યો યો હની સિંહ, જૅકલિન ફર્નાન્ડિસ અને હરનાઝ કૌર સંધુએ શાનદાર પર્ફોર્મન્સ આપ્યો, નવી મુંબઈના આ ઑલમોસ્ટ હાઉસફુલ સ્ટેડિયમમાં બૉલીવુડ-સ્ટાર્સ યો યો હની સિંહ, જૅકલિન ફર્નાન્ડિસ અને હરનાઝ કૌર સંધુએ શાનદાર પર્ફોર્મન્સ આપીને ખેલાડીઓ અને ફૅન્સને ખુશ કરી દીધા
મુંબઈ ઇન્ડિયન્સ સામે રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુની કૅપ્ટન સ્મૃતિ માન્ધનાએ ટૉસ જીતીને પહેલાં બૅટિંગ પસંદ કરી હતી.
ભારતીય વિમેન્સ ટીમે જે સ્ટેડિયમમાં પહેલી વખત વર્લ્ડ કપ જીત્યો એ આઇકૉનિક ડી. વાય. પાટીલ સ્ટેડિયમમાં ગઈ કાલે વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)ની ચોથી સીઝનનો રંગારંગ પ્રારંભ થયો હતો. નવી મુંબઈના આ ઑલમોસ્ટ હાઉસફુલ સ્ટેડિયમમાં બૉલીવુડ-સ્ટાર્સ યો યો હની સિંહ, જૅકલિન ફર્નાન્ડિસ અને હરનાઝ કૌર સંધુએ શાનદાર પર્ફોર્મન્સ આપીને ખેલાડીઓ અને ફૅન્સને ખુશ કરી દીધા હતા.
મિસ યુનિવર્સ ૨૦૨૧ હરનાઝ કૌર સંધુએ સૌથી પહેલાં એક ઇમોશનલ મોનોલૉગ પર્ફોર્મન્સ આપ્યો હતો. તેના પર્ફોર્મન્સમાં તેણે કેવી રીતે મહિલાઓએ દેશના દરેક ક્ષેત્રમાં પોતાની છાપ છોડી છે, દરેક પગલે માથું ઊંચું રાખીને આગળ વધી રહી છે એ દર્શાવ્યું હતું. પર્ફોર્મન્સના અંતે તેણે એલાન કર્યું કે અમે (મહિલાઓ) તૈયાર છીએ.
શ્રીલંકન મૂળની જૅકલિન ફર્નાન્ડિસે પોતાના મૂવી-સૉન્ગ પર મંત્રમુગ્ધ કરી દે એવો પર્ફોર્મન્સ આપ્યો હતો. તેનો ડ્રેસ ચર્ચાનો વિષય બન્યો હતો, કારણે કે ડ્રેસમાં ઇટાલિયન ફુટબૉલ ક્લબ યુવેન્ટસની જર્સીની ઝલક જોવા મળી હતી.
ઓપનિંગ સેરેમનીના અંતે યો યો હની સિંહે અનોખી રીતે પોતાના પર્ફોર્મન્સની શરૂઆત કરી હતી. તેણે પેવિલિયનમાં મુંબઈ ઇન્ડિયન્સની કૅપ્ટન હરમનપ્રીત કૌર અને રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુની કૅપ્ટન સ્મૃતિ માન્ધનાની વચ્ચેની સીટ પર બેસીને સૉન્ગ ગાવાની શરૂઆત કરી હતી. લુંગી-ડાન્સ જેવા પોતાના સુપરહિટ સૉન્ગથી તેણે સ્ટેડિયમમાં હાજર લોકોને ઝૂમવા માટે મજબૂર કર્યા હતા.
WPL 2026ની મનોરંજક શરૂઆત બાદ મુંબઈ ઇન્ડિયન્સ સામે રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુની કૅપ્ટન સ્મૃતિ માન્ધનાએ ટૉસ જીતીને પહેલાં બૅટિંગ પસંદ કરી હતી.


