IPL સીઝનમાં ૭૦૦ પ્લસ રન કરનાર યંગેસ્ટ ખેલાડી અને પહેલો અનકૅપ્ડ પ્લેયર બન્યો
રિયાન પરાગે ખખડાવ્યો : શુક્રવારે આ સીઝનમાં ત્રીજી વખત સદી ચૂકી ગયો ત્યારે કૅપ્ટન રિયાન પરાગે ડગઆઉટમાં વૈભવને ખખડાવ્યો હતો જેનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે.
આ સીઝનમાં વૈભવ સૂર્યવંશીએ એક T20 ટુર્નામેન્ટના રેકૉર્ડ ૭૨ સિક્સ પણ નોંધાવ્યા. તેણે ૫૦ સિક્સ લેગ સાઇડમાં અને બાવીસ સિક્સ ઑફ સાઇડ પર ફટકાર્યા હતા. આ ડાબોડી બૅટરે ડીપ ઍક્સ્ટ્રા-કવર અને ડીપ મિડ-કવરની વચ્ચે કાઉ કૉર્નર તરફ સૌથી વધુ ૧૮ સિક્સ માર્યા હતા.

ક્વૉલિફાયર 2 મૅચ હાર્યા બાદ ડગઆઉટમાં ભીની આંખો સાથે નિરાશ જોવા મળ્યો વૈભવ સૂર્યવંશી.
IPL 2026માં વૈભવ સૂર્યવંશીનું પ્રદર્શન
મૅચ - ૧૬
રન - ૭૭૬
ઍવરેજ - ૪૮.૫૦
સ્ટ્રાઇક-રેટ - ૨૩૭.૩૦
ફોર - ૬૩
સિક્સ - ૭૨
ફિફ્ટી - ૫
સેન્ચુરી - ૧
પહેલી વખત એક T20 ટુર્નામેન્ટમાં ત્રણ બૅટર્સે ઝૂડ્યા ૭૦૦+ રન
T20 ઇતિહાસમાં પહેલી વખત એક સિરીઝ કે ટુર્નામેન્ટમાં ત્રણ બૅટર્સે ૭૦૦ પ્લસ રન કર્યા હોય એવો કમાલ IPL 2026માં થયો છે. વૈભવ સૂર્યવંશીએ ૧૬ મૅચમાં ૭૭૬ રન , શુભમન ગિલે ૧૫ મૅચમાં ૭૨૨ રન અને સાઈ સુદર્શને ૧૬ મૅચમાં ૭૧૦ રન કર્યા છે. એક IPL સીઝનમાં ૭૦૦ પ્લસ રન એક જ ટીમના બે બૅટર્સે કર્યા હોય એવી ઘટના પણ પહેલી વખત બની છે. રેકૉર્ડ બાવીસમી વખત ૫૦ પ્લસ રનની ભાગીદારી નોંધાવનાર ગુજરાત ટાઇટન્સના શુભમન ગિલ અને સાઈ સુદર્શને આ કમાલ કરી છે. બે IPL સીઝનમાં ૭૦૦ પ્લસ રન કરવા મામલે સાઈ સુદર્શન અને શુભમન ગિલે વિરાટ કોહલી અને ક્રિસ ગેઇલના રેકૉર્ડની બરાબરી કરી છે. ક્રિસ ગેઇલે ૨૦૧૨ અને ૨૦૧૩માં જ્યારે વિરાટ કોહલીએ ૨૦૧૬ અને ૨૦૨૪માં ૭૦૦ રનનો આંકડો પાર કર્યો હતો. અગાઉ સાઈ સુદર્શને ૨૦૨૫માં અને શુભમન ગિલે ૨૦૨૩માં ૭૦૦ પ્લસ રન કર્યા હતા.
લલિત મોદીએ સ્કૉલરશિપની ઑફર કરી
IPLના ભૂતપૂર્વ ચૅરમૅન લલિત મોદીએ વૈભવ સૂર્યવંશી માટે મહત્ત્વપૂર્ણ જાહેરાત કરી છે. વૈભવ સૂર્યવંશી માટે લલિત મોદીએ એજ્યુકેશન સ્કૉલરશિપ ઑફર કરી છે. ૧૫ વર્ષનો વૈભવ દુનિયાની કોઈ પણ કૉલેજ કે યુનિવર્સિટીમાં ભણવાની ઇચ્છા દર્શાવશે તો લલિત મોદી તેની ૧૦૦ ટકા ફી માટે જાતે ફન્ડ આપશે. લલિત મોદી કહે છે કે વૈભવ સૂર્યવંશી એ જ ખેલાડી છે જેની ઇચ્છા હું IPL જેવી ટુર્નામેન્ટ માટે રાખતો હતો.
