વિજય હઝારે ટ્રોફીની અંતિમ ગ્રુપ-સ્ટેજ મૅચમાં ઋતુરાજ ગાયકવાડે શાનદાર સદી ફટકારીને લિસ્ટ-A ક્રિકેટના ૪ રેકૉર્ડ નોંધાવ્યા હતા. ૨૦.૪ ઓવરમાં બાવન રનના સ્કોર પર ૬ વિકેટ ગુમાવનાર મહારાષ્ટ્ર માટે કૅપ્ટન ઋતુરાજ ગાયકવાડ તારણહાર બન્યો હતો.
ઋતુરાજે વન-ડે ટીમમાંથી બહાર થયા બાદ લિસ્ટ-A ક્રિકેટના ૪ રેકૉર્ડ નોંધાવ્યા
વિજય હઝારે ટ્રોફીની અંતિમ ગ્રુપ-સ્ટેજ મૅચમાં ઋતુરાજ ગાયકવાડે શાનદાર સદી ફટકારીને લિસ્ટ-A ક્રિકેટના ૪ રેકૉર્ડ નોંધાવ્યા હતા. ૨૦.૪ ઓવરમાં બાવન રનના સ્કોર પર ૬ વિકેટ ગુમાવનાર મહારાષ્ટ્ર માટે કૅપ્ટન ઋતુરાજ ગાયકવાડ તારણહાર બન્યો હતો. તેણે પાંચમા ક્રમે રમીને ૧૩૧ બૉલમાં ૮ ફોર અને ૬ સિક્સના આધારે ૧૩૪ રન કર્યા હતા. મહારાષ્ટ્રની ટીમે પોતાના ૨૪૯-૭ના સ્કોર સામે ગોવાને ૨૪૪-૯ના સ્કોર પર રોકીને પાંચ રને જીત મેળવી હતી.
ઋતુરાજ ગાયકવાડે વિજય હઝારે ટ્રોફીમાં પોતાની ૧૫મી અને લિસ્ટ-A ક્રિકેટમાં ૨૦મી સદી નોંધાવી હતી. ઋતુરાજય ગાયકવાડ (૫૯ મૅચ)એ ટુર્નામેન્ટના ઇતિહાસમાં સંયુક્ત રીતે સૌથી વધુ સદી ફટકારવાના મહારાષ્ટ્રના અંકિત બાવને (૧૦૧ મૅચ)ના ૧૫ સદીના રેકૉર્ડની બરાબરી કરી હતી. તેણે મેન્સ લિસ્ટ-A ક્રિકેટમાં ૯૫ ઇનિંગ્સમાં ફાસ્ટેસ્ટ ૨૦ સદીની સિદ્ધિ મેળવી છે. અગાઉ કર્ણાટકના મયંક અગરવાલે ૧૨૯ ઇનિંગ્સમાં આ કમાલ કરી હતી.
લિસ્ટ-A ક્રિકેટમાં ૫૯ ઇનિંગ્સમાં ફાસ્ટેસ્ટ ૫૦૦૦ રન કરવાની સિદ્ધિ પણ હવે ઋતુરાજ ગાયકવાડના નામે થઈ છે. શુભમન ગિલે અગાઉ મેન્સ લિસ્ટ-A ક્રિકેટમાં ૧૦૭ ઇનિંગ્સમાં આ રેકૉર્ડ કર્યો હતો. ૨૮ વર્ષના ઋતુરાજ ગાયકવાડે ૫૦થી વધુ ઇનિંગ્સ રમનાર પ્લેયર્સ વચ્ચે મેન્સ લિસ્ટ-A ક્રિકેટમાં હાઇએસ્ટ ૫૮.૮૩ની ઍવરેજથી રન બનાવવાનો રેકૉર્ડ પણ કર્યો છે.


