સાથે ઉગ્ર ચર્ચા કરતો ઍન્ડી ફ્લાવર.

ફોર્થ અમ્પાયર સાથે ઉગ્ર ચર્ચા કરતો ઍન્ડી ફ્લાવર.


રાયપુરમાં મુંબઈ ઇન્ડિયન્સ સામેની મૅચમાં ગેરવર્તન કરવા બદલ રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુનો હેડ કોચ ઍન્ડી ફ્લાવર ચર્ચામાં આવ્યો છે. ફોર્થ અમ્પાયર સામે અપશબ્દોનો ઉપયોગ કરવા બદલ ઝિમ્બાબ્વેના આ ભૂતપૂર્વ ક્રિકેટરને IPL આચારસંહિતાની કલમ ૨.૩ના ઉલ્લંઘન બદલ મૅચ-ફીના ૧૫ ટકાનો દંડ થયો છે. આ ઘટના અઢારમી ઓવરમાં બની હતી. અફઘાની સ્પિનર એ. એમ. ગઝનફરની સામે કૃણાલ પંડ્યાએ લૉન્ગ-ઑન તરફ સિક્સ ફટકારવાનો પ્રયાસ કર્યો. જોકે નમન ધીરે બાઉન્ડરી પાર કરતાં પહેલાં બૉલ તિલક વર્મા તરફ ફેંક્યો. જોકે તિલક વર્મા એ કૅચ પકડવામાં નિષ્ફળ થતાં જ બન્ને વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી. અમ્પાયર દ્વારા આ બૉલ ડૉટ બૉલ જ જાહેર થયો, કારણ કે બૅટર્સ પણ રન દોડ્યા નહોતા. આ મામલે ઍન્ડી ફ્લાવરે સિક્સ મળવી જોઈએ એ મામલે ફોર્થ અમ્પાયર સાથે ઉગ્ર ચર્ચા કરી હતી. 

મુંબઈ પહેલી વખત એક સીઝનમાં ચેન્નઈ-બૅન્ગલોર સામે તમામ મૅચ હાર્યું : અંતિમ બૉલે મૅચ હારવાના મામલે કલકત્તાની બરાબરી કરી મુંબઈએ

રાયપુરની મૅચમાં ચેન્નઈ સુપર કિંગ્સના મહેન્દ્ર સિંહ ધોનીના સૌથી વધુ ૨૭૮ મૅચ રમવાના IPL રેકૉર્ડની બરાબરી બૅન્ગલોરના વિરાટ કોહલી અને મુંબઈના રોહિત શર્માએ કરી હતી. રોહિત શર્માની આગેવાનીમાં મુંબઈની ટીમે ધોની અને વિરાટની ટીમો સામે દબદબો જાળવી રાખ્યો હતો. જોકે રોહિત શર્મા પાસેથી કૅપ્ટન્સી છીનવાઈ ગઈ એ પછી ચેન્નઈ અને બૅન્ગલોર મુંબઈની ટીમ પર ભારે પડી રહ્યાં છે. ઓગણીસમી સીઝનમાં મુંબઈ માટે પહેલી વખત એક શરમજનક ઘટના બની છે. એક સીઝનમાં મુંબઈને પહેલી વખત ચેન્નઈ અને બૅન્ગલોર સામેની તમામ મૅચમાં હાર મળી છે. આ સીઝનમાં મુંબઈને ચેન્નઈ સામે ૮ વિકેટે અને ૧૦૩ રનથી હાર મળી છે, જ્યારે બૅન્ગલોર સામે ૧૮ રનથી અને બે વિકેટે હાર મળી છે. ૨૦૨૦ સુધી બૅન્ગલોર સામે ૧૭ જીત અને ૧૦ હાર સાથે મુંબઈનો રેકૉર્ડ શાનદાર રહ્યો હતો. જોકે છેલ્લી ૯ મૅચમાંથી ૭ મૅચ જીતીને બૅન્ગલોરે મુંબઈ સામે પોતાની જીતનો આંકડો ૧૭ કરી દીધો છે. ૩૬ ટક્કરમાં મુંબઈએ બૅન્ગલોર સામે ૧૯ મૅચ જીતી છે. ચેન્નઈએ પણ છેલ્લી ૭ મૅચમાંથી ૬ મૅચ જીતીને મુંબઈ સામે ૪૧ મૅચમાં ૨૦ જીત મેળવીને પોતાનો રેકૉર્ડ સુધાર્યો છે. મુંબઈએ ચેન્નઈ સામે ૨૧ જીત મેળવી છે.

શું ફરી એક વાર મુંબઈ ઇન્ડિયન્સ સાથે છેડો ફાડશે હાર્દિક પંડ્યા? : મુંબઈ ઇન્ડિયન્સને અનફૉલો કર્યા હોવાના સ્ક્રીનશૉટ વાઇરલ થતાં જ આ આૅલરાઉન્ડરે ફરી અકાઉન્ટ ફૉલો કર્યું

મુંબઈ ઇન્ડિયન્સ સતત છઠ્ઠી IPL સીઝનમાં ટ્રોફીથી દૂર રહીને ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયું છે. ટીમના નબળા પ્રદર્શન વચ્ચે રેગ્યુલર કૅપ્ટન હાર્દિક પંડ્યાની સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ઇન્સ્ટાગ્રામની કેટલીક હરકતોથી મોટી ચર્ચા શરૂ થઈ છે. તેણે મુંબઈ ઇન્ડિયન્સને લગતી આ સીઝનની તમામ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ હટાવીને મુંબઈ ઇન્ડિયન્સને અનફૉલો કર્યું હોવાનો સ્ક્રીનશૉટ વાઇરલ થયો હતો. મુંબઈ સાથે ફરી છેડો ફાડશે અને અનફૉલો કર્યો હોવાનો સ્ક્રીનશૉટ વાઇરલ થતાં હાર્દિક પંડ્યાએ ફરી મુંબઈ ઇન્ડિયન્સના અકાઉન્ટને ફૉલો કર્યું હતું. ફૉલો કરતા લોકોની સંખ્યા ૧૫૦થી ૧૫૧ થઈ એનો પણ સ્ક્રીનશૉટ પછીથી વાઇરલ થયો હતો. શું આ કોઈ ટેક્નિકલ ખામી હતી, આકસ્મિક ભૂલ હતી કે IPL 2026માં ખરાબ પ્રદર્શન બાદ હતાશાની અભિવ્યક્તિ? 
ટીમ સાથે આ ઑલરાઉન્ડરના ભવિષ્ય અંગે થઈ રહેલી નકારાત્મક ચર્ચા વચ્ચે પણ હાર્દિક કે મુંબઈ મૅનેજમેન્ટ દ્વારા કોઈ ઑફિશ્યલ નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી. મુંબઈની ટીમ હાર્દિકની આગેવાનીમાં ૨૦૨૪માં દસમા ક્રમે રહી હતી અને ૨૦૨૫માં ક્વૉલિફાયર-ટૂ મૅચ સુધી પહોંચી હતી. હવે ૨૦૨૬માં ટીમ ફરી તળિયાની ટીમોમાંથી એક બની છે.

રાયપુર પહોંચ્યા છતાં કેમ ન રમ્યો કૅપ્ટન હાર્દિક પંડ્યા?

હાર્દિક પંડ્યા બૅન્ગલોર સામેની મૅચ રમવા માટે છત્તીસગઢના રાયપુર પહોંચી ગયો હતો. જોકે રવિવારે સાંજની મૅચમાં તે મુંબઈની ટીમ સાથે મેદાન પર આવ્યો નહોતો અને તેના સ્થાને સૂર્યકુમાર યાદવે કૅપ્ટન્સી કરી હતી. હેડ કોચ માહેલા જયવર્દનેએ કહ્યું હતું કે ‘હાર્દિક પંડ્યાને પીઠમાં સમસ્યા છે અમે તેને સુધારવાનો પ્રયાસ કરી રહ્યા હતા. મેડિકલ ટીમ તેની સાથે કામ કરી હતી. છેલ્લા કેટલાક દિવસોમાં તે તાલીમ લઈ શક્યો નહોતો એટલે અમે તેને મેદાન પર ઉતારવા ઇચ્છતા નહોતા.’


Whatsapp-channel Whatsapp-channel

12 May, 2026 02:50 PM IST | Raipur | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK