અમેરિકાની ઇકૉનૉમિક કન્ડિશન બગડવાના વધુ સંકેતોથી સોના-ચાંદીમાં નવો ઉછાળો આવશે
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
ટ્રમ્પે અમેરિકામાં આયાત થતી થોકબંધ ચીજો પર ટૅરિફવધારો લાગુ કરતાં ઇકૉનૉમિક કન્ડિશન બગડવાના સંકેતોને પગલે ડૉલર ગગડીને ચાર મહિનાની નીચી સપાટીએ પહોંચતાં સોના-ચાંદીમાં તેજીની આગેકૂચ જોવા મળી હતી. વર્લ્ડ માર્કેટમાં સોનું ૨૪ ફેબ્રુઆરીએ ઑલટાઇમ હાઈ સપાટીએ ૨૯૫૬.૧૫ ડૉલર થયા બાદ ઘટ્યું હતું, પણ છેલ્લા ત્રણ દિવસથી ફરી તેજીની આગેકૂચ ચાલુ થતાં સોનું વધીને ૨૯૨૩.૭૦ ડૉલર સુધી અને ચાંદી ૩૨.૪૪ ડૉલર સુધી વધ્યાં હતાં.
મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૧૩૨ રૂપિયા ઘટ્યો હતો. જોકે ચાંદીનો ભાવ પ્રતિ કિલો ૭૦૦ રૂપિયા વધ્યો હતો. ચાંદી સતત ત્રીજે દિવસે વધી હતી, છેલ્લા ત્રણ દિવસમાં ચાંદીનો ભાવ ૨૫૧૩ રૂપિયા વધ્યો હતો.
ADVERTISEMENT
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
ડોનલ્ડ ટ્રમ્પે અમેરિકામાં આયાત થતા કૉપર અને અન્ય બેઝ મેટલ પર ટૅરિફવધારો લાગુ કરવાની જાહેરાત કરી હતી. અમેરિકા એની કૉપરની જરૂરિયાતનો ૫૦ ટકા જથ્થો ઇમ્પોર્ટ કરી રહ્યું હોવાથી કૉપર પર લગાડેલી આયાતથી કૉપરના ભાવમાં મોટો ઉછાળો આવ્યો હતો. અગાઉ કૅનેડા, મેક્સિકો અને ચીન પર લગાડેલી ટૅરિફનો અમલ થયા બાદ એપ્રિલથી અમેરિકામાં આયાત થતી તમામ ઍગ્રિકલ્ચર પ્રોડક્ટ પર ટૅરિફવધારો લાગુ કરવાની જાહેરાત કરાઈ હોવાથી અમેરિકન ઇકૉનૉમિક કન્ડિશનને મોટો ફટકો પડવાની ધારણાએ ડૉલર ઇન્ડેક્સ ૦.૮ ટકા ઘટીને ચાર મહિનાની નીચી સપાટીએ ૧૦૪.૮૫ પૉઇન્ટે પહોંચ્યો હતો. બૅન્ક ઑફ જપાનના ડેપ્યુટી ચૅરમૅને ફરી ઇન્ટરેસ્ટ રેટમાં વધારો કરવાની જાહેરાત કરતાં યેનની મજબૂતીને કારણે પણ ડૉલર ઘટ્યો હતો.
અમેરિકાનો ઇકૉનૉમિક ઑપ્ટિમિઝમ ઇન્ડેક્સ માર્ચમાં ઘટીને પાંચ મહિનાની નીચી સપાટીએ ૪૯.૮ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ફેબ્રુઆરીમાં બાવન પૉઇન્ટ હતો અને માર્કેટની ધારણા ૫૩.૧ પૉઇન્ટની હતી. આગામી છ મહિનાના ઇકૉનૉમિક આઉટલુકને બતાવતો ઇન્ડેક્સ પણ ૯.૧ ટકા ઘટીને ૪૬.૨ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ફેબ્રુઆરીમાં ૫૧.૧ પૉઇન્ટ હતો. અમેરિકન પબ્લિકની પર્સનલ ફાઇનૅન્શિયલ સ્થિતિને બતાવતો ઇન્ડેક્સ પણ ૧.૩ ટકા ઘટીને ૫૫.૩ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ફેબ્રુઆરીમાં ૫૬ પૉઇન્ટ હતો. અમેરિકન ગવર્નમેન્ટની પૉલિસી પર પબ્લિકના વિશ્વાસને બતાવતો ઇન્ડેક્સ પણ ૧.૮ ટકા ઘટીને ૪૭.૯ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ફેબ્રુઆરીમાં ૪૮.૮ પૉઇન્ટ હતો.
શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ
ટ્રમ્પના થોકબંધ ટૅરિફવધારાને કારણે અમેરિકન ઇકૉનૉમિક કન્ડિશન સતત બગડી રહી છે. ડૉલર ઇન્ડેક્સ ગગડીને ચાર મહિનાની નીચી સપાટીએ પહોંચ્યો છે. આગામી ત્રણ દિવસમાં જાહેર થનારા ડેટામાં જો અમેરિકન ઇકૉનૉમિક કન્ડિશન વધુ બગડતી દેખાશે તો સોના-ચાંદીમાં તેજીની ગતિ વધુ ઝડપી બનશે. અમેરિકાના પ્રાઇવેટ સેક્ટરના જૉબડેટા, સર્વિસ સેક્ટર-પ્રાઇવેટ સેક્ટરનો ગ્રોથ, અનએમ્પ્લૉયમેન્ટ બેનિફિટ નંબર્સ અને નૉન ફાર્મ પે-રોલ ડેટા વગેરે; આ તમામ ડેટા અમેરિકાની ઇકૉનૉમિક કન્ડિશનની સ્થિતિનું સ્પષ્ટ નિરૂપણ કરશે. ઇકૉનૉમિક ઑપ્ટિમિઝમ ઇન્ડેક્સના તમામ પૅરામીટરમાં ઇકૉનૉમિક કન્ડિશન આગામી દિવસોમાં વધુ બગડવાનું સ્પષ્ટ ચિત્ર દેખાય છે ત્યારે સોના-ચાંદીને નબળી ઇકૉનૉમિક કન્ડિશનની સાથે ઇન્ફ્લેશન પણ ટ્રેડવૉરને કારણે વધતાં સોના-ચાંદીની તેજીને ડબલ સપોર્ટ મળશે. ઉપરાંત જો રશિયા-યુક્રેન અને ઇઝરાયલ-હમાસ યુદ્ધનો નિવેડો લંબાશે તો સોનાને જિયોપૉલિટિકલ ટેન્શનનો પણ સપોર્ટ મળશે. આમ સોનાની તેજીની વિરુદ્ધનાં કોઈ કારણો ધીમી ગતિએ નબળાં પડી રહ્યાં છે.
ભાવ તાલ
સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ): ૮૬,૩૦૦
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ): ૮૫,૯૫૪
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ): ૯૫,૯૯૩
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)

