આવી ખાતરી મળતાં વીરપુરમાં બજારો ખૂલ્યાં, વેપાર-ધંધા રાબેતા મુજબ થયા : રાજકોટમાં રઘુવંશી સમાજના યુવાનોએ સ્વામીનું પૂતળું બાળવાનો પ્રયાસ કરી વિરોધ નોંધાવ્યો હતો
જલારામબાપા
વિશ્વવંદનીય સંતવિભૂતિ જલારામબાપા વિશે બફાટ કરનાર સ્વામીનારાયણ સંપ્રદાયના જ્ઞાનપ્રકાશ સ્વામી વીરપુર આવીને માફી માગશે એવી ખાતરી મળતાં ગઈ કાલથી વીરપુરનાં બજારો ખૂલ્યાં હતાં અને વેપાર-ધંધા રાબેતા મુજબ થયા હતા. જોકે બીજી તરફ રાજકોટમાં રઘુવંશી સમાજના યુવાનોએ જ્ઞાનપ્રકાશ સ્વામીનું પૂતળું બાળવાનો પ્રયાસ કરીને વિરોધ નોંધાવ્યો હતો.
અખિલ ગુજરાત લોહાણા સમાજના ઉપપ્રમુખ યોગેશ ઉનડકટે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જલારામબાપા વિશે બફાટ કરનાર જ્ઞાનપ્રકાશ સ્વામી સામે જલારામબાપાના ભક્તો અને અમારા સમાજમાં ભારે રોષ ફેલાયો છે. આ સ્વામીના મુદ્દે વડતાલ ટેમ્પલ બોર્ડના જેતપુર મંડળના મંદિરના ટ્રસ્ટીઓ સાથે અને ટેમ્પલ બોર્ડના ચૅરમૅન દેવસ્વામી સાથે વિડિયો-કૉલથી ચર્ચા થઈ હતી જેમાં તેમણે કહ્યું હતું કે અમારા સ્વામીએ સમજણ વગરનો બફાટ કર્યો છે, અમારા માટે આ શરમજનક ઘટના ઘટી છે, અમે સ્વામીને ઠપકો આપ્યો છે અને તેઓ વીરપુર મંદિરે આવીને જલારામબાપાનાં દર્શન કરીને માફી માગશે, આ ઉપરાંત વડતાલ ટેમ્પલ બોર્ડ એવું લેખિતમાં આપશે કે આ વાતને એટલે કે સ્વામી જ્ઞાનપ્રકાશ જે બોલ્યા છે એનું અમે સમર્થન કરતા નથી. ચર્ચાના અંતે આ સમાધાન થયું છે.’
ADVERTISEMENT
સ્વામી શું બોલ્યા હતા કે જલારામબાપાના ભક્તોમાં રોષ ભભૂક્યો?
દક્ષિણ ગુજરાતમાં આવેલા સુરતના અમરોલી વિસ્તારમાં તાજેતરમાં થયેલા એક સત્સંગનો વિડિયો વાઇરલ થયો હતો જેમાં જ્ઞાનપ્રકાશ સ્વામીએ જલારામબાપા વિશે એ મતલબની વાત કરી હતી કે ‘જલાભગતે સ્વામી પાસે આશીર્વાદ માગ્યા કે સ્વામી મારું એકમાત્ર લક્ષ્ય, ઇચ્છા અને સંકલ્પ છે કે અહીં કાયમને માટે સદાવ્રત ચાલે અને જે કોઈ આવે તે બધાને અહીં પ્રસાદ, ભોજન મળે; ગુણાતીતાનંદ સ્વામી કહે, બહુ સારું, પહેલાં અમને તો જમાડો. જલાભગત બહુ રાજી થઈ ગયા અને બાપાએ સ્વામીને બાટી અને દાળ જમાડ્યાં. સ્વામી બહુ રાજી થયા અને કહ્યું, જલાભગત તમારો સંકલ્પ ભગવાન પૂરો કરે અને કાયમને માટે તમારા ભંડાર અખૂટ રહેશે, જાઓ.’

