એક વાર બનાવટી મંગળસૂત્ર ગિરવી મૂકીને પૈસા પડાવી ગયા પછી ફરી એવું જ કરવા ગઈ એમાં ફસાઈ
ઘાટકોપર પોલીસે ધરપકડ કરેલા બન્ને આરોપીઓ.
કુર્લા-વેસ્ટમાં કામાણીના સુંદરબાગ વિસ્તારમાં આવેલી ભાવેશ જ્વેલર્સમાં એક મહિલા થોડા મહિના અગાઉ એક મંગળસૂત્ર ગિરવી મૂકીને ૪૦,૦૦૦ હજાર રૂપિયા લઈ ગઈ હતી. આ મંગળસૂત્ર બનાવટી નીકળ્યું હતું. ફરી એ જ જ્વેલર પાસે આવી જ છેતરપિંડી કરવા જતાં ૩૦ વર્ષની મીનાઝ શેખ અને સેવારામ કુમાવતની ઘાટકોપર પોલીસે રવિવારે સાંજે ધરપકડ કરી હતી. આરોપી મહિલા અને તેના સાથી સામે મુંબઈનાં વિવિધ પોલીસ-સ્ટેશનોમાં આવી છેતરપિંડીના અનેક કેસ હોવાની માહિતી પ્રાથમિક તપાસમાં સામે આવી હતી.
ઘાટકોપર પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર સતીશ જાધવે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જ્વેલરની મદદથી અમે બન્ને આરોપીને તાબામાં લઈને તેમની ધરપકડ કરી છે. બન્ને આરોપી સામે મુંબઈનાં બીજાં પોલીસ-સ્ટેશનોમાં આ રીતે છેતરપિંડીના કેસો નોંધાયા હોવાની પ્રાથમિક માહિતી તપાસમાં સામે આવી છે. આરોપીઓ ખોટા દાગીના પર સોનાનું કોટિંગ કરીને તેમ જ ખોટા હૉલમાર્ક લગાવીને દાગીના ગિરવી મૂકતા હતા. આ બાબતે વધુ તપાસ ચાલી રહી છે.’
ADVERTISEMENT
કેવી રીતે પકડાઈ આરોપી?
ભાવેશ જ્વેલર્સના માલિક રમેશ જૈને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારી ગેરહાજરીમાં ૨૧ મેએ બુરખામાં આવેલી એક મહિલા ચેમ્બુરના એક જ્વેલરનું બિલ બતાવીને આશરે એક તોલાનું મંગળસૂત્ર ગિરવી મૂકીને ૪૦,૦૦૦ રૂપિયા રોકડા લઈ ગઈ હતી. ત્યાર બાદ એ મંગળસૂત્ર અમે લૉકરમાં રાખી દીધું હતું. થોડા વખત પહેલાં તમામ દાગીનાની તપાસ કરતાં એ મંગળસૂત્ર ખોટું હોવાની માહિતી અમને મળી હતી. આ દરમ્યાન રવિવારે બપોરે એવું જ મંગળસૂત્ર અને ચેમ્બુરના જ્વેલરનું બિલ લઈને ફરી વાર બુરખો પહેરીને એક મહિલા દુકાને આવી હતી. ત્યારે તેણે આપેલા બિલ પર મને શંકા ગઈ. મેં મંગળસૂત્ર તપાસવા માટેનું કહીને ગૂગલ પર ચેમ્બુરના જ્વેલરનો નંબર મેળવવાની કોશિશ કરી હતી. મને તેના પર શંકા ગઈ છે એવું સમજાઈ જતાં મહિલાએ દુકાનમાંથી નાસી જવાનો પ્રયાસ કર્યો હતો. એ સમયે મારી દુકાનમાં હાજર મહિલા ગ્રાહકોની મદદથી અમે તેને પકડી લીધી હતી. આમ છતાં તે બહાર નીકળવા જબરદસ્તી અને મારઝૂડ કરવા લાગી હતી. એટલે તેને અને ગ્રાહકોને દુકાનની અંદર જ રાખી દુકાનની બહાર આવીને મેં દુકાનનું શટર બંધ કરી દીધુ હતું. ત્યાર બાદ તાત્કાલિક પોલીસને આ ઘટનાની જાણ કરી હતી. દુકાનથી ૨૦૦ મીટર દૂર ઊભેલા મહિલાના સાથીને પણ પોલીસે પકડી લીધો હતો. આ બુરખાધારી મહિલાએ ઘાટકોપર તેમ જ આસપાસના વિસ્તારમાં ઘણા જ્વેલરોને આ રીતે ચૂનો લગાડ્યો હોવાની માહિતી મને મળી છે.’

