યજમાન ટીમ મલેશિયાને ૧૪.૩ ઓવરમાં ઑલઆઉટ કરીને ૨.૫ ઓવરમાં ૩૨ રનનો ટાર્ગેટ ચેઝ કર્યો ભારતીય વિમેને
વૈષ્ણવી શર્માએ પોતાની પહેલી જ મૅચમાં માત્ર પાંચ રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી.
મલેશિયામાં આયોજિત T20 વિમેન્સ અન્ડર-19 વર્લ્ડ કપની બીજી લીગ સ્ટેજ મૅચમાં ભારતીય ટીમે યજમાન ટીમને ૧૦ વિકેટે હરાવી છે. મલેશિયાની ટીમ ગઈ કાલે ૧૪.૩ ઓવરમાં ૩૧ રન કરી ઑલઆઉટ થઈ હતી. ભારતની ટીમે એક પણ વિકેટ ગુમાવ્યા વગર ૨.૫ ઓવરમાં ૩૨ રનનો ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો. આ પહેલાં ૧૯ જાન્યુઆરીએ ભારતે વેસ્ટ ઇન્ડીઝ સામે ૯ વિકેટે જીત મેળવી હતી.
મધ્ય પ્રદેશની ૧૯ વર્ષની ક્રિકેટર વૈષ્ણવી શર્માએ પોતાની પહેલી જ મૅચમાં કમાલ કરી હતી. આ લેફટ આર્મ સ્પિનરે ચાર ઓવરમાં માત્ર પાંચ રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી. એક મેઇડન ઓવર કરનાર વૈષ્ણવીએ ૧૪મી ઓવરના બીજા, ત્રીજા અને ચોથા બૉલમાં સળંગ ત્રણ વિકેટ લીધી હતી. તે અન્ડર-19 વિમેન્સ વર્લ્ડ કપમાં હૅટ-ટ્રિક લેનાર પહેલી ભારતીય બોલર છે.
ADVERTISEMENT
પ્લેયર ઑફ ધ મૅચ વૈષ્ણવી શર્માનું આ પ્રદર્શન આ ટુર્નામેન્ટના ઇતિહાસનું સર્વશ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન છે. આ પહેલાં આ રેકૉર્ડ ઇંગ્લૅન્ડની એલી ઍન્ડરસનના નામે હતો. તેણે ૨૦૨૩ના અન્ડર-19 વર્લ્ડ કપમાં વેસ્ટ ઇન્ડીઝ સામે ૧૨ રન આપીને પાંચ વિકેટ લીધી હતી. વૈષ્ણવી ભારતીય મહિલા સ્પિનર રાધા યાદવ અને ભારતીય મેન્સ ટીમના સ્ટાર સ્પિનર રવીન્દ્ર જાડેજાને આદર્શ માને છે.