સૅન્ડપેપર કાંડ પછીની કિવીઓની પહેલી જ ટૂરમાં બૉલ ચમકાવવા મિન્ટ વાપરવાનું સૂચન કરનાર ખેલાડી નૅથન લાયન જ હોવાનો ઘટસ્ફોટ.
નૅથન લાયન
બૉલ-ટૅમ્પરિંગના નવા આરોપો અને ખરાબ ફૉર્મને કારણે ઑસ્ટ્રેલિયાના અનુભવી ઑફ-સ્પિનર નૅથન લાયનની ટેસ્ટ-કારકિર્દી પર જોખમ તોળાઈ રહ્યું છે. ન્યુ ઝીલૅન્ડ સામે આવતા મહિને રમાનારી ૪ ટેસ્ટની સિરીઝ માટેની ઑસ્ટ્રેલિયન સ્ક્વૉડમાંથી ૩૯ વર્ષના નૅથન લાયનને પડતો મૂકવામાં આવ્યો છે. ૫૭૭ ટેસ્ટ વિકેટ ઝડપનાર નૅથન લાયનના સ્થાને વેસ્ટ ઑસ્ટ્રેલિયાના અનકૅપ્ડ ઑફ-સ્પિનર કોરી રોચિસિઓલીને તક મળી છે, જ્યારે માર્નસ લબુશેનની જગ્યાએ જૅક ક્લેટનનો સમાવેશ કરાયો છે.
સિલેક્ટર જ્યૉર્જ બેઇલીએ જણાવ્યું હતું કે ‘તાજેતરની મૅચોમાં નૅથન લાયન બૉલથી અમારી અપેક્ષા મુજબનો પ્રભાવ પાડી શક્યો નથી. જોકે તેનો રેકૉર્ડ અસાધારણ છે અને ભવિષ્યના પ્રોગ્રામમાં તેનાં અનુભવ તથા કૌશલ્ય ઉપયોગી થઈ શકે છે.’
ADVERTISEMENT
નૅથન લાયનની બાદબાકી ૨૦૧૮ના સૅન્ડપેપર વિવાદના નવા ખુલાસા સાથે જોડાયેલી હોવાનું મનાતું નથી, પરંતુ આ ઘટસ્ફોટે ઑસ્ટ્રેલિયન ક્રિકેટમાં ખળભળાટ મચાવ્યો છે. ઑક્ટોબર ૨૦૧૮માં દુબઈ ખાતે પાકિસ્તાન સામેની ટેસ્ટમાં ઑસ્ટ્રેલિયા વિકેટ માટે સંઘર્ષ કરી રહ્યું હતું ત્યારે એક ખેલાડીએ રિવર્સ સ્વિંગ મેળવવા મિન્ટનો ઉપયોગ કરવાનું સૂચન કર્યું હતું. ઉસ્માન ખ્વાજાએ આ ઘટનાની પુષ્ટિ કર્યા બાદ એક રિપોર્ટમાં તે ખેલાડી નૅથન લાયન હોવાનું બહાર આવ્યું છે.
ઉસ્માન ખ્વાજાએ જણાવ્યું હતું કે ‘તે વખતે ડેબ્યુ કરી રહેલા ટ્રૅવિસ હેડે આ વાતનો સખત વિરોધ કરીને કહ્યું હતું કે આપણે એ ગંદકી ફરીથી નથી કરવાના. ત્યાર બાદ કોચ જસ્ટિન લૅન્ગરે ટીમ પર ગુસ્સો ઠાલવતાં ચેતવણી આપી હતી કે જો કોઈ આવું વિચારશે પણ તો ફરી ક્યારેય ઑસ્ટ્રેલિયા માટે નહીં રમી શકે.’
