વર્લ્ડ કપની તૈયારી માટે પાકિસ્તાન, ઝિમ્બાબ્વે અને શ્રીલંકા મેદાનમાં ઊતરશે
ત્રિકોણીય સિરીઝ પહેલાં શ્રીલંકાના કૅપ્ટન દાસુન શનાકા, ઝિમ્બાબ્વેના કૅપ્ટન સિકંદર રઝા અને પાકિસ્તાનના કૅપ્ટન સલમાન અલી આગાએ ટ્રોફી સાથે ફોટો પડાવ્યો હતો.
પાકિસ્તાનના રાવલપિંડીમાં આજથી ૨૯ નવેમ્બર સુધી ત્રણ ટીમ વચ્ચે ત્રિકોણીય T20 સિરીઝ રમાશે. આગામી વર્લ્ડ કપની તૈયારી માટે રમાનારી આ સિરીઝમાં પાકિસ્તાન, ઝિમ્બાબ્વે અને શ્રીલંકા એકબીજા સામે બે-બે વખત ટકરાશે. ટૉપ-ટૂ ટીમ વચ્ચે ટ્રોફી જીતવાનો ફાઇનલ જંગ રમાશે.
ભારતીય સમય અનુસાર તમામ મૅચ સાંજે ૬.૩૦ વાગ્યે શરૂ થશે.
ADVERTISEMENT
પાકિસ્તાન-ઝિમ્બાબ્વેની મૅચ સાથે આ ત્રિકોણીય સિરીઝની શરૂઆત થશે. બન્ને વચ્ચે ૨૧ મૅચ રમાઈ છે જેમાંથી પાકિસ્તાને ૧૮ અને ઝિમ્બાબ્વે ત્રણ મૅચ જીત્યું છે.
પાકિસ્તાન ટૂરની અધવચ્ચેથી શ્રીલંકન કૅપ્ટન અસલંકા સહિત બેની ઘરવાપસી
પાકિસ્તાનમાં આતંકવાદી હુમલાના ડરના માહોલ વચ્ચે શ્રીલંકાના બે પ્લેયર્સ ઘરે પરત ફર્યા છે. જોકે એની પાછળનું કારણ બીમારી હોવાનું કહેવામાં આવ્યું છે. પાકિસ્તાનમાં આયોજિત ત્રિકોણીય સિરીઝમાંથી શ્રીલંકન કૅપ્ટન ચારિથ અસલંકા અને ફાસ્ટ બોલર અસિતા ફર્નાન્ડો બહાર થયા છે. શ્રીલંકા ક્રિકેટ બોર્ડે કહ્યું હતું કે ‘બન્ને બીમારીથી પીડાઈ રહ્યા છે એથી સ્વદેશ પરત ફરશે. દાસુન શનાકા શ્રીલંકાનું નેતૃત્વ કરશે. ટૉપ ઑર્ડર બૅટર પવન રથનાયકેને સ્ક્વૉડમાં સામેલ કરવામાં આવ્યો છે.’
સુરક્ષા-ચિંતાઓ વચ્ચે પાકિસ્તાનના કૅપ્ટન શાહીન આફ્રિદીએ ડિનરનું આયોજન કર્યું
ઇસ્લામાબાદમાં થયેલા વિસ્ફોટ બાદ સુરક્ષાને ધ્યાનમાં રાખીને તમામ મૅચ રાવલપિંડીમાં ખસેડવામાં આવી છે. ત્રિકોણીય સિરીઝની શરૂઆત પહેલાં પાકિસ્તાનના વન-ડે કૅપ્ટન શાહીન શાહ આફ્રિદીએ સાથી-પ્લેયર્સ સહિત શ્રીલંકા અને ઝિમ્બાબ્વેના ખેલાડીઓ માટે ડિનરનું આયોજન કર્યું હતું. અહેવાલ અનુસાર આ ડિનરનું આયોજન ઇસ્લામાબાદમાં એક ગગનચુંબી ઇમારતની છતના રેસ્ટોરાંમાં કરવામાં આવ્યું હતું. સોશ્યલ મીડિયા પર આ ડિનર-પાર્ટીનો વિડિયો પણ વાઇરલ થયો છે.


