તે કપાળ પર નાની બિંદી અને ભક્તિ વિભૂતિ લગાવે છે, વધુ બોલતી નથી અને ફક્ત એક વાક્યમાં જવાબ આપે છે
બોધના શિવાનંદ
બ્રિટિશ ચેસપ્લેયર બોધના શિવાનંદને ૧૦ વર્ષની ઉંમરે ઇતિહાસ રચ્યો છે. ભારતીય મૂળની આ પ્લેયર કોઈ ચેસ ગ્રૅન્ડમાસ્ટરને હરાવનાર સૌથી યંગેસ્ટ ગર્લ બની છે. તેણે બ્રિટિશ ચેસ ચૅમ્પિયનશિપ 2025ની ઓપન કૉમ્પિટિશનના અંતિમ રાઉન્ડમાં ૬૦ વર્ષના બ્રિટિશ પુરુષ ગ્રૅન્ડમાસ્ટર પીટર વેલ્સને હરાવ્યો હતો. ૧૦ વર્ષ પાંચ મહિના ત્રણ દિવસની ઉંમરે આ કમાલ કરીને તેણે અમેરિકાની કેરિસા યિપએ ૨૦૧૯માં ૧૦ વર્ષ ૧૧ મહિનાની ઉંમરે કરેલા રેકૉર્ડને તોડ્યો હતો.
વિમેન્સ ફિડે માસ્ટર બોધનાનો પરિવાર મૂળ તામિલનાડુના ત્રિચીનો છે. તેના પપ્પા શિવાનંદન IT ક્ષેત્રમાં કામ કરવા ૨૦૦૭માં લંડન શિફ્ટ થયા હતા. તેણે પાંચ વર્ષની ઉંમરે કોવિડ લૉકડાઉન સમયે ચેસબોર્ડ પર રમવાનું શરૂ કરી દીધું હતું. તે વિડિયો જોઈને ચેસના બેઝિક નિયમો શીખી હતી.
ADVERTISEMENT
તે ચેસ હૉલમાં નાની બિંદી અને કપાળ પર ભક્તિ વિભૂતિનો દોરો પહેરીને પ્રવેશ કરે છે. તે વધુ બોલતી નથી, ફક્ત એક વાક્યથી જવાબ આપે છે. ઘણી વાર તે પોતાની સાથે ગાદીવાળી સીટ રાખે છે જેથી તે બોર્ડની બીજી બાજુ પહોંચી શકે. જોકે જ્યારે બોધના રમવાનું શરૂ કરે છે ત્યારે તે પોતાની ચેસ-કુશળતા અને અંતિમ રમતમાં નિપુણતાથી હરીફને માત આપે છે.
તે પહેલેથી જ ત્રણ વર્લ્ડ જુનિયર ટાઇટલ જીતી ચૂકી છે. તે વિમેન્સ ઇન્ટરનૅશનલ માસ્ટર બનવાની નજીક છે. તે ગ્રૅન્ડમાસ્ટર અને વિમેન્સ વર્લ્ડ ચૅમ્પિયનશિપ ટાઇટલ જીતવાનું લક્ષ્ય રાખી રહી છે.

