વીરેન્દર સેહવાગે પાકિસ્તાનમાં ૧૮૨ બૉલમાં ફટકારેલી ડબલ સેન્ચુરીનો ૧૯ વર્ષ જૂનો રેકૉર્ડ ધ્વસ્ત થઈ ગયો
શાન મસૂદ
પાકિસ્તાનની ટેસ્ટ-ટીમના કૅપ્ટન શાન મસૂદે ૧૭૭ બૉલમાં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટની પોતાની બીજી બેવદી સદી ફટકારીને રેકૉર્ડ-બુકમાં પોતાનું નામ નોંધાવ્યું છે. તેણે ગઈ કાલે પાકિસ્તાનની ફર્સ્ટ ક્લાસ ડોમેસ્ટિક ટુર્નામેન્ટ પ્રેસિડન્ટ્સ ટ્રોફીની મૅચના પહેલા દિવસે ૨૦૦ બૉલમાં ૨૮ ફોર અને બે સિક્સના આધારે ૨૧૬ રનની ઇનિંગ્સ દરમ્યાન વીરેન્દર સેહવાગનો ૧૯ વર્ષ જૂનો રેકૉર્ડ તોડ્યો હતો.
શાન મસૂદની ૧૭૭ બૉલની બેવદી સદી એ પાકિસ્તાનની ધરતી પરથી મલ્ટિ-ડે મૅચની સૌથી ફાસ્ટેસ્ટ ડબલ સેન્ચુરી બની ગઈ છે. વર્ષ ૨૦૦૬માં ભારતના ભૂતપૂર્વ ઓપનર વીરેન્દર સેહવાગે લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં ૧૮૨ બૉલમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી. એ ડ્રૉ મૅચમાં વીરેન્દર સેહવાગે ૨૪૭ બૉલમાં ૪૭ ફોર અને ૧ સિક્સની મદદથી ૨૫૪ રનની ધમાકેદાર ઇનિંગ્સ રમી હતી.
૧૭૭ બૉલની બેવદી સદી એ પાકિસ્તાની દ્વારા ફટકારવામાં આવેલી સૌથી ઝડપી ફર્સ્ટ-ક્લાસ ડબલ સેન્ચુરી પણ બની. ૩૩ વર્ષ પહેલાં ૧૯૯૨માં ઑક્સફર્ડ અને કેમ્બ્રિજ યુનિવર્સિટી સામેની મૅચમાં પાકિસ્તાની ટીમ તરફથી ઇન્ઝમામ-ઉલ-હકે ૧૮૮ બૉલમાં બેવડી સદીની સિદ્ધિ મેળવી હતી.


