સચિન તેન્ડુલકરે પિતા રમેશ તેન્ડુલકરની સ્મૃતિમાં મેમોરિયલ ફેલોશિપ શરૂ કરવાની જાહેરાત કરી છે, જે રમતગમત, આરોગ્યસંભાળ અને શિક્ષણમાં બાળકોને સમાન તકો આપશે.
સચિન તેન્ડુલકરે પત્ની અને પપ્પા સાથેનો આ જૂનો ફોટો શૅર કર્યો હતો.
ગઈ કાલે નૅશનલ ટીચર્સ ડેના અવસરે સચિન તેન્ડુલકરે મોટી જાહેરાત કરી હતી. સચિને પોતાના દિવંગત પપ્પાના પ્રોફેસર, લેખક, કવિ અને માર્ગદર્શક તરીકેના વારસાને માન આપવા માટે ‘પ્રોફેસર રમેશ તેન્ડુલકર મેમોરિયલ ફેલોશિપ’ શરૂ કરવાની જાહેરાત કરી છે.
૧૯૯૯માં ૧૯ મેએ સચિનના પપ્પા રમેશ તેન્ડુલકરનું હાર્ટ-અટૅકથી અવસાન થયું હતું. સચિન તેન્ડુલકરે સોશ્યલ મીડિયા પર લખ્યું કે ‘સમગ્ર ભારતમાં અપાર ક્ષમતા ધરાવતાં બાળકો છે જેમને ક્યારેય એ ક્ષમતાને સાકાર કરવાની તક મળી શકતી નથી. ફક્ત એટલા માટે કે તેમની પાસે કોચ, માર્ગદર્શક, અનુકૂળ શૈક્ષણિક વાતાવરણ અથવા તો મૂળભૂત આરોગ્યસંભાળની સુવિધાનો અભાવ છે. અમારો દૃષ્ટિકોણ તેમને રમતગમત, આરોગ્યસંભાળ અને શિક્ષણમાં સમાન તકો પૂરી પાડવાનો છે અને તેમને સાબિત કરવાની તક આપવાનો છે કે તેઓ પણ સમાજના મહત્ત્વપૂર્ણ સભ્યો છે.’
