ટાર્ગેટ ચેઝ કરવા ઊતરેલી UP વૉરિયર્સે જબરદસ્ત પડકાર આપીને ૨૦ ઓવરમાં ઑલઆઉટ થઈને ૧૮૦ રન ફટકારીને મૅચ ટાઇ કરી હતી.
રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ સામે સુપર ઓવરમાં મૅચ જીતી ગયા બાદ UP વૉરિયર્સની ટીમ.
ગઈ કાલે વિમેન્સ પ્રીમિયર લીગ (WPL) 2025માં રમાયેલી રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ અને UP વૉરિયર્સની મૅચ રોમાંચક અને યાદગાર રહી હતી. એલિસ પેરીની ૯૦ રનની અણનમ ઇનિંગ્સની મદદથી બૅન્ગલોરે ૨૦ ઓવરમાં ૬ વિકેટ ગુમાવીને ૧૮૦ રનનો વિશાળ સ્કોર ઊભો કર્યો હતો. ટાર્ગેટ ચેઝ કરવા ઊતરેલી UP વૉરિયર્સે જબરદસ્ત પડકાર આપીને ૨૦ ઓવરમાં ઑલઆઉટ થઈને ૧૮૦ રન ફટકારીને મૅચ ટાઇ કરી હતી.
સુપર ઓવરમાં પહેલી બૅટિંગ કરીને UP વૉરિયર્સે એક વિકેટ ગુમાવીને ૬ બૉલમાં ૮ રન કર્યા હતા. નવ રનના ટાર્ગેટ સામે બૅન્ગલોરે એક પણ વિકેટ નહીં ગુમાવી, પણ ટીમ માટે સ્ટાર બૅટર સ્મૃતિ માન્ધના (એક રન) અને રિચા ઘોષ (૩ રન) માત્ર ચાર રન કરી શકી હતી. UP વૉરિયર્સે સુપર ઓવરમાં બાજી મારી મૅચ પોતાને નામે કરી હતી.
ADVERTISEMENT
એલિસ પેરી
ટૉસ હારીને બૅટિંગ કરવા ઊતરેલી બૅન્ગલોરની ટીમ માટે ચોથી ઓવરમાં મેદાન પર ઊતરેલી અનુભવી ઑસ્ટ્રેલિયન ઑલરાઉન્ડર એલિસ પેરી ૫૬ બૉલમાં ૯ ચોગ્ગા અને ૩ છગ્ગાની મદદથી ૯૦ રનની અણનમ ઇનિંગ્સ રમી હતી. એલિસ પેરી આ ટુર્નામેન્ટના ઇતિહાસમાં ૮૦૦ પ્લસ રન કરનાર પહેલી ક્રિકેટર બની છે. પેરીએ (૮૩૫ રન) પોતાના દેશની ભૂતપૂર્વ કૅપ્ટન અને દિલ્હી કૅપિટલ્સની હાલની કૅપ્ટન મેગ લૅનિંગ (૭૮૨ રન)ને આ બાબતે પાછળ છોડી હતી.
UPએ ૧૦.૫ ઓવરમાં ૯૩ રનના સ્કોર પર પાંચ વિકેટ ગુમાવવા છતાં શ્વેતા સેહરાવત (૩૧ રન) અને સોફી એક્લેસ્ટન (૩૩ રન)ની મહત્ત્વની ઇનિંગ્સની મદદથી મૅચને ટાઇ કરાવી હતી. એના કારણે આ ટુર્નામેન્ટના ઇતિહાસની પહેલવહેલી સુપર ઓવર યોજાઈ હતી.

