Vece Paes Died: ૧૯૭૨ના ઓલિમ્પિક હોકી બ્રોન્ઝ મેડલ વિજેતા અને ટેનિસ દિગ્ગજ લિએન્ડર પેસના પિતા ડૉ. વેસ પેસનું નિધન; કોલકાતામાં ૮૦ વર્ષની વયે અવસાન થયું; ખેલ જગતમાં શોકનું વાતાવરણ
પિતા વેસ પેસ સાથે લિએન્ડર પેસ (તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા)
ખેલ જગતમાંથી એક દુઃખદ સમાચાર આવ્યા છે અને આખું ખેલ જગત શોકમાં છે. ૧૯૭૨ના મ્યુનિક ઓલિમ્પિક ગેમ્સ (1972 Munich Olympic Games)માં બ્રોન્ઝ મેડલ વિજેતા ભારતીય હોકી ટીમના સભ્ય અને મહાન ટેનિસ ખેલાડી લિએન્ડર પેસ (Leander Paes)ના પિતા, ભૂતપૂર્વ ભારતીય હોકી ખેલાડી વેસ પેસ (Vece Paes)નું ગુરુવારે ૮૦ વર્ષની વયે અવસાન થયું.
ભૂતપૂર્વ ભારતીય હોકી ખેલાડી વેસ પેસનું આજે નિધન (Vece Paes Died) થયું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વેસ પેસ પાર્કિન્સન રોગથી પીડિત હતા અને મંગળવારે સવારે કોલકાતા (Kolkata)ની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ૮૦ વર્ષની વયે તેમણે અંતિમ શ્વાસ લીધા.
ADVERTISEMENT
વેસ પેસે ભારતીય રમતોમાં ખૂબ જ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. તેઓ ભારતીય હોકી ટીમમાં મિડફિલ્ડર પદ પર રમતા હતા. આ ઉપરાંત, તેમણે ફૂટબોલ, ક્રિકેટ અને રગ્બી જેવી ઘણી રમતોમાં પણ પોતાનો હાથ અજમાવ્યો. વેસ પેસે ૧૯૯૬થી ૨૦૦૨ સુધી ભારતીય રગ્બી ફૂટબોલ યુનિયન (Indian Rugby Football Union)ના પ્રમુખ તરીકે પણ સેવા આપી હતી.
સ્પોર્ટ્સ મેડિસિન નિષ્ણાત તરીકે તેમણે એશિયન ક્રિકેટ કાઉન્સિલ (Asian Cricket Council), ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (Board of Control for Cricket in India) અને ભારતીય ડેવિસ કપ ટીમ (Indian Davis Cup) સહિત અનેક રમત સંગઠનો સાથે તબીબી સલાહકાર તરીકે કામ કર્યું છે.
૧૯૭૨ના ઓલિમ્પિકમાં હોકી ટીમ માટે મેડલ જીતનાર વેસ પેસના પુત્રએ તેમની જીતના ૨૪ વર્ષ પછી ૧૯૯૬ના એટલાન્ટા ઓલિમ્પિક (Atlanta Olympics 1996)માં ભારતીય ટેનિસ માટે પહેલો અને એકમાત્ર મેડલ જીત્યો હતો. લિએન્ડરે પુરુષ સિંગલ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો. ૧૯૫૨ પછી ઓલિમ્પિક વ્યક્તિગત રમતોમાં આ ભારતનો પહેલો મેડલ હતો. વેસ હંમેશા પોતાના પુત્ર લિએન્ડરની પ્રશંસા કરતા હતા. પિતા-પુત્રનો સંબંધ ખૂબ જ ગાઢ હતો.
દીકરા લિએન્ડરની સફળતા અંગે વેસ પેસે એક વખત કહ્યું હતું કે, ‘સૌ પ્રથમ, લિએન્ડર એવા વાતાવરણમાં ઉછર્યો છે જ્યાં રમતગમતની સંસ્કૃતિને પ્રોત્સાહન મળ્યું છે. ઉપરાંત, લિએન્ડરમાં જન્મજાત પ્રતિભા છે. લિએન્ડર ટેનિસ કોર્ટ પર ખૂબ જ ઝડપી છે અને મને પણ લાગે છે કે તે જીદ્દી છે. લિએન્ડર અઠવાડિયામાં છ દિવસ, દિવસમાં ત્રણ કલાક તાલીમ લેતો હતો. જો તમારે ચેમ્પિયન બનવું હોય, તો તમારે આ જ પ્રકારે તમારું પ્રેક્ટિસ રુટિન ચાલુ રાખવું પડશે.’
વેસ પેસે જેનિફર સાથે લગ્ન કર્યા હતા, જેઓ ભૂતપૂર્વ ભારતીય બાસ્કેટબોલ ખેલાડી હતા અને રાષ્ટ્રીય ટીમની કેપ્ટનશીપ પણ કરી હતી.
વેસ પેસના અંતિમ સંસ્કાર સોમવાર અથવા મંગળવારે થશે કારણ કે પરિવાર તેમની પુત્રીઓના આગમનની રાહ જોઈ રહ્યો છે, જે બંને વિદેશમાં સ્થાયી થઈ ગઈ છે.

