બંગલાદેશ-A સામેની મૅચની એક ભયાનક ક્ષણને યાદ કરતાં તિલક કહે છે, ‘હું સદી ફટકારવા માટે મારી જાતને પ્રેશર કરી રહ્યો હતો, પરંતુ અચાનક મારી આંખમાંથી આંસુ વહેવા માંડ્યાં અને મારી આંગળીઓએ કામ કરવાનું બંધ કરી દીધું. બધું પથ્થર જેવું લાગ્યું.
તિલક વર્મા
મેન્સ T20 એશિયા કપ 2025ની ફાઇનલ મૅચના હીરો તિલક વર્માએ ૨૦૨૨ની પોતાની ગંભીર સ્વાસ્થ્ય-સમસ્યા વિશે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. બાવીસ વર્ષના આ હૈદરાબાદી બૅટરને રૅબડોમાયોલિસિસ નામની જીવલેણ બીમારી થઈ હતી જે સ્નાયુઓના ખેંચાણને કારણે થતી એક દુર્લભ સ્થિતિ છે. આ કટોકટી દરમ્યાન તેને ઉચ્ચ કક્ષાની તબીબી સહાય પૂરી પાડવા બદલ મુંબઈ ઇન્ડિયન્સ મૅનેજમેન્ટ અને ફ્રૅન્ચાઇઝીના માલિક આકાશ અંબાણીનો તેણે આભાર માન્યો હતો.
એક ઇન્ટરવ્યુમાં તિલકે કહ્યું હતું કે ‘મારી પહેલી IPL સીઝન પછી મને કેટલીક સ્વાસ્થ્ય-સમસ્યાઓ થઈ હતી. હું ફિટ રહેવા માગતો હતો. મને રૅબડોમાયોલિસિસ હોવાનું જાણવા મળ્યું. એ સમયે હું ડોમેસ્ટિક ક્રિકેટ અને ઇન્ડિયા-A માટે રમતી વખતે ટેસ્ટ-ટીમમાં સ્થાન મેળવવા પર ધ્યાન કેન્દ્રિત કરતો હતો. વધુ તાલીમ લેતો અને શરીરને આરામ આપતો નહોતો. આરામના દિવસોમાં પણ હું જિમમાં જતો હતો. હું સૌથી ફિટ ખેલાડી અને મહાન ફીલ્ડર બનવા માગતો હતો.’
ADVERTISEMENT
બંગલાદેશ-A સામેની મૅચની એક ભયાનક ક્ષણને યાદ કરતાં તિલક કહે છે, ‘હું સદી ફટકારવા માટે મારી જાતને પ્રેશર કરી રહ્યો હતો, પરંતુ અચાનક મારી આંખમાંથી આંસુ વહેવા માંડ્યાં અને મારી આંગળીઓએ કામ કરવાનું બંધ કરી દીધું. બધું પથ્થર જેવું લાગ્યું. મારાં ગ્લવ્ઝ કાપી નાખવાં પડ્યાં, કારણ કે મારી આંગળીઓ હલતી નહોતી. મુંબઈ ઇન્ડિયન્સ, આકાશ અંબાણી અને જય શાહ (એ સમયના BCCIના સચિવ)નો આભાર. મને તાત્કાલિક હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. ડૉક્ટરોએ કહ્યું કે થોડા કલાકનો વિલંબ પણ જીવલેણ બની શક્યો હોત. શરીરમાં સોય નાખતી વખતે એ પણ તૂટી રહી હતી. મારી હાલત ખૂબ નાજુક હતી.’


