IPL ઇતિહાસમાં બેસ્ટ બોલિંગ કરનાર ભારતીય લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર બન્યો
મોહસિન ખાન
કોલકાતા નાઇટ રાઇડર્સે ગઈ કાલે ૧૧ ઓવરમાં ૭૩ રનના સ્કોરે ૬ વિકેટ ગુમાવી દીધી હતી. આ ૬ બૅટર્સમાંથી અજિંક્ય રહાણે, ટિમ સાઇફર્ટ, રોવમૅન પૉવેલ અને કૅમરન ગ્રીનની વિકેટ મોહસિન ખાને ઝડપી હતી. તેણે કલકત્તાની બૅટિંગની ૧૧ ઓવરમાં પોતાનો ૪ ઓવરનો સ્પેલ પૂરો કરીને ૨૩ રન આપીને પાંચ વિકેટ લીધી હતી. મોહસિન ખાને પોતાની IPL કરીઅરમાં પહેલી વખત એક દાવમાં પાંચ વિકેટ લીધી હતી. વર્તમાન સીઝનમાં પહેલી વખત કોઈ બોલરે એક મૅચમાં પાંચ વિકેટ લીધી છે. IPLના ઇતિહાસમાં ભારતીય લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર તરીકે તેણે બેસ્ટ બોલિંગ નોંધાવી હતી. વર્તમાન સીઝનની ૩ મેઇડન ઓવર સહિત તે લખનઉ માટે સૌથી વધુ પાંચ મેઇડન ઓવર કરી ચૂક્યો છે. ઉત્તર પ્રદેશનો ૨૭ વર્ષનો આ બોલર ૨૮ IPL મૅચ લખનઉ માટે રમ્યો છે અને ૩૬ જેટલી વિકેટ ઝડપી ચૂક્યો છે. પહેલી ત્રણ સીઝનમાં લખનઉ માટે ૨૦ લાખ રૂપિયામાં રમ્યા બાદ તે ૨૦૨૫થી ૪ કરોડ રૂપિયામાં રમી રહ્યો છે.
ઑબ્સ્ટ્રક્ટિંગ ધ ફીલ્ડ નિયમ હેઠળ અંગક્રિશ રઘુવંશી આઉટ થયો
ADVERTISEMENT

IPL ઇતિહાસમાં યુસુફ પઠાણ (૨૦૧૩), અમિત મિશ્રા (૨૦૧૯) અને રવીન્દ્ર જાડેજા (૨૦૨૪) બાદ ઑબ્સ્ટ્રક્ટિંગ ધ ફીલ્ડ નિયમ હેઠળ આઉટ થનાર અંગક્રિશ રઘુવંશી ચોથો પ્લેયર બન્યો છે. કલકત્તાનો વિકેટકીપર-બૅટર અંગક્રિશ રઘુવંશી ૮ બૉલમાં ૯ રનનો સ્કોર કરીને ઑબ્સ્ટ્રક્ટિંગ ધ ફીલ્ડ નિયમને કારણે આઉટ થયો હતો. બોલર પ્રિન્સ યાદવ દ્વારા ફેંકવામાં આવેલી પાંચમી ઓવરના અંતિમ બૉલ પર મોહમ્મદ શમીનો થ્રો વિકેટકીપર રિષભ પંત સુધી પહોંચે એ પહેલાં અંગક્રિશ રઘુવંશીને પગમાં વાગીને રોકાઈ ગયો હતો. કૅમરન ગ્રીને રન દોડવાની ના પાડતાં અંગક્રિશ રઘુવંશીએ અડધી પિચ પરથી ટર્ન લઈને સ્ટ્રાઇકર્સ-એન્ડ પર પાછા ફરવાની ફરજ પડી હતી.

નિયમ અનુસાર સ્ટમ્પ્સ તરફ થ્રો થયેલો બૉલ જોઈને રન દોડવાની દિશા જ્યારે ખેલાડી બદલે ત્યારે ઑબ્સ્ટ્રક્ટિંગ ધ ફીલ્ડ હેઠળ આઉટ જાહેર થાય છે. જોકે કલકત્તાના કોચિંગ સ્ટાફ સહિત અંગક્રિશ રઘુવંશીએ થર્ડ અમ્પાયરના આ નિર્ણયને અયોગ્ય માનીને રોષ વ્યક્ત કર્યો હતો. કલકત્તાએ ખરાબ પરિસ્થિતિમાં રિન્કુ સિંહ અને સુનીલ નારાયણની શાનદાર ૬૨ રનની ભાગીદારીથી ૭ વિકેટે ૧૫૫ રન કર્યા હતા. રિન્કુ સિંહે ૫૧ બૉલમાં ૮૩ રનનો હાઇએસ્ટ IPL સ્કોર કર્યો હતો.
