Sports in Shorts: ધરમશાલામાં જોવા મળી આધ્યાત્મિક અને દેશભક્તિની ઝલક; ધરમશાલાનાં પ્રાકૃતિક જળાશયોમાં ક્રિકેટર્સે લગાવી છલાંગ અને વધુ સમાચાર
નિશાન વેલુપિલ્લે
ઑસ્ટ્રેલિયાનો ફુટબૉલર નિશાન વેલુપિલ્લે ગઈ કાલે ફુટબૉલ વર્લ્ડ કપમાં ઑસ્ટ્રેલિયા તરફથી પહેલી વખત રમવા ઊતર્યો હતો. તેને મૅચની ૬૦મી મિનિટે સબ્સ્ટિટ્યુટ ખેલાડી તરીકે મેદાન પર રમવાની તક મળી હતી. ૨૦૦૬માં ફ્રાન્સ તરફથી વિકાસ ધોરાસુ છેલ્લી વખત ભારતીય મૂળના ખેલાડી તરીકે ફુટબૉલ વર્લ્ડ કપ રમવા ઊતર્યો હતો. બે દાયકા બાદ ફુટબૉલ વર્લ્ડ કપમાં ભારતીય મૂળના ખેલાડી તરીકે નિશાન વેલુપિલ્લે રમવા ઊતર્યો હતો. મેલબર્નમાં જન્મેલા આ ખેલાડીની મમ્મી ભારતની અને પપ્પા શ્રીલંકાના છે.
બતક પણ ફેવરિટ ફુટબૉલ ટીમની જર્સી પહેરીને મૅચ જોવા ચાલ્યું
ADVERTISEMENT

ફુટબૉલ વર્લ્ડ કપનો ફીવર ધીમે-ધીમે ચડી રહ્યો છે. શુક્રવારે મેક્સિકો અને સાઉથ આફ્રિકાની મૅચ મેક્સિકો સિટીમાં રમાઈ ત્યારે હજારો ચાહકોની સાથે એક અજીબ ફૅન પણ ભીડમાં લટકમટક કરીને ચાલતો જોવા મળ્યો હતો. આ ફૅન કોઈ માણસ નહીં, પણ બતક હતું. બતક મેક્સિકોની ટીમની જર્સી પહેરીને મૅચ જોવા પહોંચ્યું હતું. ચાહકોની ભીડની વચ્ચે પણ બતકભાઈ મજાના ચાલીને સ્ટેડિયમમાં ગયા હતા.
ભારતની જીત બાદ ધરમશાલામાં જોવા મળી આધ્યાત્મિક અને દેશભક્તિની ઝલક

શનિવારે ભારતે અફઘાનિસ્તાન સામેની પહેલવહેલી વન-ડે સિરીઝની શરૂઆત ૭ વિકેટની જીત સાથે કરી હતી. ભારતની ધમાકેદાર જીત બાદ હિમાયલના પહાડો વચ્ચે ધરમશાલાના મેદાન પર શાનદાર ડ્રોન-શો યોજાયો હતો. આ ડ્રોન-શોમાં ભગવાન શિવ, માતા વૈષ્ણોદેવી સહિત ભારતના લહેરાતા તિરંગાનાં દૃશ્યો જોવા મળ્યાં હતાં.
ધરમશાલાનાં પ્રાકૃતિક જળાશયોમાં ક્રિકેટર્સે લગાવી છલાંગ

ધરમશાલાના ક્રિકેટ સ્ટેડિયમની સુંદરતા વચ્ચે ક્રિકેટર્સ ત્યાંનાં જળાશયોની મુલાકાત અચૂકથી લે છે. અફઘાનિસ્તાન સામેની વન-ડે મૅચ જીત્યા બાદ ભારતીય ક્રિકેટર્સે ધરમશાલાનાં પ્રાકૃતિક જળાશયોમાં છલાંગ લગાવી હતી. નીતીશ કુમાર રેડ્ડીએ શૅર કરેલા ફોટોમાં યશસ્વી જાયસવાલ, કે. એલ. રાહુલ, અર્શદીપ સિંહ, પ્રિન્સ યાદવ સહિત સપોર્ટ સ્ટાફના સભ્યો જોવા મળ્યા હતા. ઠંડા પાણીની વચ્ચે નીતીશ કુમાર રેડ્ડી અને યશસ્વી જાયસવાલ પોતાની ફિટનેસનું પ્રદર્શન કરતા જોવા મળ્યા હતા. ભારત-અફઘાનિસ્તાન વચ્ચે બીજી વન-ડે મૅચ ૧૭ જૂને લખનઉમાં રમાશે.
