Commonwealth Games 2030: ભારતીય ઓલિમ્પિક એસોસિએશને બુધવારે ખાસ સામાન્ય સભા દરમિયાન ૨૦૩૦ કોમનવેલ્થ ગેમ્સની યજમાની માટે ભારત દેશની બિડને ઔપચારિક રીતે મંજૂરી આપી
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (Indian Olympic Association - IOA)એ બુધવાર, ૧૩ ઓગસ્ટના રોજ નવી દિલ્હી (New Delhi)માં તેની ખાસ સામાન્ય સભા (Special General Meeting - SGM) દરમિયાન ૨૦૩૦ કોમનવેલ્થ ગેમ્સ (Commonwealth Games 2030)નું આયોજન કરવા માટે ભારત દેશની બિડને ઔપચારિક રીતે મંજૂરી આપી. ભારતે ૨૦૩૦ કોમનવેલ્થ ગેમ્સ માટે અમદાવાદ (Ahmedabad)ને યજમાન શહેર બનાવવા માટે ઇરાદા પત્ર રજૂ કરી દીધો છે. જોકે, ભારતે ૩૧ ઓગસ્ટની અંતિમ તારીખ પહેલાં અંતિમ બિડ માટે દરખાસ્તો સબમિટ કરવાની રહેશે.
કેનેડા (Canada) રેસમાંથી બહાર થયા પછી, ૨૦૩૦ કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવાની ભારતની શક્યતાઓ વધી ગઈ છે. કોમનવેલ્થ ગેમ્સના ડિરેક્ટર ડેરેન હોલના નેતૃત્વમાં કોમનવેલ્થ ગેમ્સના અધિકારીઓની એક ટીમ તાજેતરમાં અમદાવાદની મુલાકાતે આવી હતી જેથી સ્થળોનું નિરીક્ષણ કરી શકાય અને ગુજરાત સરકાર (Gujarat government)ના અધિકારીઓ સાથે ચર્ચા કરી શકાય. કોમનવેલ્થ ગેમ્સનું એક પ્રતિનિધિમંડળ આ મહિનાના અંતમાં અમદાવાદ પહોંચે તેવી અપેક્ષા છે. આ પછી, નવેમ્બરમાં અંતિમ નિર્ણય લેવામાં આવી શકે છે.
ADVERTISEMENT
કોમનવેલ્થ ગેમ્સ સ્પોર્ટ્સ કમિટી તેમજ ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન (IOA) એક્ઝિક્યુટિવ કમિટીના સભ્ય લેફ્ટનન્ટ જનરલ (નિવૃત્ત) હરપાલ સિંહે જણાવ્યું હતું કે, ‘યજમાનની પસંદગી ટકાઉપણું, એથ્લેટિક કેન્દ્રો, પ્રાદેશિક અપીલના આધારે કરવામાં આવશે. અમને આશા છે કે ભારતને 2030 ગેમ્સનું આયોજન કરવાનો અધિકાર મળશે.’
નવેમ્બરના છેલ્લા અઠવાડિયામાં ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સની જનરલ એસેમ્બલી (Commonwealth Games General Assembly) યજમાન દેશનો નિર્ણય લેશે.
આ પછી જ નક્કી થશે કે ભારત ૨૦૩૦ કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરશે કે કોઈ અન્ય દેશને આ મેગા ઇવેન્ટનું આયોજન મળશે. જો ભારતને યજમાન પદ મળે છે, તો આ રમતોત્સવ બીજી વખત ભારતમાં યોજાશે. ભારતે અગાઉ ૨૦૧૦માં દિલ્હી (Delhi)માં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કર્યું હતું. ૨૦ વર્ષ પછી, ભારત ફરીથી આ ગેમ્સનું આયોજન કરી શકે છે.
અમદાવાદના સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ (Sardar Vallabhbhai Patel Sports Enclave)માં અત્યાધુનિક સુવિધાઓ સાથે લગભગ દરેક રમત માટે મેદાન અને કોર્ટ તૈયાર કરવામાં આવી રહ્યા છે. ઘણી રમતો માટેની સુવિધાઓ પણ તૈયાર છે.
આગામી સમયમાં, ભારત ઓલિમ્પિક (Olympic)ની યજમાની માટે પણ દાવો કરવા જઈ રહ્યું છે. એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા (Athletics Federation of India)ના જણાવ્યા અનુસાર, ભારત ભવિષ્યમાં ઘણી મોટી એથ્લેટિક્સ ટુર્નામેન્ટનું આયોજન કરવાની તૈયારી કરી રહ્યું છે. વર્લ્ડ એથ્લેટિક્સના ઉપપ્રમુખ અને ભૂતપૂર્વ AFI વડા આદિલ સુમારીવાલાએ જણાવ્યું હતું કે, ભારત ૨૦૨૯ અને ૨૦૩૧ વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપનું આયોજન કરવા માટે પણ બોલી લગાવવાની તૈયારી કરી રહ્યું છે. જેના માટે ભુવનેશ્વર (Bhubaneswar) અને અમદાવાદને યજમાન શહેર તરીકે પસંદ કરવામાં આવ્યા છે.

