અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અગાઉ T20 અને ટેસ્ટ-મૅચમાં સેન્ચુરી મારી ચૂક્યો છે, હવે વન-ડેમાં નોંધાવી ઃ IPLમાં તો આ મેદાન પર ત્રણ સદી ફટકારી છે
શુભમન ગિલ
શુભમન ગિલે ગઈ કાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઇતિહાસ રચ્યો હતો. તે એક જ ગ્રાઉન્ડ પર ત્રણેય ફૉર્મેટમાં સદી નોંધાવનારો પહેલવહેલો ભારતીય ક્રિકેટર બની ચૂક્યો છે. શુભમન ગિલે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટેસ્ટ-મૅચ, T20 અને વન-ડે એમ ત્રણેય ફૉર્મેટમાં સેન્ચુરી ફટકારી છે એટલું જ નહીં; ગુજરાત ટાઇટન્સના આ કૅપ્ટને આ મેદાન પર ઇન્ડિયન પ્રીમિયર લીગમાં તો ત્રણ સદી ફટકારી છે. આમ આ મેદાન પર તેની કુલ ૬ સદી થઈ ગઈ છે. ગિલે ગઈ કાલે ઇંગ્લૅન્ડ સામેની વન-ડેમાં ૯૫ બૉલમાં સેન્ચુરી પૂરી કરી હતી, જે તેની આ ફૉર્મેટની સાતમી સદી છે. તે ૧૦૨ બૉલમાં ૩ સિક્સ અને ૧૪ ફોર ફટકારીને ૧૧૨ રને આઉટ થયો હતો.
શુભમન ગિલ જેવી સિદ્ધિ બીજી કોની-કોની છે?
ક્વિન્ટન ડી કૉક, સેન્ચુરિયન
બાબર આઝમ, કરાચી
ડેવિડ વૉર્નર, ઍડિલેડ
કાફ ડુ પ્લેસી, જોહનિસબર્ગ
ADVERTISEMENT
નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર શુભમન ગિલની સદીઓ
વન-ડે ઃ ૧૨ ફેબ્રુઆરી ૨૦૨૫, ઇંગ્લૅન્ડ વિરુદ્ધ ૧૦૨ બૉલમાં ૧૧૨ રન
ટેસ્ટ મૅચ ઃ ૯ માર્ચ ૨૦૨૩, ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ ૨૩૫ બૉલમાં ૧૨૮ રન
T20 ઃ ૧ ફેબ્રુઆરી ૨૦૨૩, ન્યુ ઝીલૅન્ડ વિરુદ્ધ, ૬૩ બૉલમાં અણનમ ૧૨૬
IPL : i) ૧૫ મે ૨૦૨૩, સનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ ૫૮ બૉલમાં ૧૦૧
ii) ૨૬ મે ૨૦૨૩, મુંબઈ ઇન્ડિયન્સ વિરુદ્ધ, ૬૦ બૉલમાં ૧૨૯
iii) ૧૦ મે ૨૦૨૪, ચેન્નઈ સુપર કિંગ્સ વિરુદ્ધ, ૫૫ બૉલમાં ૧૦૪
2587 - વન-ડે ક્રિકેટમાં શુભમન ગિલના આટલા રન
વન-ડે ક્રિકેટમાં ફાસ્ટેસ્ટ ૨૫૦૦ રન હવે શુભમનના
શુભમન ગિલ ગઈ કાલે વન-ડે ક્રિકેટમાં ફાસ્ટેસ્ટ ૨૫૦૦ રન કરનારો ક્રિકેટર બની ગયો છે. તેણે આ સિદ્ધિ પચાસમી ઇનિંગ્સમાં હાંસલ કરી છે. આ પહેલાં આ રેકૉર્ડ સાઉથ આફ્રિકાના હાશિમ અમલાના નામે હતો જેણે ૫૧ ઇનિંગ્સમાં ૨૫૦૦ રન કર્યા હતા.

