શહેરનાં ભાગદોડ, ઘોંઘાટ અને પ્રદૂષણમાંથી બ્રેક લઈને મનની શાંતિ મેળવવી હોય અને તાજી હવામાં શ્વાસ લેવો હોય તો પહોંચી જાઓ આ પક્ષી અભયારણ્યમાં. અહીં તમે જંગલ-ટ્રેલ, બર્ડ-વૉચિંગ, ટ્રેકિંગ, ફોટોગ્રાફી જેવી ઇન્ટરેસ્ટિંગ અને ઍડ્વેન્ચરસ ઍક્ટિવિટી કરી શકો છો.
કર્નાળા બર્ડ સૅન્ક્ચ્યુઅરી
પ્રકૃતિપ્રેમીઓ ચોમાસાની કાગડોળે રાહ જોતા હોય છે, કારણ કે વરસાદના આગમન સાથે પ્રકૃતિ જે રીતે સોળે કળાએ ખીલી ઊઠે એ માણવાનો એક અલગ લહાવો છે. એમાં પણ મુંબઈ જેવા શહેરમાં કુદરતનો ભેટો કરવાની તક ભાગ્યે જ મળતી હોય છે. એવામાં જો તમે નેચર-લવર છો અને એવું કોઈ સ્થળ શોધી રહ્યા છો જ્યાં તમે વન-ડે પિકનિક કરી શકો અને કુદરતનો આનંદ લૂંટી શકો તો તમારા માટે નવી મુંબઈમાં આવેલું કર્નાળા પક્ષી અભયારણ્ય એટલે કર્નાળા બર્ડ સૅન્ક્ચ્યુઅરી સૌથી સારી જગ્યા છે. કર્નાળા બર્ડ સૅન્ક્ચ્યુઅરી વિશે રેન્જ ફૉરેસ્ટ ઑફિસર નારાયણ રાઠોડે કેટલીક મહત્ત્વપૂર્ણ માહિતી આપી છે.
કર્નાળા બર્ડ સૅન્ક્ચ્યુઅરી
મહારાષ્ટ્ર રાજ્યની આ સૌથી પહેલી બર્ડ સૅન્ક્ચ્યુઅરી છે. મહારાષ્ટ્રની જૈવ વિવિધતાની જાળવણી માટે ૬ નૅશનલ પાર્ક અને ૪૮ સૅન્ક્ચ્યુઅરી જાહેર કરવામાં આવી છે. કર્નાળા બર્ડ સૅન્ક્ચ્યુઅરી પણ એ પૈકીની એક છે. રાયગડ જિલ્લાના પનવેલ તાલુકામાં મુંબઈ-ગોવા નૅશનલ હાઇવે પર આ પક્ષી અભયારણ્ય આવેલું છે. કર્નાળા ફોર્ટની આસપાસ અત્યંત રમણીય અને વિવિધ પ્રજાતિનાં વૃક્ષ અને પક્ષીઓથી સમૃદ્ધ આ વનસંપદા નષ્ટ ન થાય એ માટે સરકારે એને સંરક્ષિત કરવાના પ્રયત્નો હાથ ધર્યા. ૧૯૬૮માં મહારાષ્ટ્ર સરકારે કર્નાળા ફોર્ટની આસપાસનું ૪.૪૮ કિલોમીટરનું ક્ષેત્ર પક્ષીઓ માટે સંરક્ષિત જાહેર કર્યું. જગપ્રસિદ્ધ પક્ષીશાસ્ત્રી ડૉ. સલીમ અલીનું આ અભયારણ્યના નિર્માણમાં ઘણું મોટું યોગદાન રહ્યું છે. અભયારણ્ય ક્ષેત્રના વિસ્તારના પ્રસ્તાવ અનુસાર સરકાર દ્વારા ૨૦૦૩માં અભયારણ્ય ક્ષેત્ર નજીકના કલ્હે, રાનસઈ, કોરલ, આપટા, ઘેરાવાડી, તપરાડે જેવાં ગામોનાં કેટલાંક વનક્ષેત્રનો સમાવેશ અભયારણ્યમાં કરવામાં આવ્યો. એને કારણે કર્નાળા પક્ષી અભયારણ્યનું ક્ષેત્ર ૧૨૧૨.૧૧ સ્ક્વેર કિલોમીટર થયું. કર્નાળા બર્ડ સૅન્ક્ચ્યુઅરીમાં એના નામ પ્રમાણે નેટિવ બર્ડ્સ એટલે કે સ્થાનિક પક્ષીઓની ૧૩૪ પ્રજાતિઓ છે, જ્યારે આશરે ૩૪ પ્રજાતિનાં માઇગ્રેટરી બર્ડ્સ એટલે કે સ્થળાંતરિત પક્ષીઓ અહીં જોવા મળે છે.
નેચર-ટ્રેલ
કર્નાળા બર્ડ સૅન્ક્ચ્યુઅરીની અંદર જ હરિયલ, મોરટાકા, તાડંબા, ગારમાળ જેવી નેચર-ટ્રેલ આવેલી છે. એમાંથી પણ હરિયલ અને મોરટાકા ટ્રેલ બર્ડ-વૉચર્સમાં વધુ ફેમસ છે. વૃક્ષોના ગાઢ જંગલમાંથી પસાર થતી આ નેચર-ટ્રેલ પર આગળ વધતાં-વધતાં તમે વિવિધ જાતનાં રંગબેરંગી પક્ષીઓને માણી શકો. આખા વર્ષ દરમિયાન પક્ષીઓ જોવાની બે સીઝન હોય છે. એક ચોમાસામાં જૂનથી સપ્ટેમ્બર મહિના વચ્ચે જે હાલમાં ચાલુ છે; જેમાં તમને મલબાર વ્હિસલિંગ થ્રશ, મૅગપાઇ રૉબિન, પૅરૅડાઇઝ ફ્લાયકૅચર વગેરે જેવાં પક્ષીઓ જોવા મળી શકે. બીજી શિયાળામાં ઑક્ટોબરથી ફેબ્રુઆરી મહિના વચ્ચે, જેમાં ખાસ કરીને માઇગ્રેટરી બર્ડ્સ જેવાં કે રેડ બ્રેસ્ટેડ ફ્લાયકૅચર, બ્લુથ્રોટ, એશ મિનિવેટ, બ્લૅક હેડેડ કુકુ શ્રાઇક વગેરે જેવાં પક્ષીઓ વધુ જોવા મળે છે. આપણે ઊંચાઈ પરથી વૃક્ષો પર બેસેલાં પક્ષીઓ સરળતાથી જોઈ શકીએ એ માટે વૉચ-ટાવર પણ બનાવવામાં આવ્યા છે. એમ છતાં તમે સાથે બાયનોક્યુલર લઈ જાઓ તો પક્ષીઓને દૂરથી સાફ જોઈ શકશો. કર્નાળામાં અમુક ઇન્જર્ડ અને રેસ્ક્યુ કરેલાં પક્ષીઓ પિંજરામાં પણ રાખેલાં હોય છે. જંગલોમાંથી બચાવવામાં આવેલાં ઘાયલ પક્ષીઓને અહીં રાખીને એમનો ઇલાજ કરવામાં આવે છે.
ફૉરેસ્ટ અને વાઇલ્ડલાઇફ
કર્નાળા બર્ડ સૅન્ક્ચ્યુઅરી આમ તો પક્ષીઓનું ઘર છે, પણ અહીં ઘણાં પ્રાણીઓ પણ જોવા મળે છે. ચૌસિંગા હરણ, જંગલી ડુક્કર, શિયાળ, દીપડા, લંગૂર, નોળિયો વગેરે જોવા મળે છે. કર્નાળાનાં જંગલોની વાત કરીએ તો એમાં આશરે ૬૪૨ પ્રજાતિનાં વૃક્ષો છે. કર્નાળા બર્ડ સૅન્ક્ચ્યુઅરીમાં વિવિધ પ્રકારનાં રંગબેરંગી પતંગિયાંઓ, સરિસૃપો પણ છે. કર્નાળા બર્ડ સૅન્ક્ચ્યુઅરીની અંદર વૉટર-હોલ્સ અને તળાવો પણ છે જે અહીંનાં પ્રાણી અને પક્ષીઓ માટે પીવાના પાણીનો સ્રોત છે.
કર્નાળા ફોર્ટ
કર્નાળા ફોર્ટ સમુદ્રની સપાટીથી ૪૪૫ મીટરની ઊંચાઈ પર આવેલો છે. ઇતિહાસમાં એવો ઉલ્લેખ મળે છે કે ૧૪૦૦ વર્ષ પહેલાં કર્નાળા કિલ્લો દેવગીરીના યાદવો અને તુગલક શાસનોને આધીન હતો. એ પછી ગુજરાત સલ્તનતના આધીન આવી ગયો. ૧૫૪૦માં અહમદનગરના નિઝામ શાહે એના પર કબજો કરી લીધો. એ પછી ૧૬૭૦માં છત્રપતિ શિવાજી મહારાજે આ કિલ્લો જીતી લીધો. તેમના મૃત્યુ પછી કર્નાળા કિલ્લો ફરી ઔરંગઝેબના તાબામાં આવી ગયો. મુગલોના આધીન રહ્યા બાદ ફરી ૧૭૪૦માં પુણેના પેશ્વાઓએ એને જીતી લીધો. ૧૮૧૮માં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ એને પોતાને આધીન કરી લીધો હતો. એક સમયે આ કિલ્લો સુરક્ષા, વેપાર અને રાજકીય પ્રભુત્વની દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ સ્થાન હતો. સમય સાથે આ કિલ્લાનું મહત્ત્વ ઘટતું ગયું અને એને ઉપયોગમાં લેવાનું બંધ થતાં સમયની થપાટ સાથે એ વેરાન અને ઉજ્જડ થતો ગયો.
આજે કર્નાળા ફોર્ટના ફક્ત અવશેષો બચ્યા છે જે વીતેલા સમયની ગવાહી આપે છે. ચારેય બાજુથી વનરાઈઓથી ઘેરાયેલો ઊંચાઈ પર આવેલો આ ફોર્ટ વર્તમાનમાં એક ફેમસ ટ્રેકિંગ પૉઇન્ટ છે. ચોમાસાની સીઝનમાં નેચર-લવર્સ, ટ્રેકર્સ અને ઇતિહાસમાં રસ ધરાવતા લોકો કર્નાળા ફોર્ટની મુલાકાત લેવા આવે છે. તમને ટ્રેકિંગમાં રસ હોય પણ કોઈ દિવસ ટ્રેકિંગ કર્યું ન હોય તો તમે કર્નાળા ફોર્ટથી એની શરૂઆત કરી શકો છો. આ એક ઈઝી ટ્રેક છે જેમાં દોઢથી બે કલાકનું ટ્રેકિંગ કરીને તમે ફોર્ટ પર પહોંચી શકો છો. ટ્રેકના રસ્તા પર આગળ પાણી કે ફૂડ મળતું ન હોવાથી તમારે પાણીની બૉટલ, નાસ્તો સાથે રાખવાં પડે. વરસાદમાં ટ્રેકનો રસ્તો પણ થોડો પથરાળ અને સ્લિપરી બની જતો હોવાથી પ્રૉપર ટ્રેકિંગ શૂઝ સાથે ટ્રેકિંગ કરો તો સારું પડે. ફોર્ટની ઉપરથી તમને કુદરતનો જે નજારો જોવા મળે એ જોઈને તમને લાગશે કે ટ્રેકિંગ કરવાની મહેનત સફળ રહી.
ફૅસિલિટીઝ
કર્નાળા બર્ડ સૅન્ક્ચ્યુઅરીમાં વધતા જતા પ્રવાસીઓના ધસારાને ધ્યાનમાં લઈને પ્રશાસન દ્વારા અનેક સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. કર્નાળામાં સૅન્ક્ચ્યુઅરીમાં દાખલ થયા પછી તમને કોઈ પણ પ્રકારનું કન્ફ્યુઝન ન થાય એ માટે સાઇન-બોર્ડ્સ લગાવવામાં આવ્યાં છે. સાથે જ પક્ષીઓ વિશેની માહિતી આપતાં બોર્ડ લાગેલાં છે. કર્નાળા બર્ડ સૅન્ક્ચ્યુઅરી પ્રશાસન તરફથી એકથી સાત ઑક્ટોબર વચ્ચે વાઇલ્ડલાઇફ વીક ઊજવવામાં આવે છે જેમાં શાળાનાં બાળકો, સ્થાનિક લોકો અને પર્યટકોમાં વિવિધ પ્રવૃત્તિઓ અને કાર્યક્રમો થકી પ્રકૃતિ અને પશુ-પક્ષીઓની રક્ષાને લઈને જાગૃતિ ફેલાવવામાં આવે છે. અહીં બાળકોના રમવા માટેનો પ્લે એરિયા, ઓપન જિમ, બેસવા માટેની સિટિંગ અરેન્જમેન્ટ્સ કરવામાં આવી છે. સાથે જ વાઘ, હરણ, પતંગિયાં, ફ્લૅમિન્ગોનાં વાઇબ્રન્ટ સ્ટૅચ્યૂ ઇન્સ્ટૉલ કરવામાં આવ્યાં છે. કર્નાળા બર્ડ સૅન્ક્ચ્યુઅરીમાં જમવાની પણ ઉત્તમ સુવિધા છે. કર્નાળા બર્ડ સૅન્ક્ચ્યુઅરીની આસપાસ આવેલાં ગામોની મહિલાઓ દ્વારા બચત ગટના માધ્યમથી ઑથેન્ટિક મહારાષ્ટ્રિયન ભોજન બનાવીને પીરસવામાં આવે છે.
વિઝિટ કઈ રીતે કરશો?
કર્નાળા બર્ડ સૅન્ક્ચ્યુઅરી સવારે સાત વાગ્યાથી પાંચ વાગ્યા સુધી પ્રવાસીઓ માટે ખુલ્લી રહે છે. સાંજે ચાર વાગ્યા પછીથી નવા પ્રવાસીઓને એન્ટ્રી આપવામાં આવતી નથી. કર્નાળા ફોર્ટમાં ટ્રેકિંગ માટે બપોરે બે વાગ્યા પછીથી પરવાનગી આપવામાં આવતી નથી. એવી જ રીતે પાંચથી ૧૨ વર્ષનાં બાળકો માટે ૩૦ રૂપિયા અને એનાથી મોટી વયના લોકો માટે ૬૦ રૂપિયા એન્ટ્રી-ફી લેવામાં આવે છે. કૅમેરાથી ફોટોગ્રાફી કરવી હોય તો એના ૧૯૫ રૂપિયા ફી ચૂકવવાની હોય છે. તમે વાહન લઈને આવો તો ટૂ-વ્હીલરના ૫૦ અને ફોર-વ્હીલરના ૧૯૫ રૂપિયા પાર્કિંગ ચાર્જ ચૂકવવાના હોય છે.

