અમેરિકન કૉર્પોરેટ પ્રૉફિટ ઘટીને ત્રણ ક્વૉર્ટરની નીચી સપાટીએ પહોંચતાં સોનામાં ખરીદીનું આકર્ષણ વધ્યું
કૉમોડિટી કરન્ટ
પ્રતીકાત્મક તસવીર
અમેરિકન ડેટ સીલિંગની મંત્રણાનું કોઈ પરિણામ આવ્યું ન હોવાથી ગવર્મેન્ટ ડિફૉલ્ટ થવાની નજીક પહોચતાં ડૉલર ઘટ્યો હતો જેને પગલે સોનામાં નવેસરથી વધારો જોવા મળ્યો હતો.
ભારતીય માર્કેટમાં સોનું ઘટ્યું હતું, પણ ચાંદી વધી હતી. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૨૧૯ રૂપિયા ઘટ્યું હતું, જ્યારે ચાંદી પ્રતિ કિલો ૨૧૫ રૂપિયા વધી હતી.
ADVERTISEMENT
વિદેશી પ્રવાહ
અમેરિકન ગવર્મેન્ટ ડિફૉલ્ટ થવાની એકદમ નજીક પહોંચી હોવા છતાં ડેટ સીલિંગ વધારવાની મંત્રણાનું પરિણામ આવ્યું ન હોવાથી શુક્રવારે ડૉલર ઊંચા મથાળેથી ઘટ્યો હતો જેની અસરે સોનામાં નીચા મથાળેથી સુધારો જોવા મળ્યો હતો. અમેરિકન ડૉલર અને ટ્રેઝરી બૉન્ડનાં યીલ્ડની મજબૂતીને કારણે સોનું ગુરુવારે એક તબક્કે ઘટીને ૧૯૩૮.૫૦ ડૉલરની સપાટીએ પહોંચ્યું હતું. શુક્રવારે ડૉલર ઘટતાં સોનામાં નીચા મથાળે મોટી લેવાલી જોવા મળતાં સોનું સુધરીને ૧૯૫૮ ડૉલર સુધી વધ્યા બાદ સાંજે ૧૯૫૩થી ૧૯૫૪ ડૉલરની રેન્જમાં હતું. સોનુ વધતાં ચાંદી, પ્લૅટિનમ અને પૅલેડિયમ પણ વધ્યાં હતાં.
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
અમેરિકી ડૉલર ઇન્ડેક્સ શુક્રવારે વધીને બે મહિનાની ઊંચાઈએ ૧૦૪ના લેવલે પહોંચ્યો હતો, જેમાં સતત ત્રીજા સપ્તાહે વીકલી ગેઇન જોવા મળ્યો હતો. ફેડ દ્વારા ઇન્ટરેસ્ટ રેટમાં વધારો થવાના ચાન્સ સતત વધી રહ્યા હોવાથી તેમ જ ઇકૉનૉમિક ગ્રોથ ધીમે-ધીમે બહેતર બની રહ્યો હોવાથી ઇન્ટરેસ્ટ રેટ વધારાની ઇકૉનૉમિક ડેટા પર મોટી અસર નહીં થાય એવું ચિત્ર દેખાવા લાગતાં ડૉલરની મજબૂતી વધી રહી છે.
અમેરિકન ટ્રેઝરી બૉન્ડ યીલ્ડ સતત દસમા સેશનમાં વધતાં જૂન અને જુલાઈ બન્ને મહિનામાં ફેડ ૨૫-૨૫ બેસિસ પૉઇન્ટ ઇન્ટરેસ્ટ રેટ વધારશે એવી માર્કેટની ધારણા છે. ફેડે માર્ચ-૨૦૨૨થી શરૂ કરીને મે સુધીમાં ૧૦ વખત ઇન્ટરેસ્ટ રેટ વધારીને બેન્ચમાર્ક ઇન્ટરેસ્ટ રેટને પાંચ ટકાએ પહોંચાડ્યા હતા. સતત દસ ઇન્ટરેસ્ટ રેટ વધારા પછી પણ ઇકૉનૉમિક કન્ડિશનમાં કોઈ મોટી પછડાટ આવી નથી. બૅન્કિંગ ક્રાઇસિસનાં છમકલાં થયાં હતાં, પણ એ માત્ર બેથી ત્રણ બૅન્કો પૂરતાં સીમિત રહેતાં હવે ફેડ આગામી બે જૂન અને જુલાઈની પૉલિસી મીટિંગમાં ૨૫-૨૫ બેસિસ પૉઇન્ટ ઇન્ટરેસ્ટ રેટ વધારે તો કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી.
અમેરિકાનો કૉર્પોરેટ પ્રૉફિટ ફર્સ્ટ ક્વૉર્ટરમાં ૬.૮ ટકા ઘટીને ૨.૩૦૭ ટ્રિલ્યન (લાખ કરોડ) ડૉલર રહ્યો હતો. જે છેલ્લાં ત્રણ ક્વૉર્ટરનો સૌથી ઓછો રહ્યો હતો. માર્કેટની ધારણા માત્ર ૦.૯ ટકા ઘટાડાની હતી અને પ્રિલિમિનરી એસ્ટીમેટમાં કૉર્પોરેટ પ્રૉફિટ ૨.૭ ટકા ઘટ્યો હતો. કૉર્પોરેટ પ્રૉફિટનો ઘટાડો છેલ્લાં બે વર્ષનો સૌથી મોટો રહ્યો હતો. અમેરિકાનું એક્ઝિસ્ટિંગ હોમસેલ્સ એપ્રિલમાં જળવાયેલું રહ્યું હતું, પણ માર્ચમાં ૫.૨ ટકા ઘટ્યું હતું જે છેલ્લા છ મહિનાનો સૌથી મોટો ઘટાડો હતો અને માર્કેટની ધારણા એક ટકાની હતી એની બદલે ૫.૨ ટકા ઘટ્યું હતું.
અમેરિકામાં બેરોજગારી ભથ્થું લેવા માટેની ઍપ્લિકેશન ૨૦મી મેએ પૂરા થતા સપ્તાહના અંતે ચાર હજાર વધીને ૨.૨૯ લાખે પહોંચી હતી જે અગાઉના સપ્તાહે બે મહિનાની નીચી સપાટીએ ૨.૨૫ લાખ હતી. માર્કેટની ૨.૨૫ લાખની ધારણા કરતાં બેરોજગારી ભથ્થું લેનારાઓની સંખ્યા ઓછી રહી હતી. એક્ઝિસ્ટિંગ બેરોજગારી ભથ્થું લેનારાઓની સંખ્યા ૧૩૦૦ વધીને ૨.૦૨ લાખે પહોંચી હતી.
બ્રિટનનુ રીટેલ સેલ્સ એપ્રિલમાં ૦.૫ ટકા વધ્યું હતું જે માર્ચમાં ૧.૨ ટકા ઘટ્યું હતું અને માર્કેટની ધારણા ૦.૩ ટકા વધારાની હતી. ખાસ કરીને નૉન ફૂડ-સ્ટોરનું સેલ્સ એક ટકા વધ્યું હતું, જેમાં ઘડિયાળ, જ્વેલરી અને સ્પોર્ટ્સ ઇક્વિપમેન્ટનું સેલ્સ ખાસ્સું એવું વધ્યું હતું, જેમાં માર્ચ મહિનામાં ૧.૮ ટકાનો ઘટાડો નોંધાયો હતો. ફૂડ-સ્ટોરનું સેલ્સ ૦.૭ ટકા વધ્યું હતું જે માર્ચમાં ૦.૮ ટકા ઘટ્યું હતું.
શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ
અમેરિકાની ડેટ સીલિંગ વધારવા બાબતે ચાલી રહેલી મંત્રણાનો કોઈ ઉકેલ આવ્યો ન હોવાથી હવે અમેરિકન ગવર્મેન્ટ ડિફૉલ્ટ થવાની નજીક છે. અમેરિકન ગવર્નમેન્ટ ડિફૉલ્ટ થાય તો ડૉલરની મોનોપૉલી નબળી પડશે કે કેમ? એ વિશે વર્લ્ડમાં ચર્ચા શરૂ થઈ ચૂકી છે. ક્રેડિંગ રેટિંગ એજન્સી મૂડીઝે ડૉલરની મોનોપૉલી વિશે એક રિપોર્ટ બહાર પાડયો છે, જેમાં સ્પષ્ટ જણાવાયું છે કે અનેક મુશ્કેલીઓ છતાં ડૉલરની મોનોપૉલી વર્લ્ડમાં હજી લાંબા સમય સુધી ચાલુ રહેશે. મૂડીઝે જણાવ્યું હતું કે ડૉલર કરન્સી લિક્વિડિટી, સેફ્ટી અને લોઅર ટ્રાન્ઝેક્શન કૉસ્ટનો મુકાબલો કરી શકે એવી કોઈ કરન્સી હાલ વર્લ્ડમાં ઉપલબ્ધ નથી. આથી ડૉલરની મોનોપૉલી હજી લાંબા સમય સુધી જોવા મળશે. અમેરિકન ડેટ સીલિંગ વધારવા બાબતે ઊભી થયેલી મડાગાંઠ અને એનો ઉકેલ ન આવે તો ડિફૉલ્ટ થવાની નોબત આવવી વગેરે મુશ્કેલીઓ ડૉલર સામે આવતી રહેવાની છે. ડૉલરની મોનોપૉલી રહે ત્યાં સુધી સોનું અને ડૉલરનો સંબંધ તૂટવાનો નથી. ડૉલર નબળો પડે ત્યારે સોનું હમેશાં તેજીમાં રહેશે. અમેરિકન ફેડરલ રિઝર્વે સતત દસ વખત ઇન્ટરેસ્ટ રેટ વધાર્યા બાદ હજી બે વખત ઇન્ટરેસ્ટ રેટ વધારશે એવી ચર્ચા શરૂ થઈ છે આથી જો ફેડ બાર વખત ઇન્ટરેસ્ટ રેટ વધારે ત્યાર બાદ જ્યારે ઇન્ટરેસ્ટ રેટ વધારવાનું બંધ કરે અથવા ઇન્ટરેસ્ટ રેટમાં ઘટાડો કરે ત્યારે ડૉલર નબળો પડવાનો છે એ નક્કી છે. ડૉલર નબળો પડશે ત્યારે સોનામાં નવેસરથી તેજી શરૂ થશે.
ભાવ તાલ
સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ): ૬૦,૧૪૨
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ): ૫૯,૯૦૧
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ): ૭૦,૫૦૦
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)