વિદેશ-ટૂરમાં ફૅમિલી માટે બનાવેલા કડક નિયમોને સમર્થન આપતાં હેડ કોચ ગૌતમ ગંભીરે કહ્યું...
ગૌતમ ગંભીર
ઑસ્ટ્રેલિયા ટૂરમાં ભારતીય પ્લેયર્સના કંગાળ પ્રદર્શન બાદ ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)એ ક્રિકેટરોના પરિવારની હાજરી મર્યાદિત કરવા માટે કડક નિયમો બનાવ્યા હતા. ૪૫ દિવસથી વધુની વિદેશ-ટૂર માટે ફૅમિલીના સભ્યોનો સાથે રહેવાનો સમય મહત્તમ બે અઠવાડિયાં સુધી મર્યાદિત કરવામાં આવ્યો છે અને ટૂંકી ટૂર માટે આ સમયગાળો સાત દિવસ સુધીનો થયો હતો.
ભારત-ઇંગ્લૅન્ડની ટેસ્ટ-સિરીઝમાં કૉમેન્ટેટરની ભૂમિકા ભજવી રહેલા ચેતેશ્વર પુજારા સાથેના ઇન્ટરવ્યુમાં ભારતના હેડ કોચ ગૌતમ ગંભીરે BCCIની આ નીતિનું સમર્થન કર્યું હતું. તેણે કહ્યું કે ‘પરિવારની ભૂમિકા મહત્ત્વપૂર્ણ છે, પણ તમારે એક વાત સમજવી પડશે કે તમે અહીં (વિદેશમાં) એક હેતુ માટે આવ્યા છો. આ હૉલિડે નથી, તમે અહીં ઘણા મોટા હેતુ માટે છો. ડ્રેસિંગ રૂમમાં અથવા વિદેશ-ટૂર પર ખૂબ ઓછા લોકો છે જેમને દેશને ગૌરવ અપાવવાની તક મળે છે.’
હું પરિવારને સાથે રાખવાની વિરુદ્ધ નથી એમ જણાવતાં ગૌતમ ગંભીરે કહ્યું હતું કે ‘પરિવાર હોવો મહત્ત્વપૂર્ણ છે, પરંતુ જો તમારું ધ્યાન દેશને ગૌરવ અપાવવા અને તમારી ભૂમિકા
મોટી હોય તેમ જ તમે એ ઉદ્દેશ્ય માટે પ્રતિબદ્ધ હો તો મને લાગે છે કે એ હેતુ અને એ ધ્યેય બીજી કોઈ પણ વસ્તુ કરતાં વધુ મહત્ત્વપૂર્ણ છે.’
અગાઉ ભારતના સ્ટાર બૅટર વિરાટ કોહલીએ પ્લેયર્સ સાથે પરિવારને રાખવાનું સમર્થન કર્યું હતું. કોહલીએ દલીલ કરી હતી કે ઉચ્ચ પ્રેશરની પરિસ્થિતિમાં પરિવારની હાજરી ઘણી મદદ કરે છે.

