રેલવેઝ સામે દિલ્હીએ એક ઇનિંગ્સ અને ૧૯ રને જીત મેળવી: એકસાથે ત્રણ ફૅન્સ કોહલીને મળવા મેદાન પર ઘૂસી આવ્યા
કિંગ કોહલીના ત્રણ ફૅન્સને મેદાનમાંથી બહાર લઈ જવા મેદાન પર આવેલા પચીસથી વધુ સુરક્ષા-કર્મચારીઓ.
રણજી ટ્રોફીના ગ્રુપ-Dમાં અંતિમ લીગ મૅચમાં દિલ્હી સામે રેલવેઝની ટીમને એક ઇનિંગ્સ અને ૧૯ રને હારનો સામનો કરવા પડ્યો છે. પહેલી ઇનિંગ્સમાં ૨૪૧ રન કરનાર રેલવેઝ સામે દિલ્હીની યજમાન ટીમે ત્રીજા દિવસની શરૂઆત ૩૩૪/૭ના સ્કોરથી કરી હતી. ૧૦૬.૪ ઓવરમાં ૩૭૪ રનમાં ઑલઆઉટ થઈને દિલ્હીની ટીમે ૧૩૩ રનની લીડ મેળવી હતી, પણ બીજી ઇનિંગ્સમાં રેલવેઝની ટીમ ૩૦.૪ ઓવરમાં ૧૧૪ રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી. ઇનિંગ્સથી મળેલી જીતને કારણે દિલ્હીને બોનસ સહિત ૭ પૉઇન્ટ મળ્યા. આ સીઝનમાં દિલ્હીનો આ બીજો વિજય હતો. ગ્રુપ-Dમાંથી ટીમની નૉકઆઉટમાં પહોંચવાની શક્યતા અન્ય મૅચનાં રિઝલ્ટ પર નિર્ભર રહેશે.
ધીમી પિચ પર રેલવેઝના બૅટ્સમેન વહેલા આઉટ થઈ ગયા હોવાથી દર્શકોને બીજી ઇનિંગ્સમાં સ્ટાર બૅટર વિરાટ કોહલીને જોવાની તક મળી નહોતી. પ્રથમ ઇનિંગ્સમાં વિરાટ માત્ર ૧૫ બૉલમાં છ રન બનાવીને આઉટ થતાં હજારો ફૅન્સ નિરાશ થયા હતા. કોહલીએ ડ્રેસિંગરૂમમાં સાથી પ્લેયર્સ સાથે ઘણો સમય વિતાવ્યો, હાથ મિલાવ્યો અને ફોટોગ્રાફ્સ માટે પોઝ આપ્યા. તે વિરોધી ટીમના પ્લેયર્સને મળવા માટે રેલવેઝના ડ્રેસિંગ રૂમમાં પણ ગયો હતો.
ADVERTISEMENT
મૅચ પછી દિલ્હીની ડોમેસ્ટિક ટીમના અધિકારીઓ અને પ્લેયર્સ સાથે ગ્રુપ-ફોટો પડાવ્યો વિરાટ કોહલીએ.
આ મૅચના ત્રીજા દિવસની રમત વચ્ચે જ્યારે વિરાટ કોહલી ફીલ્ડિંગ કરી રહ્યો હતો ત્યારે એકસાથે ત્રણ ફૅન્સ અરુણ જેટલી સ્ટેડિયમના મેદાન પર કિંગ કોહલીને મળવા પહોંચી ગયા હતા. કડક સુરક્ષાવ્યવસ્થા છતાં ત્રણ ઉત્સાહી ફૅન્સ આ રીતે મેદાન પર ઘૂસી આવ્યા એ જોઈને પચીસથી વધુ સુરક્ષા-કર્મચારીઓ મેદાન પર દોડી આવ્યા હતા. આ ત્રણ ચાહકો તરત જ પકડાઈ ગયા અને તેઓ કોહલીની વધુ નજીક જઈ શક્યા નહીં. વાઇરલ થઈ રહેલા વિડિયો અનુસાર અન્ય કેટલાક ફૅન્સ પણ મેદાન પર ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પણ અન્ય સુરક્ષા-કર્મચારીઓએ તેમની ઇચ્છા પૂરી થવા દીધી નહોતી. ત્રણ ફૅન્સને મેદાનમાંથી બહાર લઈ જવા આવેલા પચીસથી વધુ સુરક્ષા-કર્મચારીઓના વિડિયો ભારે વાઇરલ થયા હતા.