સુશાંત સિંહ રાજપૂતનો પરિવાર CBIના જે ક્લોઝર રિપોર્ટને પડકારવાનો છે એમાં શું લખ્યું છે? સુશાંતના મૃત્યુના એક દિવસ પહેલાં સુધી બહેન મીતુ સિંહ સાથે હતી : રિયા ચક્રવર્તી સામે ધાકધમકી, આત્મહત્યા માટે પ્રેરણા, આર્થિક છેતરપિંડી સહિતના આરોપોને CBIએ નકાર્યો
ફાઇલ તસવીર
ફિલ્મસ્ટાર સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુના કેસમાં સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)એ સબમિટ કરેલા ક્લોઝર રિપોર્ટમાં અનેક ચોંકાવનારી બાબતો સામે આવી હતી. આ રિપોર્ટમાં રિયા ચક્રવર્તીને CBIએ ક્લીન ચિટ આપી હતી અને જણાવ્યું હતું કે એવા કોઈ પુરાવા નથી કે રિયાએ સુશાંત સિંહને આત્મહત્યા કરવા માટે પ્રેર્યો હોય, ધમકી આપી હોય કે બંધક બનાવ્યો હોય. જોકે સુશાંત સિંહના પરિવારે આ દાવો માનવાનો ઇનકાર કર્યો હતો અને જણાવ્યું હતું કે તેઓ આ રિપોર્ટને કોર્ટમાં પડકારશે.
સુશાંત સિંહ રાજપૂતનો મૃતદેહ ૨૦૨૦ની ૧૪ જૂને તેના બાંદરાના ફ્લૅટમાં પંખા પર લટકતો મળી આવ્યો હતો. ત્યારથી આ કેસ દેશના સૌથી ચર્ચાસ્પદ અને વિવાદાસ્પદ કેસોમાંનો એક કેસ રહ્યો છે. સુશાંતના પપ્પાએ રિયા અને તેના પરિવાર સામે પટનામાં દાખલ કરવામાં આવેલા પહેલા કેસનો ક્લોઝર રિપોર્ટ અને રિયાએ સુશાંત સિંહની બહેનો સામે મુંબઈમાં દાખલ કરેલા બીજા કેસનો ક્લોઝર રિપોર્ટ એમ બન્ને CBIએ આ વર્ષના માર્ચ મહિનામાં ફાઇલ કરી દીધા હતા.
ADVERTISEMENT
CBIના રિપોર્ટમાં કયા પાંચ મુદ્દા છે ચર્ચાસ્પદ?
રિયા કે તેનો ભાઈ શોવિક સુશાંતના ફ્લૅટમાંથી ૨૦૨૦ની ૮ જૂને નીકળી ગયાં હતાં અને એક પણ વાર ફ્લૅટ પર આવ્યાં નહોતાં. બન્નેમાંથી એક પણ આરોપી ૮ જૂનથી ૧૪ જૂનની વચ્ચે સુશાંત સાથે રહ્યો નહોતો. આ ૭ દિવસમાં સુશાંતે રિયા સાથે કે તેના પરિવારજનોમાંથી કોઈની સાથે કોઈ માધ્યમથી વાત કરી નહોતી. ૧૦ જૂને બપોરે ૨.૪૧ વાગ્યે માત્ર શોવિક સાથે તેણે વૉટ્સઍપ પર વાત કરી હતી.
સુશાંતની બહેન મીતુ સિંહ ૮ જૂનથી ૧૨ જૂન સુધી સુશાંત સાથે તેના ફ્લૅટમાં રહી હતી. સુશાંતની મૅનેજર શ્રૃતિ મોદી પણ પગના ફ્રૅક્ચરને લીધે ૨૦૨૦ના ફેબ્રુઆરી મહિના પછી ફ્લૅટ પર એક પણ વાર આવી નહોતી.
ચોરીના આરોપોના મામલે CBIએ જણાવ્યું હતું કે રિયા ૮ જૂને સુશાંતના ફ્લૅટ પરથી નીકળી ત્યારે ઍપલ લૅપટૉપ અને ઍપલ વૉચ સાથે લઈ ગઈ હતી. આ બન્ને ચીજ સુશાંતે તેને ગિફ્ટ આપી હતી. સુશાંતની જાણ બહાર કોઈ ચીજવસ્તુ રિયાએ લીધી ન હોવાનું પણ CBIએ જણાવ્યું હતું.
CBIના રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે રિયા અને સુશાંત ૨૦૧૯ના એપ્રિલ મહિનાથી ૨૦૨૦ના જૂન સુધી લિવ-ઇન રિલેશનશિપમાં હતાં. સુશાંતની આર્થિક લેવડદેવડ તેના ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ અને લૉયર સંભાળતા હતા. ૨૦૧૯ના ઑક્ટોબરમાં યુરોપની ટ્રિપ માટે સુશાંતની સૂચના પર મૅનેજરે સુશાંત સાથે રિયાનું પણ બુકિંગ કરાવ્યું હતું. સુશાંતે તેના ફ્લૅટમેટ સિદ્ધાર્થ પીઠાણીને એવું પણ કહ્યું હતું કે રિયા તેના પરિવારનો ભાગ છે. આ બધી બાબતો ઉપરાંત ખોટી રીતે રિયાએ કોઈ ચીજવસ્તુ મેળવી હોવાના કોઈ પુરાવા ન હોવાથી રિયા પાછળ સુશાંતે કરેલા ખર્ચા આર્થિક છેતરપિંડી જેવા કોઈ આરોપો પર ખરા નથી ઊતરતા.
CBIએ કહ્યું કે રિયા કે બીજા આરોપીઓએ સુશાંત સિંહને ડિજિટલ ડેટા કે બીજી કોઈ રીતે ધમકી આપી હોવાના કોઈ પુરાવા નથી મળ્યા. સુશાંત સિંહના પરિવારે એવો આરોપ લગાવ્યો હતો કે રિયાએ એવી ધમકી આપી હતી કે સુશાંત જો તેની વાત નહીં માને તો તેનો મેડિકલ રિપોર્ટ જાહેર કરી દેશે. જોકે આ આરોપ અફવા હોવાની સંભાવના ધરાવે છે એવું પણ CBIએ જણાવ્યું હતું. CBIએ ક્લોઝર રિપોર્ટમાં કહ્યું હતું કે રિયા કે અન્ય આરોપી સામે એવા કોઈ પુરાવા નથી કે તેમણે સુશાંત સિંહને આત્મહત્યા કરવા માટે પ્રેર્યો હોય કે તેને ગેરકાયદે બંધક બનાવી રાખ્યો હોય.


