રાજ્યના ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટે જણાવ્યું છે કે ઉબર-શટલ અને પૉઇન્ટ ટુ પૉઇન્ટ બસ-સર્વિસ ગેરકાયદે હોવાથી એ આજે શનિવારથી બંધ કરવામાં આવી છે
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
રાજ્યના ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટે જણાવ્યું છે કે ઉબર-શટલ અને પૉઇન્ટ ટુ પૉઇન્ટ બસ-સર્વિસ ગેરકાયદે હોવાથી એ આજે શનિવારથી બંધ કરવામાં આવી છે. આને કારણે પનવેલ, કલ્યાણ અને ભાઈંદર જેવા લાંબા અંતરથી બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ, વરલી અને સાઉથ મુંબઈમાં નોકરી કરવા આવતા નોકરિયાતોને તકલીફ પડી શકે છે.
છેલ્લા એક વર્ષથી આ સર્વિસ ચાલી રહી હતી. ઉબરનો મુંબઈનો આ પાઇલટ પ્રોજેક્ટ હતો. જોકે ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર પ્રતાપ સરનાઈકે વિધાનસભાના સત્રમાં કહ્યું હતું કે આ સર્વિસ ચલાવવા માટે ઉબરે જરૂરી પરવાનગી લીધી નથી એથી તેમણે ટ્રાન્સપોર્ટ કમિશનરને એ બદલ તપાસ કરવાનું કહ્યું હતું. એ પછી રીજનલ ટ્રાન્સપોર્ટ ઑફિસ (RTO) દ્વારા ઉબરની બસ પર રેઇડ પાડવામાં આવી હતી. તેમની પાસે રાજ્યની કૅરેજ પરમિટ જ નથી. આ પરમિટ પબ્લિક ટ્રાન્સપોર્ટની બસ ચોક્કસ ભાડા સાથે પૅસેન્જર્સની ચોક્કસ રૂટ પર બસ-સર્વિસ પૂરી પાડે છે એમને માટે હોય છે.
ઉબર ૧૦૦ રૂટ પર ૪૦૦થી ૪૫૦ બસ ચલાવે છે અને એનું ભાડુ ૯૦થી લઈને ૨૫૦ રૂપિયા સુધીનું હોય છે જે મુખ્યત્વે અંતર અને દિવસના કયા સમયે મુસાફરી થાય છે એના આધારે એની ગણતરી થાય છે.

