બોલિંગ-કોચ જેમ્સ ફ્રૅન્કલિન અને મેન્ટર મુથૈયા મુરલીધરને તેને છેલ્લે સુધી મેદાનમાં ટકી રહેવા કહ્યું હતુંઃ પહેલી જ વાર તે આવું કરવામાં સફળ રહ્યો
અભિષેક શર્મા
T20 વર્લ્ડ કપમાં નબળા અને IPLની આ સીઝનમાં સાધારણ પર્ફોર્મન્સ બાદ અભિષેક શર્મા મંગળવારે પૂરેપૂરો ખીલ્યો હતો અને તેણે ૬૮ બૉલમાં ૧૦ સિક્સર અને ૧૦ ફોર સાથે અણનમ ૧૩૫ રન કર્યા હતા. અભિષેકની આ ઇનિંગ્સની ચર્ચા સાથે તેણે સેન્ચુરી બાદ અદબ વાળીને કરેલું અનોખું સેલિબ્રેશન સોશ્યલ મીડિયામાં ભારે વાઇરલ થયું હતું. અભિષેક હંમેશાં આવી મોટી ઇનિંગ્સ રમ્યા બાદ એક હાથ ઊંચો કરીને L સેલિબ્રેશન કરે છે, પણ મંગળવારે એ ઉપરાંત તેણે કંઈક અલગ કરતાં એની ભારે ચર્ચા થઈ હતી અને દરેક જણ તેણે આવું શા માટે કર્યું હતું એ જાણવા અધીરા બન્યા હતા.
મૅચ બાદ જ્યારે અભિષેકને એ સંદર્ભે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું હતું કે ‘અમે ફ્રૅન્કી (બોલિંગ-કોચ જેમ્સ ફ્રૅન્કલિન) સાથે મળીને પ્લાન બનાવ્યો હતો અને તેઓ ઇચ્છતા હતા કે હું ૨૦મી ઓવર સુધી બૅટિંગ કરું. મુરલીધરને પણ એવું જ કહ્યું હતું. કદાચ મેં પહેલી વાર ૨૦મી ઓવર સુધી બૅટિંગ કરી હતી. આથી આ સેલિબ્રેશન એને માટેનું હતું. અને હા, સેન્ચુરી તો હંમેશાં ખાસ જ હોય છે અને એ પણ આ હૈદરાબાદના મેદાનમાં.’
ADVERTISEMENT
અભિષેકની આ શાનદાર ઇનિંગ્સની તેના પપ્પા તેમ જ ટીમની ઓનર કાવ્યા મારને દિલથી ઉજવણી કરી હતી. અભિષેકની સેન્ચુરી બાદ આ બન્ને પર કૅમેરા ફોકસ કરવામાં આવ્યો હતો. સેન્ચુરી બાદ તેના પપ્પા ખુશીના માર્યા કૂદવા માંડ્યા હતા, જ્યારે કાવ્યા મારન પણ સેન્ચુરી બાદ ઊછળી પડી હતી અને જોરજોરથી તાળી પાડીને સેલિબ્રેટ કરતી જોવા મળી હતી. આ બન્ને સેલિબ્રેશન સોશ્યલ મીડિયામાં ભારે વાઇરલ થયાં હતાં.

અભિષેક શર્માએ સેન્ચુરી ફટકારી હતી ત્યારે સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમની ઑનર કાવ્યા મારન તાળીઓ પાડીને સેલિબ્રેશન કરતી જોવા મળી હતી. ત્યાર બાદ તે અભિષેકના પપ્પાને હાથ મિલાવતી અને મમ્મીને ગળે મળતી જોવા મળી હતી.
છએછ ટૉસ હારનાર કિશન પ્રથમ કૅપ્ટન
હૈદરાબાદનો કૅપ્ટન ઈશાન કિશન મંગળવારે પણ ટૉસ હારી ગયો હતો. આ સાથે IPLમાં કૅપ્ટન તરીકેની પ્રથમ છએછ મૅચમાં ટૉસ હારનાર તે પ્રથમ કૅપ્ટન બન્યો છે.
એ સમયે તેનાં મમ્મી-પપ્પા સ્ટેડિયમમાં હાજર હોવાથી તેમને માટે આ ખાસ ક્ષણ બની રહી હોવાનું અભિષેકે કહ્યું હતું. એ ઉપરાંત બીમાર હોવાથી તેની બહેન આવી શકી ન હોવાથી તેને ખાસ યાદ કરી હતી. જોકે તેણે સોશ્યલ મીડિયામાં એક પોસ્ટ કરીને અભિષેકને અભિનંદન આપતાં લખ્યું હતું, ‘રન, સિક્સર... અભિષેક નંબર વન.’
ગઈ કાલની ઇનિંગ્સ સાથે અભિષેકે હાઇએસ્ટ ૩૨૩ રન સાથે ઑરેન્જ કૅપ મેળવી હતી અને દિલ્હી સામે ૧૦ સિક્સર સાથે આ સીઝનમાં તેની ૨૭ સિક્સર હાઇએસ્ટ બની છે.
