Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > Sports Update: વન-ડે ટીમના કૅપ્ટન શુભમન ગિલે આ કયું ડિવાઇસ પહેરીને તૈયારી શરૂ કરી?

Sports Update: વન-ડે ટીમના કૅપ્ટન શુભમન ગિલે આ કયું ડિવાઇસ પહેરીને તૈયારી શરૂ કરી?

Published : 30 October, 2026 08:55 AM | Modified : 30 October, 2026 09:35 AM | IST | Auckland
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પ્રૅક્ટિસ-સેશન દરમ્યાન શુભમન ગિલ કપાળ પાસે એક ડિવાઇસ સાથે જોવા મળ્યો હતો. આ ડિવાઇસ ટેમ્પલ તરીકે ઓળખાય છે જેને ઝોમાટોના ફાઉન્ડર દીપિન્દર ગોયલે તૈયાર કર્યું છે. આ ઉપકરણ શારીરિક શ્રમ દરમ્યાન મગજમાં રક્તપ્રવાહ, ચેતાતંત્રની પ્રતિક્રિયાઓ અને માનસિક તનાવ.

શુભમન ગિલ

શુભમન ગિલ


ઑકલૅન્ડમાં ગઈ કાલે ભારતની T20 ટીમ સાથે વન-ડે ટીમના કૅપ્ટન શુભમન ગિલ અને સાથી પ્લેયર્સ કે.એલ. રાહુલ, ગુરનૂર બરાડે પણ વન-ડે સિરીઝ માટે તૈયારી શરૂ કરી હતી. ૪ નવેમ્બરથી શરૂ થનારી પાંચ વન-ડે મૅચની સિરીઝ માટે અનુભવી બૅટર્સ રોહિત શર્મા અને વિરાટ કોહલી પણ ન્યુ ઝીલૅન્ડ પહોંચી ગયા છે.

પ્રૅક્ટિસ-સેશન દરમ્યાન શુભમન ગિલ કપાળ પાસે એક ડિવાઇસ સાથે જોવા મળ્યો હતો. આ ડિવાઇસ ટેમ્પલ તરીકે ઓળખાય છે જેને ઝોમાટોના ફાઉન્ડર દીપિન્દર ગોયલે તૈયાર કર્યું છે. આ ઉપકરણ શારીરિક શ્રમ દરમ્યાન મગજમાં રક્તપ્રવાહ, ચેતાતંત્રની પ્રતિક્રિયાઓ અને માનસિક તનાવના સ્તર પર નજર રાખવા માટે બનાવવામાં આવ્યું છે.



અહેવાલ અનુસાર લમણા પર પહેરવામાં આવતું આ ડિવાઇસ નવેમ્બરમાં સામાન્ય જનતા માટે ઉપલબ્ધ થશે. મળી રહેલા રિપોર્ટ્‍સ અનુસાર આ ડિવાઇસની કિંમત ૮૫ હજાર જેટલી રહેશે.


દિલ્હીએ ડોમેસ્ટિક વિમેન્સ T20 ક્રિકેટનો હાઇએસ્ટ સ્કોરનો નવો રેકૉર્ડ સ્થાપિત કર્યો

પુણેમાં ચાલી રહેલી સિનિયર મહિલા T20 ટ્રોફીમાં દિલ્હીએ હૈદરાબાદ સામે ૨૬૨-૬નો જંગી સ્કોર ખડક્યો હતો. એ ડોમેસ્ટિક મહિલા T20 ક્રિકેટમાં અત્યાર સુધીનો સૌથી મોટો સ્કોર છે. આ સ્કોરે અગાઉના ગોવાના ૨૫૭-૨ના વર્લ્ડ રેકૉર્ડને પાછળ છોડી દીધો છે. આ રેકૉર્ડ ૨૦૧૯-’૨૦ની સીઝનમાં ગોવાએ અરુણાચલ પ્રદેશ સામે બનાવ્યો હતો.


દિલ્હીની ઇનિંગ્સમાં ઓપનર તનિષા સિંહે માત્ર ૪૭ બોલમાં ૧૧૯ રન બનાવ્યા હતા. માત્ર ૩૮ બૉલમાં સદી પૂરી કરનાર તનિષા અને પ્રિયા પુનિયા (૫૯ રન) વચ્ચે બીજી વિકેટ માટે ૧૮૮ રનની ભાગીદારી નોંધાઈ હતી. હૈદરાબાદના ૮ અલગ-અલગ બોલરોના આક્રમણ છતાં દિલ્હીએ ૪૨ ફોર અને પાંચ સિક્સ ફટકાર્યા હતા.

એશિયન ચૅમ્પિયન્સ ટ્રોફીમાં ભારતીય હૉકી ટીમે ચીનને ૫-૨થી માત આપી

પંજાબમાં આયોજિત મેન્સ હૉકી એશિયન ચૅમ્પિયન્સ ટ્રોફીમાં ભારતીય ટીમે સતત બીજી જીત નોંધાવી છે. ગઈ ભારતે ૫-૨થી ચીનને માત આપી હતી. ભારતીય કૅપ્ટન હરમનપ્રીત સિંહે અને સુખજિત સિંહ બે-બે અને જુગરાજ કુમારે ૧ ગોલ કર્યો હતો. ચીન ૨૬ અને ૩૬ મિનિટે એક-એક ગોલ કરી શક્યું હતું.

અગાઉ બંગલાદેશ સામે ૧૩-૦થી પહેલી મૅચ જીતનાર ભારત ૬ ટીમો વચ્ચે બે મૅચમાં ૧૮ ગોલ સાથે પહેલા ક્રમે છે. બાકીની ટીમો ૧૦ ગોલના આંકડા સુધી પણ પહોંચી શકી નથી.

મુંબઈ ઇન્ડિયન્સ આશરે ૨૦ હજાર કરોડ રૂપિયાના વૅલ્યુએશન સાથે સૌથી મોંઘી IPL ફ્રૅન્ચાઇઝી બની

મુંબઈ ઇન્ડિયન્સ ૨.૧ બિલ્યન ડૉલર એટલે કે આશરે ૨૦ હજાર કરોડ રૂપિયાના વૅલ્યુએશન સાથે વિશ્વની સૌથી મોંઘી IPL ફ્રૅન્ચાઇઝી બની ગઈ છે. સ્પોર્ટિકોના એક અહેવાલ
અનુસાર મુંબઈ ઇન્ડિયન્સનું મૂલ્યાંકન બેઝબૉલ ટીમ ડેટ્રોઇટ ટાઇગર્સ (૨.૦૮ બિલ્યન ડૉલર) અને આઇસ હૉકી ટીમ વૅનકુવર કેનક્સ જેવી નૉર્થ અમેરિકાની જાણીતી સ્પોર્ટ્‍સ ટીમો કરતાં પણ થોડું વધારે છે.

IPLમાં મુંબઈ ઇન્ડિયન્સ પછી રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ (૧.૮૫ બિલ્યન ડૉલર એટલે કે આશરે ૧૭,૬૨૬.૮ કરોડ રૂપિયા) અને ચેન્નઈ સુપર કિંગ્સ (૧.૭૫ બિલ્યન ડૉલર એટલે કે ૧૬,૬૭૪ કરોડ રૂપિયા)નો ક્રમ આવે છે. લખનઉ સુપર જાયન્ટ્સ ૧૦ ટીમોમાં સૌથી ઓછું ૧.૫ બિલ્યન ડૉલર એટલે કે ૧૪,૨૯૨ કરોડ રૂપિયાનું વૅલ્યુએશન ધરાવે છે.

હવે દરેક IPL ફ્રૅન્ચાઇઝીનું મૂલ્ય ઓછામાં ઓછું ૧.૫ બિલ્યન ડૉલર થયું છે. ૨૦૨૬ની સીઝનમાં દરેક ટીમે આશરે ૭૦૮.૯ કરોડ રૂપિયાની કમાણી કરી છે.

મુંબઈ ઇન્ડિયન્સે IPL 2027 પહેલાં અચાનક લસિથ મલિંગા સહિત ત્રણ કોચને છૂટા કર્યા

મુંબઈ ઇન્ડિયન્સના નવા હેડ કોચ કાયરન પોલાર્ડે ટીમ-મૅનેજમેન્ટ સાથે મળીને કોચિંગ સ્ટાફના ત્રણ સહાયક કોચને છૂટા કર્યા છે. બે બોલિંગ કોચ લસિથ મલિંગા અને પારસ મ્હામ્બ્રે સાથે ફીલ્ડિંગ કોચ કાર્લ હૉપકિન્સન IPL 2027થી મુંબઈ ઇન્ડિયન્સની મેન્સ કોચિંગ સ્ટાફનો ભાગ રહેશે નહીં.

મુંબઈ ઇન્ડિયન્સ સાથે પ્લેયર તરીકે ૪ ટાઇટલ જીતનાર શ્રીલંકાનો ભૂતપૂર્વ ફાસ્ટ બોલર લસિથ મલિંગા ઑક્ટોબર ૨૦૨૩થી ટીમ સાથે મેન્ટર અને બોલિંગ કોચ તરીકે જોડાયો હતો.

ભારતનો ભૂતપૂર્વ બોલિંગ કોચ પારસ મ્હામ્બ્રે અને ઇંગ્લૅન્ડનો કાર્લ હૉપકિન્સન IPL 2025થી જ કોચિંગ સ્ટાફમાં જોડાયા હતા. પારસ મ્હામ્બ્રે અગાઉ ૨૦૧૦થી ૨૦૧૭ સુધી ટીમનો પણ ભાગ રહી ચૂક્યો છે.

આજે કૉમનવેલ્થ કબડ્ડી ચૅમ્પિયનશિપ 2026માં ભારતની મેન્સ-વિમેન્સ ટીમ સેમી-ફાઇનલ રમશે

મહિલા ટીમની ટક્કર શ્રીલંકા અને પુરુષ ટીમની ટક્કર બંગલાદેશ સામે

અમદાવાદમાં આયોજિત કૉમનવેલ્થ કબડ્ડી ચૅમ્પિયનશિપ હવે એના નિર્ણાયક તબક્કામાં છે. આજે મેન્સ અને વિમેન્સ ટીમો વચ્ચે સેમી-ફાઇનલની ટક્કર થશે. વિજેતા ટીમો ૩૧ ઑક્ટોબરે ટ્રોફી જીતવા માટે ફાઇનલમાં ટકરાશે. ગ્રુપ Aની તમામ ૪ મૅચ જીતનાર ભારતીય વિમેન્સ ટીમ આજે શ્રીલંકા સામે ટકરાશે. પહેલી વિમેન્સસેમી-ફાઇનલ કેન્યા અને યુગાન્ડા વચ્ચે સાંજે ૬ વાગ્યાથી શરૂ થશે.

સાંજે ૮ વાગ્યાથી પુરુષોની સેમી-ફાઇનલ શરૂ થશે, જેમાં ભારતની ટક્કર પહેલી મૅચમાં બંગલાદેશ સામે રમશે. બીજી મૅચમાં કેન્યા અને શ્રીલંકા ટકરાશે. ગઈ કાલે અંતિમ ગ્રુપ A મૅચમાં શ્રીલંકાને ૪૫-૨૪ના સ્કોરથી હરાવીને ટૉપર ભારતે જીતની સિક્સર મારી હતી.

Whatsapp-channel Whatsapp-channel

30 October, 2026 09:35 AM IST | Auckland | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK