ચીફ સિલેક્ટર અજિત આગરકરના નિવેદનથી નાખુશ મોહમ્મદ શમી કહે છે...તેને જે કહેવું હોય એ કહેવા દો, મારું પ્રદર્શન બધાની નજર સામે છે
બંગાળનો કૅપ્ટન અભિમન્યુ ઈશ્વરન અને પોતાના પ્લેયર ઑફ ધ મૅચના મેડલ સાથે મોહમ્મદ શમી.
ફાસ્ટ બોલરે ફિટનેસ પર સવાલ ઊઠતાં પ્રદર્શનથી આપ્યો જવાબ
કલકત્તાના ઈડન ગાર્ડન્સમાં બંગાળે રણજી ટ્રોફીની ઓપનિંગ મૅચમાં ઉત્તરાખંડને ૮ વિકેટે હરાવીને વિજયી શરૂઆત કરી હતી. અભિમન્યુ ઈશ્વરનના નેતૃત્વ હેઠળની બંગાળની ટીમ માટે ૭ વિકેટ લઈને અનુભવી ફાસ્ટ બોલર મોહમ્મદ શમી પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો. આ પ્રદર્શન સાથે તેણે પોતાની ફિટનેસ પર સવાલ ઉઠાવી રહેલા લોકોને જબરદસ્ત જવાબ આપ્યો હતો.
ઇંગ્લૅન્ડ અને ઑસ્ટ્રેલિયા ટૂર માટે ફિટનેસને કારણે સતત અવગણનાને કારણે મોહમ્મદ શમી સિલેક્શન કમિટી પર રોષ વ્યક્ત કરી ચૂક્યો છે. ચીફ સિલેક્ટર અજિત આગરકરે હાલમાં ફરી તેની સાધારણ ફિટનેસને કારણે જ બન્ને ટૂરમાં તેને સ્થાન ન મળ્યું હોવાનો ઉલ્લેખ કર્યો હતો. રણજી મૅચ બાદ જ્યારે શમીને આ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું હતું કે ‘તેને જે કહેવું હોય એ કહેવા દો. તમે જોયું છે કે મેં કેવી બોલિંગ કરી. એ બધું તમારી નજર સામે છે.’
૩૫ વર્ષનો મોહમ્મદ શમી ભારત માટે ૧૯૭ ઇન્ટરનૅશનલ મૅચમાં ૪૬૨ વિકેટ લઈ ચૂક્યો છે.

