અહેવાલ અનુસાર ભારતીય રોકાણ ધરાવતી ધ હન્ડ્રેડની મોટા ભાગની ટીમો આગામી ૧૧ અને ૧૨ માર્ચના ઑક્શન દરમ્યાન પાકિસ્તાની ખેલાડીઓને ખરીદશે નહીં.
મોઈન અલી
ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ ઑલરાઉન્ડર મોઈન અલીએ ઇંગ્લૅન્ડ ઍન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB)ને નજર રાખવા અને ધ હન્ડ્રેડની આગામી આવૃત્તિમાં પાકિસ્તાની ખેલાડીઓને સ્થાન મળે એ સુનિશ્ચિત કરવા માટે અપીલ કરી છે. અહેવાલ અનુસાર ભારતીય રોકાણ ધરાવતી ધ હન્ડ્રેડની મોટા ભાગની ટીમો આગામી ૧૧ અને ૧૨ માર્ચના ઑક્શન દરમ્યાન પાકિસ્તાની ખેલાડીઓને ખરીદશે નહીં. પાકિસ્તાની મૂળના ૩૮ વર્ષના મોઈન અલીએ કહ્યું હતું કે ‘જો પાકિસ્તાની ખેલાડીઓ ટુર્નામેન્ટમાં ભાગ નહીં લે તો એ ખૂબ જ શરમજનક વાત હશે, કારણ કે રમતમાં ભેદભાવ માટે કોઈ અવકાશ હોઈ શકે નહીં. મને ખાતરી છે કે ઇંગ્લૅન્ડમાં આવું થઈ ન શકે. મને આશા છે કે એવું નહીં થાય. મને લાગે છે કે એ ખૂબ જ શરમજનક હશે અને મને ખાતરી છે કે ECB ચોક્કસપણે એના પર નજર રાખશે.’ મોઈન અલીએ વધુમાં કહ્યું હતું કે ‘મને લાગે છે કે આ મુદ્દે ખેલાડીઓનું એક જૂથ હશે જે અવાજ ઉઠાવશે. ખેલાડીઓએ આ બાબતે બોલવું જોઈએ. જે કોઈને પણ આ પ્રકારની બાબતો માટે કોઈ ચિંતા હોય, ભલે તેઓ પાકિસ્તાની વારસો ધરાવતા હોય કે ન હોય, તેમણે બોલવું જોઈએ. દેખીતી રીતે આ સમાચાર ખૂબ જ નવા છે. એથી મને ખરેખર કોઈની સાથે વાત કરવાની તક મળી નથી, પરંતુ મોટા ભાગના ખેલાડીઓ આ મુદ્દે એકજૂટ હશે એની મને ખાતરી છે.’
આજે ન્યુ ઝીલૅન્ડ vs શ્રીલંકા :T20 વર્લ્ડ કપમાં બન્નેનો રેકૉર્ડ રહ્યો છે બરાબરીનો: બન્ને ટીમ આ ટુર્નામેન્ટમાં એકબીજા સામે ૩-૩ મૅચ જીતી છે
મેન્સ T20 વર્લ્ડ કપ 2026ની સુપર 8ની છઠ્ઠી મૅચ આજે કોલંબોમાં ન્યુ ઝીલૅન્ડ અને શ્રીલંકા વચ્ચે રમાશે. રેસમાં ટકી રહેવા માટે બન્ને ટીમોએ આજે જીત મેળવવી જરૂરી છે. સુપર 8ની પહેલી મૅચમાં ન્યુ ઝીલૅન્ડની પાકિસ્તાન સામેની ટક્કર વરસાદને કારણે રદ રહી હતી, જ્યારે શ્રીલંકાને ઇંગ્લૅન્ડ સામે ૫૧ રનની ભૂંડી હાર મળી હતી. T20 ફૉર્મેટમાં ન્યુ ઝીલૅન્ડ અને શ્રીલંકા વચ્ચે ૨૮ મૅચ રમાઈ હતી. એમાંથી ન્યુ ઝીલૅન્ડ ૧૬ મૅચ અને શ્રીલંકા ૧૧ મૅચ જીત્યું છે. બન્ને વચ્ચે એક મૅચ નો-રિઝલ્ટ રહી હતી. T20 વર્લ્ડ કપ ઇતિહાસમાં બન્ને વચ્ચે ૬ મૅચ રમાઈ છે. શ્રીલંકા આ હરીફ સામે ૨૦૦૭, ૨૦૦૯ અને ૨૦૧૪ની મૅચ જીત્યું હતું, જ્યારે ન્યુ ઝીલૅન્ડ ૨૦૧૨ની સુપર ઓવરવાળી મૅચ સહિત ૨૦૧૦ અને ૨૦૨૨ની મૅચ જીત્યું છે.
લખનઉ સુપર જાયન્ટ્સે તાજ, ગરુડ, હાથી સાથેનો નવો લોગો લૉન્ચ કર્યો

લખનઉ સુપર જાયન્ટ્સ (LSG)એ IPL 2026 પહેલાં પોતાનો નવો લોગો લૉન્ચ કર્યો છે. નવા લોગોમાં ૩ શક્તિશાળી પ્રતીકો એવાં ગરુડ, તાજ અને હાથીનો સમાવેશ કરવામાં આવ્યો છે. અગાઉ ટીમના લોગોમાં પક્ષીની પાંખો, બૅટ અને બૉલ હતાં. ધ હન્ડ્રેડની ટીમ મૅન્ચેસ્ટર સુપર જાયન્ટ્સ માટે પણ આ ફ્રૅન્ચાઇઝીએ આ જ પ્રકારનો લોગો લૉન્ચ કર્યો હતો.
