બ્રેબર્ન સ્ટેડિયમના દરેક ખૂણેથી દર્શકો બૅન્ગલોરના આ ખેલાડીના નામનો જયજયકાર કરતા હતા

સોફી ડિવાઇન
વિમેન્સ પ્રીમિયર લીગમાં ન્યુ ઝીલૅન્ડની કૅપ્ટન અને બૅન્ગલોરની ટીમની ખેલાડી સોફી ડિવાઇનને શનિવારની રાત લાંબા સમય સુધી યાદ રહેશે. બ્રેબર્ન સ્ટેડિયમમાં ગુજરાત જાયન્ટ્સે આપેલા ૧૮૯ રનના લક્ષ્યાંકનો પીછો કરતાં સોફીએ ૩૬ બૉલમાં ૯૯ રન કરીને તમામને મંત્રમુગ્ધ કરી દીધા હતા. તે ડબ્લ્યુપીએલમાં સૌથી વધુ રન કરનાર ખેલાડી બની હતી, વળી માત્ર એક રન માટે સદી ચૂકી ગઈ હતી. ૯૯ રને આઉટ થઈને સોફી ડગઆઉટમાં આવી ત્યારે તમામે ઊભા રહીને તેનું સ્વાગત કર્યું હતું. સ્ટેડિયમના દરેક ખૂણેથી દર્શકો માત્ર તેના નામનો જયજયકાર કરતા હતા. તેણે કહ્યું કે ‘અત્યાર સુધી પેરી અને મંધાનાનાં નામ હું સાભળતી હતી, પરંતુ મારું નામ સાંભળવાનો અનુભવ કંઈક અલગ જ હતો. એ મને લાંબા સમય સુધી યાદ રહેશે.’
સોફીએ ટી૨૦ મૅચમાં ત્રીજી વખત ૯૯ રન કર્યા હતા, જેમાં બે વખત તો તે ૯૯ રને નૉટઆઉટ રહી હતી. જો તે સદી ફટકારત તો વિમેન્સ ટી૨૦માં ઝડપી સદીના તેના રેકૉર્ડની બરોબરી હોત. તેણે સુપર સ્મેશ ૨૦૨૦-’૨૧માં ૩૬ બૉલમાં સેન્ચુરી પૂરી કરી હતી.
આગામી મૅચો કોની-કોની વચ્ચે
આજે
ગુજરાત v/s દિલ્હી, બ્રેબર્ન સ્ટેડિયમ, બપોરે ૩.૩૦
મુંબઈ v/s દિલ્હી, ડી. વાય. પાટીલ સ્ટેડિયમ, સાંજે ૭.૩૦
આવતી કાલે
બૅન્ગલોર v/s મુંબઈ, ડી. વાય. પાટીલ સ્ટેડિયમ, બપોરે ૩.૩૦
યુપી v/s દિલ્હી, બ્રેબર્ન સ્ટેડિયમ, સાંજે ૭.૩૦