સાતારાના ફલટણમાં સરકારી હૉસ્પિટલમાં કાર્યરત ડૉ. સંપદા મુંડેએ એક સબ-ઈન્સ્પેક્ટર સામે ચાર વાર બળાત્કાર કરવાનો આરોપ મૂક્યો હતો
ફલટણની સરકારી હૉસ્પિટલમાં સર્વિસ કરતી મહિલા ડૉક્ટરે આત્મહત્યા કરતાં પહેલાં હાથ પર લખેલી સુસાઇડ-નોટ અને આરોપી પોલીસ-ઇન્સ્પેક્ટર ગોપાલ બદને.
સાતારા જિલ્લાના ફલટણની સરકારી હૉસ્પિટલમાં સર્વિસ કરતી બીડની મહિલા ડૉક્ટર સંપદા મુંડેએ ફલટણની જ એક હોટેલમાં ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. મરતાં પહેલાં તેણે પોતાના હાથ પર સુસાઇડ-નોટ લખી હતી, જેમાં તેણે ફલટણ પોલીસના સબ-ઇન્સ્પેક્ટર ગોપાલ બદનેએ ૪ વાર તેના પર બળાત્કાર કર્યો હોવાનું અને અન્ય પોલીસ-કર્મચારી પ્રશાંત બનકરે તેને માનસિક ત્રાસ આપ્યો હોવાનું લખ્યું હતું. આ ઘટનાની જાણ થતાં તે બન્ને પોલીસ-કર્મચારીઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરી દેવાનો અને તેમના પર કઠોર કાર્યવાહી કરવાનો આદેશ ખુદ રાજ્યના મુખ્ય પ્રધાન અને સાથે જ ગૃહપ્રધાનની જવાબદારી સંભાળતા દેવેન્દ્ર ફડણવીસે આપ્યો હતો. એવું જાણવા મળ્યું હતું કે મહિલા ડૉક્ટર પર પોલીસ અને તેના સિનિયરનું દબાણ હતું. તેણે ખોટી સાક્ષી આપવી અને તેમના કહેવા મુજબ જ કામ કરવું એવું તેના પર સતત દબાણ રહેતું હતું એટલે તેણે આત્મહત્યા કરી હતી.
ડૉક્ટર સંપદા મુંડેના કાકાએ કહ્યું હતું કે ‘અમને કંઈ ન કહેતાં ડ્યુટી પતાવીને હોટેલમાં જઈને સંપદાએ આત્મહત્યા કરી હતી. અનેક વાર પોસ્ટમૉર્ટમ કરતી ત્યારે પોલીસ ઑફિસરો તેને રિપોર્ટ બદલી આપો એમ કહીને ત્રાસ આપતા હતા એમ તે કહેતી હતી. જો આવું જ ચાલતું રહ્યું તો હું આપઘાત કરી લઈશ એમ પણ તેણે કહ્યું હતું. તેણે આ બાબતે ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ પાસે ફરિયાદ પણ કરી હતી, પણ એના પર કોઈ જવાબ મળ્યો નહોતો.’
ADVERTISEMENT
ડૉક્ટર સંપદા મુંડે બીડ જિલ્લાના વડવણી ગામમાં રહેતી હતી. ગામમાં ભણવાની સારી સગવડ ન હોવાથી તે તેના સંબંધીને ત્યાં બીડમાં રહીને અભ્યાસ કરતી હતી. એ પછી તેણે જળગાવમાંથી MBBS પૂરું કર્યું હતું અને હાલ ફલટણની ઉપજિલ્લા હૉસ્પિટલમાં સર્વિસ કરતી હતી. સંપદાનો પરિવાર આ ઘટનાથી હચમચી ગયો છે અને તેમની દીકરીના મોત માટે જે કોઈ પણ દોષી હોય તેને ફાંસી આપવામાં આવે એવી માગણી કરી છે.


