Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > વૈભવ સૂર્યવંશીએ ધમાલ મચાવી દીધી

વૈભવ સૂર્યવંશીએ ધમાલ મચાવી દીધી

Published : 31 March, 2026 02:15 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગુવાહાટીમાં ચેન્નઈ સુપર કિંગ્સે આપેલો ૧૨૮ રનનો ટાર્ગેટ રાજસ્થાન રૉયલ્સે માત્ર ૧૨.૧ ઓવરમાં ચેઝ કરી લીધો, ૧૫ વર્ષના આ ડાબોડી ઓપનરે ૧૫ બૉલમાં ફિફ્ટી ફટકારી : સંજુ સૅમસન ફ્લૉપ, પોતાની ભૂતપૂર્વ ટીમ સામે રવીન્દ્ર જાડેજાની પહેલી જ ઓવરમાં બે વિકેટ

પહેલી ઓવરમાં બે વિકેટ લીધા બાદ ઉજવણી કરતો રવીન્દ્ર જાડેજા, ગઈ કાલે ૬ રને બોલ્ડ થયા બાદ નિરાશ થયો હતો સંજુ સૅમસન, વૈભવ સૂર્યવંશીએ ૩૦૫.૮૮ના સ્ટ્રાઇક-રેટથી બૅટિંગ કરીને ૧૫ બૉલમાં ફિફટી નોંધાવી.

પહેલી ઓવરમાં બે વિકેટ લીધા બાદ ઉજવણી કરતો રવીન્દ્ર જાડેજા, ગઈ કાલે ૬ રને બોલ્ડ થયા બાદ નિરાશ થયો હતો સંજુ સૅમસન, વૈભવ સૂર્યવંશીએ ૩૦૫.૮૮ના સ્ટ્રાઇક-રેટથી બૅટિંગ કરીને ૧૫ બૉલમાં ફિફટી નોંધાવી.


ગુવાહાટીમાં લોકલ-બૉય રિયાન પરાગની આગેવાની હેઠળની રાજસ્થાન રૉયલ્સ ટીમે IPL 2026માં વિજયી શરૂઆત કરી હતી. ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ ૧૯.૪ ઓવરમાં ૧૨૭ રને ઑલઆઉટ થઈ હતી. જવાબમાં રાજસ્થાને વૈભવ સૂર્યવંશીના ધમાકેદાર બાવન રનની મદદથી  ૧૨.૧ ઓવરમાં બે વિકેટ ગુમાવીને ૧૨૮ રનનો ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો. બાકી બૉલના હિસાબે રાજસ્થાને પોતાની ૪૭ બૉલ પહેલાંની સૌથી મોટી જીત નોંધાવી હતી.
 


ટૉસ હારીને બૅટિંગ કરવા ઊતરેલી ચેન્નઈની ટીમ માટે ૩ બૅટર્સ જ ડબલ ડિજિટમાં સ્કોર કરી શક્યા હતા. આઠમા ક્રમે રમી રહેલા પેસ બોલિંગ ઑલરાઉન્ડર જેમી ઓવરટને બે ફોર અને બે સિક્સરની મદદથી ૩૬ બૉલમાં ૪૩ રન ફટકાર્યા હતા. મિડલ ઑર્ડર બૅટર્સ સરફરાઝ ખાને ૧૨ બૉલમાં ૧૭ રન અને કાર્તિક શર્માએ ૧૫ બૉલમાં ૧૮ રન કર્યા હતા. રાજસ્થાનના નાન્દ્રે બર્ગર અને જોફ્રા આર્ચર સહિતના પેસ બોલર સાથે સ્પિનર રવીન્દ્ર જાડેજાને ૨-૨ વિકેટ મળી હતી. રવિ બિશ્નોઈ, સંદીપ શર્મા અને બ્રિજેશ શર્માને ૧-૧ વિકેટ મળી હતી. 

 
ઓવરઑલ ૧૧ અને સતત ૮ સીઝન રાજસ્થાન રૉયલ્સ માટે રમ્યા બાદ ગઈ કાલે સંજુ સૅમસન પોતાની નવી ટીમ માટે જૂની ટીમ સામે સારું પ્રદર્શન કરી શક્યો નહોતો. ઓપનર તરીકે ૭ બૉલમાં એક ફોરની મદદથી ૬ રન કરીને તે બોલ્ડ થયો હતો. IPLની સતત ૬ સીઝનમાં ઓપનિંગ મૅચમાં ૫૦+ સ્કોર કરવાનો સંજુ સૅમસનનો અનોખો સિલસિલો પણ અહીં અટક્યો હતો. 

 
રાજસ્થાન રૉયલ્સ માટે રવીન્દ્ર જાડેજા IPLની શરૂઆતની બે સીઝનમાં રમ્યો હતો. તેણે ૬૧૫૮ દિવસ બાદ પોતાની પહેલી ટીમમાં વાપસી કરી હતી. તેણે પહેલી જ ઓવરમાં સરફરાઝ ખાન અને શિવમ દુબેની વિકેટ ઝડપી હતી. ચેન્નઈ માટે તે ઓવરઑલ ૧૨ અને સતત ૮ સીઝન રમ્યો હતો.
 
રાજસ્થાનના ઓપનર્સે ૬.૨ ઓવરમાં ૭૫ રન કરીને રનચેઝ માટે શાનદાર ઓપનિંગ નોંધાવી હતી. ૧૫ વર્ષના વૈભવ સૂર્યવંશીએ ૧૫ બૉલમાં ફિફ્ટી ફટકારીને ધમાલ મચાવી હતી. ૩૦૫.૮૮ના સ્ટ્રાઇક-રેટથી બૅટિંગ કરીને તેણે ૪ ફોર અને પાંચ સિક્સરની મદદથી ૧૭  બૉલમાં બાવન રન કર્યા હતા.

યશસ્વી જાયસવાલે ૩૬ બૉલમાં ૩૮ રનનું યોગદાન આપ્યું હતું. ચેન્નઈ માટે પેસ બોલર અંશુલ કંબોજે ૩ ઓવરમાં ૨૭ રન આપીને બે વિકેટ લીધી હતી. 

IPLની ફાસ્ટેસ્ટ ફિફ્ટી કોણે ફટકારી છે?

યશસ્વી જાયસવાલે IPLની ૧૩ બૉલની ફાસ્ટેસ્ટ ફિફ્ટી ૨૦૨૩માં કલકત્તા સામે ફટકારી હતી. કે. એલ. રાહુલ, પૅટ કમિન્સ અને રોમારિયો શેફર્ડ ૧૪-૧૪ બૉલની ફિફ્ટી સાથે આ લિસ્ટમાં બીજા ક્રમે છે. ૧૫-૧૫ બૉલમાં ફિફ્ટી ફટકારનાર ખેલાડીઓમાં ત્રીજા ક્રમે યુસુફ પઠાણ, નિકોલસ પૂરન, સુનીલ નારાયણ અને જેક ફ્રેઝર મૅકગર્ક (બે વખત) સાથે હવે વૈભવ સૂર્યવંશીનું નામ પણ સામેલ થયું છે.

Whatsapp-channel Whatsapp-channel

31 March, 2026 02:15 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK