પ્રધાનમંત્રી ધનધાન્ય કૃષિ યોજના ઓછી ઉત્પાદકતા ધરાવતા ૧૦૦ જિલ્લાઓને આવરી લેશે. એ કૃષિ ઉત્પાદકતામાં વધારો કરશે અને પંચાયત સ્તરે સંગ્રહક્ષમતામાં વધારો કરશે.
કૃષિ ક્ષેત્ર
નાણાપ્રધાને બજેટ રજૂ કરતાં જણાવ્યું હતુ કે ‘અંદાજપત્ર ૧૦ વ્યાપક ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જેમાંનું પ્રથમ ક્ષેત્ર કૃષિ છે. પ્રધાનમંત્રી ધનધાન્ય કૃષિ યોજના ઓછી ઉત્પાદકતા ધરાવતા ૧૦૦ જિલ્લાઓને આવરી લેશે. એ કૃષિ ઉત્પાદકતામાં વધારો કરશે અને પંચાયત સ્તરે સંગ્રહક્ષમતામાં વધારો કરશે.’
સીતારમણે જણાવ્યું હતું કે ધનધાન્ય કૃષિ યોજના ૧.૭ કરોડ ખેડૂતોને આવરી લેશે. રાજ્યોના સહકારથી શરૂ થનારા આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય ખેડૂતો માટે પૂરતી તકો વિકસાવવાનો રહેશે.
ADVERTISEMENT
વૈશ્વિક પ્રથાઓનું અનુસરણ
તેમણે જણાવ્યું હતું કે કૃષિ ક્ષેત્રમાં વૈશ્વિક પ્રથાઓ સામેલ કરવામાં આવશે. સરકાર કઠોળો માટે એક કાર્યક્રમ શરૂ કરશે જેમાં અડદ, તુવેર અને મસૂર પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
દેશવાસીઓની આવકના સ્તરમાં વધારા સાથે ફળોનો વપરાશ પણ વધી રહ્યો છે એટલે સીતારમણે જણાવ્યું હતું કે રાજ્યોના સહયોગથી ખેડૂતોની આવક પણ વધારાશે.
તેમણે જણાવ્યું હતું કે બિહારમાં એક ખાસ મખાણા બોર્ડની સ્થાપના કરવામાં આવશે. આ બોર્ડ મખાણાના ખેડૂતોને તાલીમ અને સહાય પૂરી પાડશે.
ઉચ્ચ ઊપજ આપતા બીજ માટે રાષ્ટ્રીય મિશન
તેમણે કહ્યું હતું કે મોદી સરકાર ઉચ્ચ ઊપજ આપતા બીજ માટે રાષ્ટ્રીય મિશન શરૂ કરશે. ભારત માછલી અને એક્વા કલ્ચરમાં બીજા ક્રમે છે એ નોંધીને સીતારમણે કહ્યું હતું કે આ ક્ષેત્રને વિકસાવવા માટે આંદામાન અને નિકોબાર પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
કપાસની જાતો માટે પાંચ વર્ષનું મિશન
કેન્દ્ર સરકારે કપાસની જાતો માટે પાંચ વર્ષનું મિશન પણ જાહેર કર્યું, જેના માટે નાણાપ્રધાને કહ્યું કે ખેડૂતોને શ્રેષ્ઠ વિજ્ઞાન-સહાય પૂરી પાડવામાં આવશે અને કાપડ ક્ષેત્રમાં વપરાતા કપાસનો પુરવઠો સતત મળતો રહે એ સુનિશ્ચિત કરવામાં આવશે.
કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદામાં વધારો
બજેટ-ભાષણમાં સીતારમણે એમ પણ કહ્યું હતું કે ખેડૂતો માટે સુધારેલી યોજના હેઠળ રાહતના વ્યાજ દરે અપાતી લોન મર્યાદા ત્રણ લાખથી વધારીને પાંચ લાખ રૂપિયા કરવામાં આવશે. આ કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા લેવામાં આવેલી લોનમાં આ વૃદ્ધિ કરવામાં આવશે.