ચીનની ૩૫ વર્ષની ખેલાડી પેન્ગ શુઇ દ્વારા સોશ્યલ મીડિયા પોસ્ટમાં ચીનના ભૂતપૂર્વ નાયબ વડા પ્રધાન ઝેન્ગ ગાઓલીએ જાતીય સંબંધ માટે દબાણ કર્યું હોવાનો આરોપ મૂક્યો
પ્રતીકાત્મક તસવીર
ડબલ્સની પ્લેયર પેન્ગ શુઇની ભૂતપૂર્વ રાજકારણી દ્વારા થયેલી જાતીય સતામણીના મામલે જ્યાં સુધી સંપૂર્ણ પારદર્શક તપાસ નહીં થાય ત્યાં સુધી હૉન્ગકૉન્ગ સહિત ચીનમાં વિમેન્સ ટેનિસ અસોસિએશનની કોઈ પણ ટુર્નામેન્ટ નહીં યોજાય એવી ઘોષણા કરવામાં આવી છે. ચીનની ૩૫ વર્ષની ખેલાડી પેન્ગ શુઇ દ્વારા સોશ્યલ મીડિયા પોસ્ટમાં ચીનના ભૂતપૂર્વ નાયબ વડા પ્રધાન ઝેન્ગ ગાઓલીએ જાતીય સંબંધ માટે દબાણ કર્યું હોવાનો આરોપ મૂક્યો હતો. જોકે તેની આ પોસ્ટ ચીની સરકારે ડિલીટ કરી હતી.
વિમેન્સ ટેનિસ અસોસિએશન તથા ખેલાડીઓએ પેન્ગ શુઇની સોશ્યલ મીડિયામાં શૅર થયેલી પોસ્ટ બાદ તેને સંપૂર્ણ ટેકો આપ્યો હતો અને એવી માગણી કરી હતી કે પેન્ગ શુઇ સ્વતંત્ર અને સલામત છે એવા પુરાવા આપે. ચીનની સરકારે તાજેતરમાં પેન્ગ શુઇ એક રેસ્ટોરાંમાં હતી એ અને આંતરરાષ્ટ્રીય ઑલિમ્પિક્સ કમિટીના સભ્ય સાથે પેન્ગ શુઇ સાથે વિડિયો-કૉલ પણ અરેન્જ કર્યા હતા છતાં વિમેન્સ અસોસિએશનને સંતોષ નહોતો એથી ગઈ કાલે ચીનની તમામ ટુર્નામેન્ટ રદ કરવામાં આવી હતી.
બીજી તરફ ચીને આ નિર્ણય સામે પોતાનો વિરોધ વ્યક્ત કરતાં આ કાર્યવાહીને રમતના રાજકારણ સાથે સરખાવ્યું છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું હતું કે ખેલાડીઓના સંરક્ષણના નામે એકતરફી નિર્ણય લેવામાં આવ્યો છે, જેનાથી મહિલા ટેનિસ ખેલાડીઓ રમતની તક ગુમાવશે.

