શૅરબજારમાં રોકાણકારોનાં હિતમાં મહત્ત્વની ઘટના
પ્રતીકાત્મક તસવીર
રોકાણકારની રક્ષા અને સેટલમેન્ટની કાર્યક્ષમતામાં વૃદ્ધિ કરવાના હેતુથી શૅરબજારમાં ડાયરેક્ટ પે-આઉટ મેકૅનિઝમ દાખલ કરવામાં આવી રહ્યું છે જે હેઠળ પે-આઉટની સિક્યૉરિટીઝ ક્લાયન્ટ્સના ખાતામાં સીધી જમા કરવામાં આવશે. અત્યારે પે-આઉટની સિક્યૉરિટીઝ પ્રથમ ટ્રેડિંગ મેમ્બરના પુલ અકાઉન્ટમાં જમા કરવામાં આવે છે અને ત્યાર બાદ ક્લાયન્ટ્સના અકાઉન્ટમાં જમા કરવામાં આવે છે. નવા માળખા પ્રમાણે સિક્યૉરિટીઝ પે-આઉટ સીધું રોકાણકારોના માન્ય પ્રાઇમરી અકાઉન્ટમાં જમા કરવામાં આવશે એમ નૅશનલ સ્ટૉક એક્સચેન્જ (NSE) અને બૉમ્બે સ્ટૉક એક્સચેન્જ (BSE)એ એક સંયુક્ત પ્રેસ-રિલીઝમાં જણાવ્યું હતું.
એ માટે એ જરૂરી છે કે એક્સચેન્જના યુનિટ ક્લાયન્ટ કોડ (UCC) ડેટા બેઝમાં પ્રથમ ધારકનું માન્ય અને સક્રિય ડીમૅટ અકાઉન્ટ હોય. એની નોંધ લેવી કે જે ડીમૅટ ખાતાં માન્ય નહીં હોય એમાં ૭ જુલાઈથી કૅપિટલ માર્કેટ સેગમેન્ટમાં કામકાજ કરવા નહીં દેવાય. માર્કેટમાં સરળતાથી કામકાજ થઈ શકે એ માટે રોકાણકારોને એની ખાતરી કરવાનું જણાવવામાં આવે છે કે તેઓ ડીમૅટ ખાતાના પ્રાઇમરી હોલ્ડર હોય.

