ભારતના જાદુમણિ સિંહે કૉમનવેલ્થ ગેમ્સ 2026ની બૉક્સિંગ સ્પર્ધામાં પાકિસ્તાની હરીફને 5-0થી હરાવી ક્વૉર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો. હવે ઇંગ્લૅન્ડના બૉક્સર સામે જીત મેળવી તે મેડલ નિશ્ચિત કરવાનો પ્રયાસ કરશે.
જાદુમણિ સિંહ
મેડલ કન્ફર્મ કરવા આજે ક્વૉર્ટર ફાઇનલમાં જીતવું પડશે
કૉમનવેલ્થ ગેમ્સ 2026માં રવિવારે મધરાતે જાદુમણિ સિંહ મંડેન્ગબામે પુરુષોની પંચાવન કિલો કૅટેગરીના રાઉન્ડર ઑફ 16માં વિજય મેળવ્યો હતો. તેણે પાકિસ્તાનના સુમામા રહમાન સામે ૫-૦થી જીત નોંધાવી હતી. મણિપુરનો બાવીસ વર્ષનો આ ખેલાડી આજે ક્વૉર્ટર ફાઇનલમાં ઇંગ્લૅન્ડના હરીફ સામે ટકરાશે અને સેમી-ફાઇનલમાં પહોંચીને મેડલ પાકો કરવાનો પ્રયાસ કરશે.
મૅચ પછી બન્ને દેશના બૉક્સરો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને તેમણે હાથ મિલાવ્યા ન હતા. ૨૬ જુલાઈએ કારગિલ વિજય દિવસ નિમિત્તે મળેલી આ જીત જાદુમણિએ કારગિલ યુદ્ધના નાયકોને સમર્પિત કરી હતી.
મણિપુરના ઇમ્ફાલનો જાદુમણિ સિંહ શરૂઆતમાં ફુટબૉલર બનવાની ઇચ્છા રાખતો હતો, પરંતુ તેના કાકાએ પછીથી તેને બૉક્સિંગ સાથે પરિચય કરાવ્યો હતો. જાદુમણિ સિંહ પંચાવન કિલો કૅટેગરીમાં અગાઉ નૅશનલ ટાઇટલ અને વર્લ્ડ બૉક્સિંગ કપમાં સિલ્વર મેડલ જીતી ચૂક્યો છે.
