અબુ આઝમીને ૧૦૦ ટકા જેલમાં નાખીશું એમ કહીને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસનો વિરોધ પક્ષોને પડકાર : ઔરંગઝેબની પ્રશંસા કરનારા અબુ આઝમીને આખા બજેટસત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા
ઔરંગઝેબની પ્રશંસા કરવા બદલ બજેટ સેશન દરમ્યાન વિધાનસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવેલા સમાજવાદી પાર્ટીના નેતા અબુ આઝમીએ ગઈ કાલે પત્રકારોને સંબોધ્યા હતા.
સમાજવાદી પાર્ટીના વિધાનસભ્ય અબુ આઝમીએ ઔરંગઝેબને ઉત્તમ શાસક કહેવાના મામલે ગઈ કાલે પણ મહારાષ્ટ્રમાં ચાલી રહેલા બજેટસત્રમાં સત્તાધારી અને વિરોધ પક્ષના નેતાઓ વચ્ચે જોરદાર શાબ્દિક ટપાટપી થઈ હતી. વિરોધ પક્ષોએ છત્રપતિનું અપમાન કરનારાઓ સામે પગલાં લેવાની માગણી કરતાં આ વિશે ગૃહમાં ચર્ચા કરવામાં આવી હતી અને ત્યાર બાદ સર્વાનુમતે અબુ આઝમીને આખા બજેટસત્ર સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
ચર્ચા દરમ્યાન મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આક્રમક ભૂમિકા લેતાં વિરોધીઓને કહ્યું હતું કે ‘અમે અબુ આઝમીને ૧૦૦ ટકા જેલમાં નાખીશું. છત્રપતિ શિવાજી મહારાજનું અપમાન ચલાવી નહીં લેવાય. તમે છત્રપતિનું અપમાન કરનારા ચિલ્લર પ્રશાંત કોરટકર સામે પગલાં લેવાની માગણી કરો છો, પણ છત્રપતિ શિવાજી મહારાજનું અપમાન કરનારા જિતેન્દ્ર આવ્હાડ અને પંડિત જવાહરલાલ નેહરુના ‘ડિસ્કવરી ઑફ ઇન્ડિયા’ પુસ્તકમાં છત્રપતિ શિવાજી મહારાજ વિશે જે લખવામાં આવ્યું છે એના વિશે બોલવાની તમારામાં હિંમત છે? જિતેન્દ્ર આવ્હાડે વિધાનસભામાં જ કહ્યું હતું કે ઔરંગઝેબ હતો એટલે છત્રપતિ શિવાજી મહારાજ હતા, ઔરંગઝેબ બહુ શક્તિશાળી હતો. આ નિવેદન રેકૉર્ડ પર છે. તમે આ બાબતે વિરોધ ન કર્યો. સિલેક્ટિવ વિરોધ ન કરો. અમે છત્રપતિ શિવાજી મહારાજનું અપમાન ચલાવી નહીં લઈએ. દેશ ધર્મ પર મિટને વાલા, શેર શિવા કા છાવા થા; મહા પરાક્રમી પરમ પ્રતાપી, એક હી શંભુ રાજા થા.’
છત્રપતિ શિવાજી મહારાજ માટે વાંધાજનક ટિપ્પણી કરનારા પત્રકાર પ્રશાંત કોરટકરની ધરપકડની માગણી સાથે ગઈ કાલે વિધાનભવનમાં મહા વિકાસ આઘાડીના નેતાઓએ વિરોધ-પ્રદર્શન કર્યું હતું.
ઉત્તર પ્રદેશ મોકલી દો, ઇલાજ કરી દઈશું
ઔરંગઝેબની પ્રશંસા કરનારા અબુ આઝમી પર ભડક્યા યોગી આદિત્યનાથ, કહ્યું...
મહારાષ્ટ્રમાં સમાજવાદી પાર્ટીના વિધાનસભ્ય અબુ આઝમી દ્વારા ઔરંગઝેબની પ્રશંસા કરવામાં આવ્યા બાદ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે ગઈ કાલે ઉત્તર પ્રદેશ વિધાન પરિષદમાં બજેટસત્રના અંતિમ દિવસે સંબોધનમાં જણાવ્યું હતું કે ‘સમાજવાદી પાર્ટી ઔરંગઝેબને આદર્શ માની રહી છે. ઔરંગઝેબના પિતા શાહજહાંએ પોતાની આત્મકથામાં લખ્યું છે કે કોઈને મારા જેવો કમબખ્ત પુત્ર કદી પેદા થાય નહીં. તેણે આગરાના કિલ્લામાં પોતાના બાપને કેદમાં રાખ્યો હતો અને પાણીની એક-એક બૂંદ માટે તડપાવ્યો હતો. એવા માણસને સમાજવાદી પાર્ટીમાંથી બહાર કાઢવો જોઈએ. તેને એક વાર ઉત્તર પ્રદેશ મોકલો, અમે ઉપચાર કરી દઈશું. જે લોકોનું આચરણ ઔરંગઝેબ જેવું હોય તેઓ તેના પર ગર્વ કરી શકે છે.’
યોગી આદિત્યનાથે સવાલ પૂછ્યો હતો કે ‘ઔરંગઝેબને નાયક માનનારાઓને શું ભારતમાં રહેવાનો અધિકાર છે? સમાજવાદી પાર્ટીએ આ મુદ્દે જવાબ આપવો જોઈએ કે શા માટે અબુ આઝમીને પાર્ટીમાંથી બહાર કાઢવામાં આવ્યો નથી. ઔરંગઝેબે મંદિરો તોડ્યાં, જજિયા કર નાખ્યો અને ભારતના ઇસ્લામીકરણની શરૂઆત કરી. કોઈ સભ્ય મુસલમાન પોતાના બેટાનું નામ ઔરંગઝેબ રાખતો નથી, કારણ કે તેને ખબર છે કે તે તેને એક બૂંદ પાણી માટે તરસાવી દેશે.’
અબુ આઝમીએ શું કહ્યું હતું?
સમાજવાદી પાર્ટીના નેતા અબુ આઝમીએ સોમવારે મોગલ શાસક ઔરંગઝેબની પ્રશંસા કરી હતી અને મીડિયાને કહ્યું હતું કે ‘ઔરંગઝેબ ઇન્સાફ-પસંદ બાદશાહ હતો. તેના કાર્યકાળમાં જ ભારત સોને કી ચીડિયા બન્યો હતો. હું ઔરંગઝેબને ક્રૂર શાસક માનતો નથી. ઔરંગઝેબના સમયમાં રાજકાજની લડાઈ હતી, ધર્મની નહોતી, હિન્દુ-મુસલમાનની લડાઈ નહોતી.’

