૨૦૧૯માં સ્વાન્ટેક ૧૭ વર્ષની હતી અને વિશ્વમાં ૯૫મા નંબરે હતી ત્યારે મુહોવાએ તેને હરાવી હતી.
ઇગા સ્વાન્ટેકે (જમણે) સેમી ફાઇનલમાં બ્રાઝિલની બીટ્રિઝ હડૅડ માઇયા (ડાબે)ને ૬-૨, ૯-૭થી હરાવી હતી. તસવીર એ.એફ.પી.
પોલૅન્ડની ટોચની ટેનિસ-સ્ટાર ઇગા સ્વાન્ટેકે ચાર વર્ષમાં ત્રીજી વાર પૅરિસની રોલાં ગૅરો તરીકે જાણીતી ફ્રેન્ચ ઓપનની સિંગલ્સની ફાઇનલમાં એન્ટ્રી કરી છે. તેણે સેમી ફાઇનલમાં બ્રાઝિલની બીટ્રિઝ હડૅડ માઇયાને ૬-૨, ૯-૭થી હરાવી હતી. આજની ફાઇનલમાં સ્વાન્ટેકનો મુકાબલો ચેક રિપબ્લિકની કારોલિના મુહોવા સાથે થશે. ૨૦૧૯માં સ્વાન્ટેક ૧૭ વર્ષની હતી અને વિશ્વમાં ૯૫મા નંબરે હતી ત્યારે મુહોવાએ તેને હરાવી હતી. જોકે મુહોવા અત્યારે અનસીડેડ પ્લેયર છે, જ્યારે સ્વાન્ટેક વર્લ્ડ નંબર-વન છે. ૨૧ વર્ષની સ્વાન્ટેક જો ૨૬ વર્ષની મુહોવા સામેની આજની ફાઇનલ હારશે તો પણ નંબર-વનનો રૅન્ક જાળવી રાખશે. મુહોવાનો હાલમાં ૪૩નો વર્લ્ડ રૅન્ક છે. પૅરિસની ફ્રેન્ચ ઓપનમાં ગઈ કાલે વિમેન્સ સિંગલ્સમાં ચેક રિપબ્લિકની અનસીડેડ કારોલિના મુહોવાએ બીજા નંબરની ખેલાડી બેલારુસની વર્લ્ડ નંબર-ટૂ ઍરીના સબાલેન્કાને ભારે સંઘર્ષભરી સેમીમાં ૭-૫, ૫-૭, ૭-૫થી હરાવીને પ્રથમ વાર ગ્રૅન્ડ સ્લૅમ ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.
મુહોવાએ ડૉક્ટરને ખોટા પાડ્યા અને ફાઇનલમાં પહોંચી ગઈ
ADVERTISEMENT
ગુરુવારે વર્લ્ડ નંબર-ટૂ સબાલેન્કાને હરાવ્યા પછી ખુશખુશાલ ચેક રિપબ્લિકની કારોલિના મુહોવા. ગયા વર્ષે મુહોવા ઈજાને કારણે નહોતી રમી શકી. ત્યારે ડૉક્ટરે તેને કહ્યું હતું કે હવે પછી કદાચ તે ટેનિસ રમી જ નહીં શકે. જોકે મુહોવા પૂરતો આરામ કરીને ફરી રમવા આવી અને હવે ફ્રેન્ચ ઓપનની ફાઇનલમાં પહોંચીને તેણે ડૉક્ટરને ખોટા પાડ્યા છે. એ.એફ.પી.
ઈજાગ્રસ્ત નંબર-વન અલ્કારાઝને હરાવી જૉકોવિચ ફાઇનલમાં
ભૂતપૂર્વ વર્લ્ડ નંબર-વન નોવાક જૉકોવિચ ગઈ કાલે પૅરિસની ફ્રેન્ચ ઓપનની સેમી ફાઇનલમાં ઈજાગ્રસ્ત નંબર-વન કાર્લોસ અલ્કારાઝને ૬-૩, ૭-૫, ૬-૧, ૬-૧થી હરાવીને ફાઇનલમાં પહોંચી ગયો હતો. હવે તે રાફેલ નડાલનો સૌથી વધુ બાવીસ ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ જીતવાનો રેકૉર્ડ તોડવાથી ફક્ત એક ડગલું દૂર છે. હાલના વર્લ્ડ નંબર-થ્રી જૉકોવિચના નામે પણ બાવીસ ટાઇટલ છે. જૉકોવિચને ત્રીજું ફ્રેન્ચ ઓપન ટાઇટલ જીતવાની તક છે. છેલ્લે તે ૨૦૨૧માં જીત્યો હતો.

