ન્યુ ઝીલૅન્ડ સામેની ત્રણ મૅચની વન-ડે સિરીઝમાં કૅપ્ટન શુભમન ગિલ અને વાઇસ-કૅપ્ટન શ્રેયસ ઐયરની થશે વાપસી, રોહિત શર્મા અને વિરાટ કોહલી પાસે પાવર-પૅક પર્ફોર્મન્સની આશા રહેશે
વિરાટ કોહલીને મળ્યો ચીકુનો હમશકલ અને પ્રૅક્ટિસ દરમ્યાન વાઇસ-કૅપ્ટન શ્રેયસ ઐયર સાથે વાતચીત કરતો કોચ ગૌતમ ગંભીર.
ભારત અને ન્યુ ઝીલૅન્ડ સિરીઝના એક બ્રૅન્ડ ફોટોશૂટ દરમ્યાનનો વિરાટ કોહલીનો યંગ ફૅન્સ સાથેનો ફોટો ભારે વાઇરલ થયો છે. બાળપણથી વિરાટ કોહલીને નજીકના લોકો ચીકુ કહીને બોલવતા હતા. એ જ ચીકુનો હમશકલ વિરાટ કોહલી પાસે ઑટોગ્રાફ લેતા જોવા મળ્યો હતો.
સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર આ ફોટો ભારે વાઇરલ થયો છે. કેટલાક ફૅન્સ આ ફોટોને AI ઇમેજ ગણાવી રહ્યા છે. જોકે ભારતીય ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે પણ ચીકુ જેવા દેખાતા આ યંગ ફૅન સાથે ફોટો પડાવ્યો હતો.
ઇન્ટરનૅશનલ મેન્સ ક્રિકેટની ધમાકેદાર શરૂઆત આજે વડોદરાના કોટંબી સ્ટેડિયમમાં થશે
ADVERTISEMENT
ગુજરાતના વડોદરા જિલ્લાના કોટંબીમાં આવેલા નવા ક્રિકેટ સ્ટેડિયમથી ભારત અને ન્યુ ઝીલૅન્ડ વચ્ચેની ૩ વન-ડે સિરીઝનો આજે પ્રારંભ થશે. ડિસેમ્બર ૨૦૨૪માં આ સ્ટેડિયમને લગભગ ૪૦,૦૦૦ દર્શકોની ક્ષમતા સાથે શરૂ કરવામાં આવ્યું હતું. ભારત અને વેસ્ટ ઇન્ડીઝની વિમેન્સ ટીમ વચ્ચે અહીં ૩ વન-ડે મૅચ રમાઈ હતી. ભારતે આ સિરીઝમાં ૨૧૧ રન, ૧૧૫ રન અને પાંચ વિકેટે જીત મેળવી સિરીઝમાં ક્લીન સ્વીપ કરી હતી. આજે આ સ્ટેડિયમમાં પહેલી વખત ઇન્ટરનૅશનલ મેન્સ ક્રિકેટની મૅચ રમાશે.
ભારતની મેન્સ ટીમ બાવીસ દિવસના બ્રેક બાદ ઇન્ટરનૅશનલ ક્રિકેટ-મૅચ રમશે. કૅપ્ટન શુભમન ગિલ અને વાઇસ-કૅપ્ટન શ્રેયસ ઐયર ઇન્જરી બાદ ટીમમાં વાપસી કરવા માટે તૈયાર છે. ભારત માટે માત્ર વન-ડે ક્રિકેટ રમતા સ્ટાર પ્લેયર્સ વિરાટ કોહલી અને રોહિત શર્મા પાસે આજે પાવર-પૅક પર્ફોર્મન્સની આશા ક્રિકેટ-ફૅન્સ રાખશે.
ભારતમાં કિવીઓ ક્યારેય વન-ડે સિરીઝ જીત્યા નથી. જોકે અનુભવની અછતવાળી વર્તમાન ન્યુ ઝીલૅન્ડની ટીમ માટે આ સિરીઝ પડકારરૂપ બની જશે. મહેમાન ટીમના ૧૫ સભ્યમાંથી ૮ જણ પહેલાં ક્યારેય ભારતમાં રમ્યા નથી, બે ખેલાડી ક્યારેય ઇન્ટરનૅશનલ મૅચ રમ્યા નથી, જ્યારે એક ખેલાડી ક્યારેય વન-ડે મૅચ રમ્યો નથી.


