Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > પ્લેઑફની આશા જીવંત રાખવા માટે રાજસ્થાને હોમગ્રાઉન્ડ પર હારનો સિલસિલો રોકવો પડશે

પ્લેઑફની આશા જીવંત રાખવા માટે રાજસ્થાને હોમગ્રાઉન્ડ પર હારનો સિલસિલો રોકવો પડશે

Published : 19 May, 2026 02:24 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સતત પાંચ મૅચથી જયપુરમાં નથી જીત્યું રાજસ્થાન, હૅટ-ટ્રિક હારને કારણે પ્લેઑફ આશાને લાગ્યો છે ફટકો

LSG અને RRના કૅપ્ટન

LSG અને RRના કૅપ્ટન


IPL 2026ની ૬૪મી મૅચ આજે જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાશે.રાજસ્થાન રૉયલ્સ સામે લખનઉ સુપર જાયન્ટ્સ માત્ર ૨૦૨૩ અને ૨૦૨૫માં એક-એક મૅચ જીત્યું છે. આ સીઝનની પહેલી ટક્કરમાં રાજસ્થાને એકાના સ્ટેડિયમમાં ૧૬૦ રનનો ટાર્ગેટ ડિફેન્ડ કરીને લખનઉને ૪૦ રને હરાવ્યું હતું. રિયાન પરાગની ટીમ ૧૨ મૅચમાં ૬ જીત અને ૬ હારને કારણે ૧૨ પૉઇન્ટ સાથે પ્લેઑફની રેસમાં સામેલ છે. હૅટ-ટ્રિક હાર મેળવનાર રાજસ્થાનને પ્લેઑફની અંતિમ ત્રણ ટીમમાં સામેલ થવા બાકીની બન્ને મૅચ જીતીને ૧૬ પૉઇન્ટ સુધી પહોંચવું પડશે અને અન્ય ટીમોનાં રિઝલ્ટ પર નજર રાખવી પડશે. પ્લેઑફની રેસમાંથી સૌથી પહેલાં બહાર થનાર રિષભ પંતની ટીમ ૧૨ મૅચમાં ૪ જીત અને ૮ હારને કારણે સૌથી તળિયાની ટીમ છે. હવે તેઓ માત્ર પ્રતિષ્ઠા બચાવવા રમી રહ્યા છે. બાકીની બન્ને મૅચમાં જીત મેળવીને તેઓ પૉઇન્ટ-ટેબલના દસમા ક્રમના ટૅગથી બચવાનો પ્રયાસ કરશે. જયપુરમાં લખનઉની ટીમને ત્રણ મૅચમાંથી બે જીત અને એક હાર મળી છે. આ ત્રણેય મૅચ તેઓ હોમ-ટીમ રાજસ્થાન સામે રમ્યા હતા. આજે રાજસ્થાન આ સીઝનની અંતિમ લીગ-સ્ટેજ મૅચ રમશે. આ મેદાન પર રાજસ્થાન ૭૦ મૅચમાંથી ૪૩ મૅચ જીત્યું છે અને ૨૭ મૅચ હાર્યું છે.  જયપુરમાં આ સીઝનની ત્રણેય મૅચમાં રાજસ્થાનને હાર મળી છે. છેલ્લી સીઝનની બે મૅચ સહિત સતત પાંચ મૅચથી તેઓ જયપુરમાં જીત્યા નથી. ગુવાહાટીની લીગ-સ્ટેજની બન્ને મૅચમાં રાજસ્થાનને જીત મળી હતી.

બન્ને ટીમનો હેડ-ટુ-હેડ રેકૉર્ડ

મૅચ

રાજસ્થાનની જીત

લખનઉની જીત



વૈભવ સૂર્યવંશી વિશ્વના કોઈ પણ રાષ્ટ્રની ટીમમાં સહેલાઈથી સ્થાન મેળવી શકે છે : રવિ શાસ્ત્રી


ભારતના ભૂતપૂર્વ કૅપ્ટન અને હેડ કોચ રવિ શાસ્ત્રીએ ૧૫ વર્ષના વૈભવ સૂર્યવંશી વિશે મોટું નિવેદન આપ્યું છે. ICC-રિવ્યુના નવા એપિસોડમાં રવિ શાસ્ત્રીએ કહ્યું હતું કે ‘મને વૈભવની ઉંમરથી કોઈ ફરક નથી પડતો. હું ફક્ત એ જ જોઉં છું કે તે અત્યારે કેવી રીતે બૅટિંગ કરી રહ્યો છે. તે પોતાની ઉંમરથી બમણી ઉંમરવાળા બોલર્સ સામે કઈ રીતે ટકી રહ્યો છે. આમાંથી કોઈ પણ પરિબળ તેને હેરાન કરી શકશે નહીં.’ રવિ શાસ્ત્રી વધુમાં કહે છે, ‘મારું માનવું છે કે વૈભવ ભારતીય ટીમમાં સ્થાન મેળવવાની દોડમાં ઘણો આગળ છે. જૂનમાં આયરલૅન્ડ સામેની T20 સિરીઝમાં હું તેના પર નજીકથી નજર રાખીશ. નૅશનલ ટીમના સેટઅપમાં એન્ટ્રી માટે T20 ફૉર્મેટ તેને માટે શ્રેષ્ઠ માધ્યમ છે. તેની પાસે ક્ષમતાની દૃષ્ટિએ ચોક્કસપણે કોઈ કમી નથી. આ ક્ષણે આ કિશોર વિશ્વના કોઈ પણ ક્રિકેટ-રાષ્ટ્રની ટીમમાં સરળતાથી સ્થાન મેળવી શકે છે. જ્યારે તમે તેનામાં રહેલા યુવા ઉત્સાહને જુઓ છો ત્યારે તે જુસ્સો તેના ચહેરા પર સ્પષ્ટપણે દેખાય છે.’


Whatsapp-channel Whatsapp-channel

19 May, 2026 02:24 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK