શિયાળામાં પૉલ્યુશન વધવાની ચેતવણી જાહેર થયા બાદ BMCએ પાણી પહેલાં પાળ બાંધી લીધી
પ્રતીકાત્મક તસવીર
ચોમાસાની સત્તાવાર વિદાય થતાં જ છેલ્લા કેટલાક દિવસથી મુંબઈમાં હવાની ગુણવત્તામાં ઘટાડો થયો છે. મુંબઈની હવાને સ્વચ્છ રાખવા માટે અને ઍર ક્વૉલિટી ઇન્ડેક્સ (AQI)ને નીચે લાવવા માટે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) ટૂંક સમયમાં શહેરમાં એક અલગ જ સફાઈ-અભિયાન શરૂ કરશે. આ અભિયાન અંતર્ગત ટૅન્કરના પાણીથી રસ્તા ધોવામાં આવશે. પાણીને ઝાકળ જેવાં બિન્દુઓમાં ફેરવી દે એવાં મિસ્ટિંગ મશીનોનો ઉપયોગ કરીને ઍર પૉલ્યુશનને ઘટાડવાના પ્રયાસ પણ થશે. આ માટે ૫૭ કરોડ રૂપિયાના ખર્ચે કુલ ૨૯ મશીનો ખરીદવાની પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે.
સેન્ટ્રલ પૉલ્યુશન કન્ટ્રોલ બોર્ડ (CPCB)ના ડેટા મુજબ પાછલા દિવસોમાં મુંબઈનો AQI ૧૫૦ (મધ્યમ)ને વટાવી ગયો હતો અને ગઈ કાલે ૧૫૯એ પહોંચ્યો હતો. ચોમાસું પૂરું થયા બાદ કન્સ્ટ્રક્શનનાં કામ પુરજોશમાં ચાલુ થઈ જતાં હવાની ગુણવત્તા ખરાબ થઈ હોવાનું કારણ પણ BMCએ ધ્યાનમાં લીધું હતું. મુંબઈમાં લગભગ ૧૨૦૦ બાંધકામ-સ્થળોમાંથી ફક્ત ૪૫૦ સ્થળોએ જ AQI ડિસ્પ્લે મૂકવામાં આવ્યાં છે. તેથી મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (MMRDA), મહારાષ્ટ્ર હાઉસિંગ ઍન્ડ એરિયા ડેવલપમેન્ટ ઑથોરિટી (MHADA) અને સ્લમ રીડેવલપમેન્ટ ઑથોરિટી (SRA) સહિત અન્ય એજન્સીઓ સાથે મીટિંગ કરીને ઍર પૉલ્યુશન ઘટાડવા માટેનાં પગલાંની ચર્ચા કરવામાં આવશે.

