આ પગલાથી હવે મુસાફરો માટે કન્ફર્મ ન થયેલી ટિકિટોની અનિશ્ચિતતા દૂર થશે
ફાઇલ તસવીર
નવા નિયમથી મુસાફરોની સુવિધા વધશે અને કન્ફર્મ ન થયેલી ટિકિટોની અનિશ્ચિતતા પણ દૂર થશેભારતીય રેલવેએ વેઇટ-લિસ્ટ ટિકિટના નિયમમાં મોટો ફેરફાર કર્યો છે. આ નવા નિયમ પ્રમાણે હવે દરેક ટ્રેનમાં તમામ વર્ગો (AC 1, 2 અને 3; સ્લીપર અને ચૅરકાર)માં કુલ સીટોના ૨૫ ટકા સીટો માટે જ વેઇટ-લિસ્ટ જાહેર કરવામાં આવશે. આ ઉપરાંત વેઇટ-લિસ્ટમાં હવે અપંગ ક્વોટા અને બીજી કૅટેગરીનો સમાવેશ કરવામાં આવશે નહીં. આ પગલાથી હવે મુસાફરો માટે કન્ફર્મ ન થયેલી ટિકિટોની અનિશ્ચિતતા દૂર થશે.
રેલવે-અધિકારીઓએ આપેલી માહિતી પ્રમાણે આ નવો નિયમ લાગુ થવાની તારીખ આવનારા સમયમાં જાહેર કરવામાં આવશે. અત્યારે સામાન્ય રીતે વીસથી પચીસ ટકા વેઇટ-લિસ્ટ ટિકિટો મુસાફરી પહેલાં કન્ફર્મ કરવામાં આવે છે. વેઇટ-લિસ્ટ ટિકિટોની સંખ્યા વધુ હોવાને કારણે ઘણા મુસાફરો રિઝર્વ્ડ કોચમાં ચડતા હતા, જેને કારણે ટ્રેનોમાં ભીડ થતી હતી. એટલું જ નહીં, એને કારણે કન્ફર્મ ટિકિટ સાથે મુસાફરી કરતા પ્રવાસીઓઓને અસુવિધા પણ થતી હતી.
ADVERTISEMENT
અત્યારના નિયમ પ્રમાણે AC-1માં ૩૦ સુધી, AC-2માં ૧૦૦, AC-૩માં ૩૦૦ અને સ્લીપરમાં ૪૦૦ સુધી વેઇટ-લિસ્ટ ટિકિટ જાહેર કરવામાં આવતી હતી. જોકે હવે નવા નિયમ પ્રમાણે જો કુલ સીટો ૪૦૦ જેટલી ઉપલબ્ધ હશે તો વધુમાં વધુ ૧૦૦ સીટ માટે જ વેઇટ-લિસ્ટ જાહેર કરવામાં આવશે.


