વિમેન્સ વર્લ્ડ કપની ફાઇનલ માટે દેશભરમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો
તસવીરોઃ અતુલ કાંબળે
સેમી ફાઇનલમાં ઑસ્ટ્રેલિયા જેવી સુપર ચૅમ્પિયનને હરાવતાં વિમેન્સ વર્લ્ડ કપની ફાઇનલ માટે દેશભરમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને ગઈ કાલે સ્ટેડિયમ ચાહકોથી ખીચોખીચ ભરાઈ ગયું હતું. મૅચ પહેલાં ભારત રત્ન સચિન તેન્ડુલકર ટ્રોફી સાથે મેદાનમાં આવ્યો હતો. સિંગર સુનિધિ ચૌહાણે ફાઇનલ મૅચમાં ભારતનું રાષ્ટ્રગાન ગાયું હતું અને ધમાકેદાર મ્યુઝિકલ પર્ફોર્મન્સ દ્વારા અનેરો માહોલ બનાવી દીધો હતો. ICCના ચૅરમૅન જય શાહ અને નીતા અંબાણી ઉપરાંત સચિન તેન્ડુકલર, રોહિત શર્મા, સુનીલ ગાવસકર, વીવીએસ લક્ષ્મણ વગેરે ભારતીય મહિલા ટીમનો ઉત્સાહ વધારવા ડી. વાય પાટીલ સ્ટેડિયમમાં પહોંચી ગયાં હતાં.
ભારતીય મેન્સ ટીમે પણ મહિલાઓની ફાઇનલ મૅચ જોઈ
ADVERTISEMENT

ગઈ કાલે ઑસ્ટ્રેલિયામાં શાનદાર જીત મેળવ્યા બાદ ભારતીય મેન્સ ટીમે પણ મહિલાઓની ફાઇનલ મૅચનો આનંદ માણ્યો હતો.
ફાઇનલ જંગ પહેલાં મેળવ્યા ગણપતિબાપ્પાના આશીર્વાદ

ભારતીય મહિલા ટીમની ખેલાડીઓએ સાઉથ આફ્રિકા સામેના ફાઇનલ જંગ પહેલાં પ્રભાદેવીના સિદ્ધિવિનાયક મંદિરમાં જઈને ગણપતિબાપ્પાના આશીર્વાદ લીધા હતા. સોશ્યલ મીડિયામા વાઇરલ થયેલા વિડિયો અને ફોટોમાં કૅપ્ટન હરમનપ્રીત કૌર, ઓપનર શફાલી વર્મા, પેસબોલર રેણુકા સિંહ ઠાકુર, વિકેટકીપર-બૅટર રિચા ઘોષ, સ્પિનર શ્રી ચારણી વગેરે પ્લેયર્સ બાપ્પાને વર્લ્ડ ચૅમ્પિયન બનાવવા માટે પ્રાર્થના કરતી જોવા મળી હતી.


