Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > ટ્રમ્પના ટૅરિફવાલા ડાન્સમાં શૅરબજાર ૧૫૭૮ પૉઇન્ટ ઝૂમ્યું

ટ્રમ્પના ટૅરિફવાલા ડાન્સમાં શૅરબજાર ૧૫૭૮ પૉઇન્ટ ઝૂમ્યું

Published : 16 April, 2025 08:47 AM | IST | Mumbai
Anil Patel

ટૅરિફની મોકૂફી પાછળ ઑટો શૅર અને ઑટો એન્સિલિયરી સેક્ટર ઝળક્યું : ITના ૫૯માંથી એકમાત્ર તાન્લા નહીંવત્ નરમ, સાઇડ શૅરોમાં ઝમક

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

માર્કેટ મૂડ

પ્રતીકાત્મક ફાઈલ તસવીર


સ્ટ્રૉન્ગ માર્કેટ બ્રેડ્થ સાથે બન્ને બજારનાં તમામ સેક્ટોરલ મજબૂત, રોકાણકારોની સંપત્તિ ૧૦.૫૭ લાખ કરોડ વધી : ટૅરિફની મોકૂફી પાછળ ઑટો શૅર અને ઑટો એન્સિલિયરી સેક્ટર ઝળક્યું : ITના ૫૯માંથી એકમાત્ર તાન્લા નહીંવત્ નરમ, સાઇડ શૅરોમાં ઝમક : BSE લિમિટેડ ૩૧૩ની તેજીમાં ૬૦૦૦ નજીક સરક્યો : પ્રાઇમરી માર્કેટમાં સન્નાટો, સપ્તાહમાં એક પણ ઇશ્યુ કે નવું લિસ્ટિંગ નહીં, બે વર્ષની પ્રથમ ઘટના : પ્રીમિયમ હાઉસિંગની ડિમાન્ડમાં ઘટાડા વચ્ચે રિયલ્ટી ઇન્ડેક્સમાં તગડો ઉછાળો


ટ્રમ્પના ટૅરિફની તરંગી ચાલ પાછળ દુનિયાભરનાં બજારમાં રોલરકોસ્ટર કે ઊથલપાથલ હવે નિયમ બની ગયો છે. રંગલો રોજ નવા વેશ ધારણ કરે છે, નિતનવા ઝુંડ બતાવે છે. વિશ્વબજારો એની સાથે હરખની હેલીએ ચડે છે કાં પછી માતમમાં સરી પડે છે. તાજેતરના ઘટનાક્રમ પ્રમાણે રંગલો ખુશમિજાજમાં છે. સોલર સેલ, સ્માર્ટફોન, લૅપટૉપ, મેમરી ચિપ્સ, સેમિકન્ડક્ટર્સ, ફ્લૅશ ડ્રાઇવ, સ્ટોરેજ ડિવાઇસિસ, ફ્લૅટ પૅનલ ટીવી-ડિસ્પ્લે, કમ્પ્યુટર પ્રોસેસર્સ સહિત ૨૬ જેટલી આઇટમોને બેઝ ડ્યુટી સહિત રેસિપ્રોકલ ટૅરિફમાંથી સંપૂર્ણ મુક્તિ ટ્રમ્પે જાહેર કરી છે. આનો લાભ ચાઇનાને પણ મળશે એવી ખાસ સ્પષ્ટતા કરવામાં આવી છે. બીજા એક પગલામાં ઑટો અને ઑટોપાર્ટ્સ પરની ટૅરિફનો વધારો પાછો ખેંચાયો છે. જોકે આ બધાં પગલાં કે રાહત કામચલાઉ છે. ટૅરિફ યંત્રણા કાયમી છે એવુંય ટ્રમ્પશાસન કહી રહ્યું છે. રેસિપ્રોકલ ટૅરિફનો અમલ ૯૦ દિવસ મોકૂફ રાખવાની જાહેરાત અગાઉ આવી ચૂકી છે. હવે ટ્રમ્પ આ ૯૦ દિવસમાં વિશ્વના ૯૦ દેશો સાથે ટ્રેડ ડીલ કરવા માગે છે. વડીલો કહેતા કે ગાંડાઓનાં ગામ ન હોય, અમને લાગે છે કે ગામ નહીં હોય, પણ દેશ જરૂર હશે.



ઍનીવે, ટ્રમ્પના નવા સમરસૉલ્ટની અસરમાં વિશ્વનાં શૅરબજારો બે દિવસથી સારા મૂડમાં છે. મંગળવારે તમામ એશિયન બજારોનો સુધારો આગળ વધ્યો છે. સિંગાપોર બે ટકા, તાઇવાન પોણાબે ટકા, ઇન્ડોનેશિયા એક ટકાથી વધુ, સાઉથ કોરિયા એક ટકા નજીક પ્લસ હતું. થાઇલૅન્ડ રજામાં હતું. યુરોપ ૨-૩ ટકાથી આગલા દિવસની તેજી પકડી રાખતાં રનિંગમાં અડધાથી એક ટકો ઉપર દેખાયું છે. બ્રેન્ટ ક્રૂડ ૪ વર્ષના નવા તળિયે ગયા બાદ સુધરી ૬૫ ડૉલર તથા નાયમેક્સ ક્રૂડ ૬૧ ડૉલર થઈ ગયું છે. સોનું નવા બેસ્ટ લેવલ બાદ અડધા ટકાના સુધારે હાજરમાં ૩૨૨૪ ડૉલર તો વાયદામાં ૩૨૪૦ ડૉલર ચાલતું હતું. સોનામાં ગોલ્ડમાન સાક્શવાળા વર્ષાંત સુધીમાં ૩૭૦૦ ડૉલર તો યુબીએસવાળા ૩૫૦૦ ડૉલરનો ભાવ નક્કી માની રહ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં બિટકૉઇન ૮૪૪૩૯ ડૉલરની નીચી સપાટીથી દોઢેક ટકો વધી રનિંગમાં ૮૫૮૩૩ જોવા મળ્યો છે. પાકિસ્તાની શૅરબજાર રનિંગમાં ૭૦૯ પૉઇન્ટ વધી ૧૧૭૦૯૫ હતું.


ઘરઆંગણે શુક્રવારના ૧૩૧૦ પૉઇન્ટના ઉછાળા બાદ સેન્સેક્સ આગલા બંધથી ૧૬૯૫ પૉઇન્ટની તેજીમાં ૭૬૮૫૨ ખૂલી ૧૫૭૮ પૉઇન્ટ નજીકની મજબૂતીમાં ૭૬૭૩૫ બંધ થયો છે. નિફ્ટી પર્ફેક્ટ પંજામાં એટલે કે ૫૦૦ પૉઇન્ટ ઊંચકાઈ ૨૩૩૨૮ વટાવી ગયો છે. શૅરઆંક નીચામાં ૭૬૪૩૫ અને ઉપરમાં ૭૬૯૦૭ દેખાયો હતો. સેન્સેક્સ નિફ્ટીના બે ટકાથી વધુના ઉછાળા સામે સ્મોલકૅપ સવાત્રણ ટકા, મિડકૅપ ત્રણ ટકા, બ્રૉડર માર્કેટ અઢી ટકા વધતાં માર્કેટ બ્રેડ્થ ખાસ્સી સ્ટ્રૉન્ગ હતી. NSEમાં ૨૫૫૭ શૅર વધ્યા હતા. સામે માત્ર ૩૭૭ જાતો ઘટી છે. બજારનું માર્કેટકૅપ ૧૦.૫૭ લાખ કરોડ રૂપિયા વધી હવે ૪૧૨.૨૪ લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે.

HDFC બૅન્ક અને ICICI બૅન્ક બજારને ૬૧૧ પૉઇન્ટ ફળી


બન્ને બજારનાં તમામ સેક્ટોરલ મજબૂત હતાં જેમાં કૅપિટલ ગુડ્સ બેન્ચમાર્ક ૨૧૫૦ પૉઇન્ટ કે પોણાચાર ટકા નજીક, ઑટો ઇન્ડેક્સ ૩.૪ ટકા કે ૧૫૫૨ પૉઇન્ટ, ફાઇનૅન્સ ઇન્ડેક્સ ત્રણ ટકા, બૅન્કેક્સ અઢી ટકા, ટેલિકૉમ ૨.૬ ટકા, હેલ્થકૅર સવાબે ટકા, રિયલ્ટી પોણાછ ટકા, મેટલ બેન્ચમાર્ક પોણાત્રણ ટકા, બૅન્ક નિફ્ટી ૧૩૭૭ પૉઇન્ટ કે ૨.૭ ટકા, નિફ્ટી મીડિયા ૨.૯ ટકા, નિફ્ટી ફાર્મા સવાબે ટકા, આઇટી ઇન્ડેક્સ પોણાબે ટકા, FMCG અડધો ટકો વધ્યો છે.

સેન્સેક્સના ૩૦માંથી ૨૮ અને નિફ્ટીના ૫૦માંથી ૪૮ શૅર પ્લસ થયા છે. આઇટીસી તથા હિન્દુસ્તાન યુનિલીવર નહીંવતથી સામાન્ય નરમ હતા. ઇન્ડસઇન્ડ બૅન્ક પોણાસાત ટકા ઊછળી ૭૩૬ના બંધમાં બન્ને બજાર ખાતે ટૉપ ગેઇનર બની છે. અન્યમાં શ્રીરામ ફાઇનૅન્સ સવાપાંચ ટકા, તાતા મોટર્સ સાડાચાર ટકા, લાર્સન સાડાચાર ટકા, અદાણી એન્ટર અને ઍક્સિસ બૅન્ક સવાચાર ટકા નજીક, ડૉ. રેડ્ડીઝ લૅબ અને અદાણી પોર્ટ્સ ચાર ટકા, હીરો મોટોકૉર્પ તથા જિયો ફાઇનૅન્સ પોણાચાર ટકા, આઇશર સવાત્રણ ટકા ઊછળી છે. HDFC બૅન્કનાં પરિણામ ૧૯મીએ છે. શૅર અઢી ગણા વૉલ્યુમે સવાત્રણ ટકા ઊછળી ૧૮૬૫ના બંધમાં બજારને સર્વાધિક ૩૮૧ પૉઇન્ટ ફળ્યો છે. ICICI બૅન્ક પોણાત્રણ ટકા ઊંચકાઈ ૧૩૩૯ બંધ થતાં બજારને બીજા ૨૩૦ પૉઇન્ટ મળી ગયા હતા. રિલાયન્સ પોણાબે ટકા નજીક વધી ૧૨૪૦ ભણી સરકી છે. ઇન્ફી સવા ટકો, ટીસીએસ અડધો ટકો, HCL ટેક્નૉ અઢી ટકા, વિપ્રો પોણાબે ટકા, ટેક મહિન્દ્ર દોઢ ટકો અપ હતી. મહિન્દ્ર બજાજ ફાઇનૅન્સ, ઝોમાટો, ભારતી ઍરટેલ, તાતા સ્ટીલ, મારુતિ, ગ્રાસીમ, ટ્રેન્ટ બેથી અઢી ટકા વધી છે. પાવરગ્રિડ અને નેસ્લે નામ પૂરતા સુધર્યા હતા.

રેપો-રેટમાં ઘટાડાનો સઘળો લાભ બૅન્કો ઘરભેગો કરશે

રિઝર્વ બૅન્કે અર્થતંત્રને વેગ આપવા રેપો-રેટમાં વધુ ૦.૨૫ ટકાનો ઘટાડો કર્યો તો બૅન્કોએ ધિરાણદર ઘટાડી એનો લાભ ગ્રાહકોને આપવાને બદલે થાપણદર તથા બચતદર ઘટાડીને લોકોને લૂંટવાનું શરૂ કરી દીધું એને લીધે તેમનાં સરવૈયાં સારાં બનશે એવી ધારણામાં ગઈ કાલે તમામ ૪૧ બૅન્કોના શૅર વધ્યા છે. ફીનો પેમેન્ટ બૅન્ક ૨૦ ટકાની તેજીમાં ૨૨ ગણા વૉલ્યુમે ૩૫૦ બંધ રહી છે. ઇન્ડસઇન્ડ બૅન્ક પોણાસાત ટકા, RBL બૅન્ક સાડાચાર ટકા, ઍક્સિસ બૅન્ક સવા ટકા, યુનિયન બૅન્ક પોણાચાર ટકા, IDFC ફર્સ્ટ બૅન્ક સાડાત્રણ ટકા ઊછળી હતી. બૅન્કિંગની હૂંફ સાથે ફાઇનૅન્સ બેન્ચમાર્ક પણ ૧૫૭માંથી ૧૪૯ શૅરના સથવારે ત્રણેક ટકા ઊછળ્યો છે. ધાની સર્વિસિસ સવાઅઢાર ટકા, ઇરડા સાડાઆઠ ટકા, ૩૬૦ વન આઠ ટકા, શૅર ઇન્ડિયા પોણાઆઠ ટકા, હોમ ફર્સ્ટ સાડાસાત ટકા, ચૌલા મંડલમ ઇન્વેસ્ટમેન્ટ ૭ ટકા, ICICI લૉમ્બાર્ડ સાડાછ ટકા, પાવર ફાઇ અને સ્ટાર હેલ્થ સવાછ ટકા મજબૂત હતા. BSE લિમિટેડ સાડાપાંચ ટકા કે ૩૧૩ની તેજીમાં ૫૯૫૮ થઈ છે. MCX અઢી ટકા વધી હતી.

તમામ ૧૦ શૅરમાં સાડાત્રણથી સાડાઆઠ ટકાની તેજી દાખવી રિયલ્ટી બેન્ચમાર્ક પોણાછ ટકા ઊંચકાયો છે. લોઢાની મેક્રોટેક સવાઆઠ ટકાના જમ્પમાં ૧૨૧૫ હતી. તો બે ટકાથી લઈ આઠ ટકાની રેન્જમાં તમામ ૧૮ શૅર વધતાં ઑટો ઇન્ડેક્સ ૩.૪ ટકા કે ૧૫૬૨ પૉઇન્ટમાં જોરમાં હતો. MRF ૪ ગણા કામકાજમાં સાડાચાર ટકા કે ૫૨૯૦ની તેજીમાં ૧૨૨૮૮૯ વટાવી ગઈ છે. ઑટો એન્સિલિયરી સેક્ટરના ૧૨૬માંથી માત્ર ૧૨ શૅર ઘટ્યા છે.

IT ઇન્ડેક્સ ૫૯માંથી એકમાત્ર તાન્લા પ્લૅટફૉર્મના નજીવા ઘટાડાને બાદ કરતાં તમામ શૅર પ્લસમાં આપી પોણાબે ટકા વધ્યો હતો. સાઇડ શૅર સારા એવા ઝળક્યા હતા. ઇન્ટલેક્ટ ડિઝાઇન પોણાચૌદ ટકા, મૅગ્લેનિક ક્લાઉડ ૧૩.૭ ટકા, બ્લૅક બૉક્સ સાત ટકા, જેનેસિસ પોણાસાત ટકા, આર. સિસ્ટમ્સ ૬.૮ ટકા, ઑનવર્ડ ટેક્નૉ સાડાછ ટકા, સોનાટા સૉફ્ટવેર ૬ ટકા ઊછળ્યા છે.

મૉર્ગન સ્ટૅનલીએ સેન્સેક્સનો ટાર્ગેટ ૧૨ ટકા ઘટાડી નાખ્યો

મૉર્ગન સ્ટૅનલી તરફથી વર્ષાંત માટે સેન્સેક્સનો ટાર્ગેટ ૧૨ ટકા ઘટાડી ૮૨૦૦૦ કરી દેવાયો છે. ફેબ્રુઆરીનો ઔદ્યોગિક વિકાસદર ૭ મહિનાના તળિયે ગયો છે. વિશ્વબજારમાં ક્રૂડ ૪ વર્ષના તળિયે ગયું તો એનો લાભ ગ્રાહકોને આપવાને બદલે સરકારે પેટ્રોલ-ડીઝલની એક્સાઇઝ બે રૂપિયા વધારી દીધી, રાંધણ ગૅસ ૫૦ રૂપિયા મોંઘો કર્યો, CNG અને PNGના ભાવ પણ વધી ગયા. મજાની વાત એ છે કે આમજનતાનાં હિતની વાતો કરતાં-કરતાં એની ધોળેદહાડે બેરહેમ લૂંટ થઈ રહી છે. વિકાસની આ નવી પરિભાષા છે.

છેલ્લાં બે વર્ષમાં પ્રથમ વાર પ્રાઇમરી માર્કેટમાં સન્નાટો છે. ચાલુ સપ્તાહે એક પણ નવું ભરણું કે નવું લિસ્ટિંગ નથી. માર્ચમાં મેઇન બોર્ડમાં એક પણ ઇશ્યુ આવ્યો નથી જે ફેબ્રુઆરી ૨૦૨૩ પછીની પ્રથમ ઘટના છે. આખા સપ્તાહ દરમ્યાન એક પણ SME IPOના હોય એવી ઘટના જાન્યુઆરી ૨૦૨૪ પછી પ્રથમ વાર જોવા મળી છે. FII એકધારી વેચવાલ છે. ચાલુ મહિને ૧૧ એપ્રિલ સુધી કામકાજના ૭ દિવસમાં એણે ૩૪૬૪૨ કરોડની રોકડી કરી લીધી છે. ટ્રમ્પનું કોઈ જ ઠેકાણું નથી. તેમનો ભરોસો રાખી શકાય નહીં. તેની પાસે અદાણીનું ટ્રમ્પ કાર્ડ છે એટલે એ મનોમન ભારતને એનું ખંડિયું રાજ્ય માને છે. આ સંજોગોમાં બજારમાં ગમે એવા મોટા ઉછાળા આવે પણ એ ટકશે કે નહીં એ સવાલ યથાવત્ રહેવાનો છે. રિલીફ રૅલી કે રિવેન્જ રૅલીમાં બહુ વિશ્વાસ રાખવો નહીં, વધેલું બજાર ગમે ત્યારે બમણા કે ચાર ગણા વેગથી તૂટી શકે છે. રેસિપ્રોકલ ટૅરિફનો અમલ ૯૦ દિવસ સુધી મોકૂફ છે, પરંતુ ટ્રમ્પ આ ગાળામાં શાંતિથી બેસી રહેવાનો નથી. એના કંઈક ને કંઈક ઉત્પાત ચાલુ રહેશે. 

Whatsapp-channel Whatsapp-channel

16 April, 2025 08:47 AM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK