રોહિત શર્માને ભારત માટે વધુ પાંચ વર્ષ રમવાની અપીલ કરતાં યોગરાજ સિંહ કહે છે...
યોગરાજ સિંહ, રોહિત શર્મા
ટેસ્ટ અને T20 ઇન્ટરનૅશનલ ફૉર્મેટમાંથી નિવૃત્તિ લેનાર ભારતના વન-ડે કૅપ્ટન રોહિત શર્મા વિશે ભૂતપૂર્વ ક્રિકેટર યોગરાજ સિંહે રસપ્રદ નિવેદન આપ્યું છે. ભૂતપૂર્વ ઑલરાઉન્ડર યુવરાજ સિંહના પપ્પા યોગરાજ સિંહનું માનવું છે કે ૩૮ વર્ષનો રોહિત ૪૫ વર્ષની ઉંમર સુધી રમવાનો ક્લાસ ધરાવે છે.
એક ઇન્ટરવ્યુમાં યોગરાજ સિંહે કહ્યું હતું કે ‘રોહિત, અમને તારી વધુ પાંચ વર્ષ માટે જરૂર છે યાર. તેથી કૃપા કરીને તારા દેશ માટે વધુ કામ કર, તારી ફિટનેસ પર કામ કર. તેના પર ચાર માણસો મૂકો અને તેને દરરોજ સવારે ૧૦ કિલોમીટર દોડાવો. જો તે ઇચ્છે તો તેની પાસે ૪૫ વર્ષની ઉંમર સુધી રમવાનો ક્લાસ છે.’
ADVERTISEMENT
યોગરાજ સિંહે વધુમાં કહ્યું હતું કે ‘ચૅમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં મૅન ઑફ ધ મૅચ કોને મળ્યો? રોહિત શર્માને. મારું માનવું છે કે તેણે ડોમેસ્ટિક ક્રિકેટમાં રમવું જોઈએ. તમે જેટલું વધુ રમશો એટલા જ ફિટ રહેશો.’
સ્ટાર બૅટર વિરાટ કોહલી અને રોહિત શર્મા હવે ઑક્ટોબરમાં ઑસ્ટ્રેલિયામાં વન-ડે સિરીઝ દરમ્યાન મેદાન પર રમતા જોવા મળશે.

